• ગરબા રમજો ગેમ નહીં - નીધિ મહેતા

    આર્ટિકલ 4-10-2023 07:33 AM
    લેખક: નીધિ મહેતા
    નવદુર્ગાના નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોય ત્યારે ગરબાના રસિયાઓ પૂરજોશથી તૈયારી કરવા લાગ્યાં છે. ઠેરઠેર ગરબા ક્લાસીસ શરૂ થઈ ગયાં છે.  યુવાધન નવરાત્રીના નવ દિવસમ હિલ્લોળે ચડે છે. આજકાલ યુવાનોમાં ગરબાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. ત્યારે આ તહેવારનું મહત્વ પણ વધી રહ્યું છે. આમ તો આ ગરબા એ આપણા ગુજરાતીઓની ઓળખ છે. એટલે એનું વર્ચસ્વ વધે એટલે આપણે ગુજરાતી તરીકે ગૌરવ અનુભવાય એ સહજ છે. પરંતુ ખરેખર આ ખૂબ મોટા પાયે ઉજવાતા ગરબા મહોત્સવ માટે થનગનતા યુવાનો ખરેખર નવદુર્ગા,ની ભક્તિમાં ભાવવિભોર થાય છે કે પછી.....?જો કે જવાબો ઘણાં છે. જે નવરાત્રી પૂરી થયા બાદ કોઈ પેપરની ઘટના કે કિસ્સા બનીને મળે છે. ગરબાના નામે લાગણીની ગેમ રમાય છે. ઘણાં અયોગ્ય કિસ્સાઓ બને છે. ત્યારે દીકરો કે દીકરી દરેક નવયુવાનોને એટલું જ કહેવાનું થાય કે, ‘તમને ગરબા ક્લાસીસમાં, ગરબાના પાર્ટી પ્લોટ માં કે અન્ય સ્થળે તમારા મિત્ર વર્તુળ સાથે રાત રાતભર જવાની મંજૂરી આપીને તમારા માતા-પિતા તમારા મિત્ર બનવા મથે છે. તમારા પર અપાર વિશ્વાસ મૂકે છે. એટલે જ તમને નિશ્ચિંત થઈ તમારી આ ઉંમરની જાહોજલાલી માણવા દે છે. એ તમને એટલી સ્વતંત્રતા વણમાંગે આપે છે. ત્યારે સંતાન તરીકે એમની આપેલી સ્વતંત્રતા તમારી સ્વચ્છંદતા ના બને, એમના વિશ્વાસમાં વિષ ના ઘોળાય, ને એમના ઉછેર પર આંગળી ન ઉઠે, એ કાળજી રાખવાની જવાબદારી સંતાનોની પણ છે. મિત્ર બની તમારી ઈચ્છાઓ અને સપનાઓને મૂલવ્યાં વગર સ્વીકારતાં તમારા પરિવારની પરવરિશ પર સવાલો ન થાય એ વાત સતત યાદ રાખવી એ પણ સંતાનની જવાબદારી છે.’સંતાન તરીકે માતા-પિતા પાસેથી મિત્રભાવની અપેક્ષા રાખવી એ સંતાનોનો અધિકાર છે, તો સામે પક્ષે સંતાનોએ પણ મૈત્રીમાં પ્રમાણિક રહી માતા-પિતાને પોતાના જીવન અને તેના નિર્ણયોથી માહિતગાર રાખવા એ તેમની ફરજ છે. વળી માબાપને મિત્ર બનાવાય  એ ખોટું નથી, પણ મિત્ર જેવો વ્યવહાર કરતાં કરતાં એ મા બાપ છે એ ભૂલી નથી જવાનું.તો નવરાત્રી નિમિત્તે ગરબામાં જતાં દરેક યુવાનોએ તમારી જનરેશન મુજબ બની રહેલાં તમારા સો કુલ ‘ડેડ એન્ડ મોમ’ ને સાચા મિત્ર બની તમે ક્યાં? કોની સાથે ?જઈ રહ્યા છો તેની પૂરેપૂરી માહિતી આપવી અને સંપૂર્ણ સાચી માહિતી આપવી, અને ત્યાં જ જવું ત્યાંથી ગરબાના નામે બીજા કોઈ ગામને ગોંદરે નહીં .’આજ દિવસોમાં ગરબાની આડમાં ગેમ પણ રમાય છે. ત્યારે દીકરીઓએ ખાસ સમજવાનું છે કે કોઈ પણ એને વાતોમાં ભોળવી એકલામાં ક્યાંય પણ જવા કહે ત્યારે આવી વાતોમાં ન આવવું.   કારણ કે ત્યાં ખતરાનું સિગ્નલ છે એ સમજી જવું.  કોઈપણ નોર્મલ વાત નોર્મલી બધા વચ્ચે થઈ જ શકે, અને જો બધા વચ્ચે થાય એવી વાત નથી તો કદાચ એ નોર્મલ જ નથી આટલું વિચારવું. કોઈની પણ સાથે ગમે ત્યાં, ગમે તેમ ચાલી નીકળતાં પહેલા બે ક્ષણ માટે તમારા માતા-પિતા પરિવારે  તમને આપેલી મંજૂરીને, તમારા પર મુકેલા અમાપ વિશ્વાસ વિશે વિચારી લેવું કે, એમણે તમારા પર વિશ્વાસ મૂકીને ભૂલતો નથી કરીને? એ વિશ્વાસ ને તમારે એનો પસ્તાવો તો નથી બનવા દેવોને? પછી તમારો આત્મા તમને જે જવાબ આપે એમ કરજો.અને દીકરાઓને પણ એટલું જ કહીશ કે આ જનરેશનમાં છોકરા-છોકરીની મિત્રતા એ નોર્મલ છે. એમાં કોઈ જ ખરાબી નથી. પરંતુ મિત્રતાનું મહોરુ પહેરી કોઈ દીકરીની ભાવનાઓ કે ભરોસા ના તોડતાં. કારણ કે, બે ચાર આવા કિસ્સા બને છે ને, ત્યારે હજારો સારી મૈત્રીના ઉદાહરણ યાદ નથી રહેતાં. પણ આવા જ ઉદાહરણ યાદ રહે છે. અને બીજા કેટલાકની પ્રમાણિક મૈત્રી પર સવાલો ઉઠે છે. કેટલાક માબાપ પોતાના સંતાનોને શંકાની નજરે જુએ છે. તેની વિજાતીય મૈત્રીને સ્વીકારી નથી શકતાં. તેને વિશ્વાસ કરતાં પણ બીક લાગે છે.આપણે સૌ જાણીએ છીએ બધા એવાં નથી હોતાં પણ તેમ છતાં સારા કરતા ખરાબ નો ફેલાવો જલ્દી થાય છે. માટે ચેતીને ચાલવું તો જરૂરી છે. કારણ કે નવયુવાનો અને નવરાત્રી એકમેકથી રળિયાત રહ્યા છે. નવયુવાનોથી ગરબા ગુંજે છે, વિસ્તરે છે. અને ગુજરાતની ગરિમા વધારે છે. ત્યારે એ ગરબા માત્ર ગરબા માટે જ ઓળખાય, કોઈ નકારાત્મકતા સાથે આ નવદુર્ગાની નવરાત્રીનું નામ ન જોડાય એ પણ આપણી સૌની જવાબદારી છે.
    ખૂબ રંગે ચંગે સજીધજીને આવનારી નવરાત્રિમાં ગરબે ઘૂમવા હું, તમે ને આપણે સૌ તૈયાર થઈ જઈએ. પણ બસ એટલું જ યાદ રાખીએ કે, નવદુર્ગાના નવલા નોરતાની અજવાળી રાતો આપણા જીવનને અજવાળી જાય. એની આડમાં કોઈ એવું કાર્ય ન થઈ જાય કે, એ જ અજવાળી રાતો જીવનમાં અંધારું બની જાય ,આપણી અને આપણા પરિવાર માટે.ટૂંકમાં ગરબાની મોસમ આવી છે ત્યારે, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આપણે ગરબા રમીએ. પણ બસ યાદ રાખો માત્ર ગરબા જ ગેમ નહીં. કોઈની લાગણી, મૈત્રી કે ચરિત્ર સાથે ગેમ નહીં માત્ર ગરબા.તો ગરબામાં માત્ર  ગરબા જ રમતો ગેમ નહિ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!