• જ્યાં સુધી પોતાની આંખે દૃશ્ય જોશે નહીં ત્યાં સુધી સ્વપ્ન શું છે એને ખબર કેમ પડશે? -આરતી રામાણી ‘એન્જલ’

    ‘અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે.” આપણે આપણાં અનુભવો પરથી કેટકેટલું શીખી ગયા અને એ જ અનુભવોએ આપણને આગળ વધાર્યાં. આજે આપણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બધી એ અનુભવોને જ આધીન છે, પરંતુ જો આપણને એ અનુભવો ના થયા હોત તો શું સફળતા શક્ય હોત ખરાં? નહીં ને? તો આ જ વાત આપણે વડીલ બનીએ ત્યારે કેમ ભૂલી જઈએ છીએ? 
    બાળપણમાં પથ્થર આડો આવતા ઠેસ વાગી એટલે પડ્યાં; પડ્યાં એટલે ઊભા પણ થતા આવડ્યું અને એ ખબર પડી કે પથ્થર જ્યાં આડો હોય ત્યાંથી ધ્યાનથી ના ચાલવાથી ઠોકર જ વાગે, પડી જવાય અને ઈજા પણ થાય એથી આપણે જ્યારે પથ્થર જોઈએ છીએ ત્યારે એના અડફેટે નથી આવતાં. આ જ અનુભવે આપણને જિંદગીભર જીવતા શીખવ્યું. એ પથ્થર પછી જમીનમાં ખૂંપેલો હોય કે પછી આપણાં કામમાં ઊભો થતો અવરોધ હોય. ‘ઈંટ કા જવાબ પથ્થર સે’ આવું કામ કરવામાં પથ્થર તૂટે કે ના તૂટે, ઈંટનો ભૂકો જરૂર બોલે છે, એ આપણે ભલીભાંતિ સમજી ગયાં એટલે જ પથ્થરથી ટક્કર લેવા કરતાં સાઇડ પરથી પસાર થઈ આપણે મંજિલે પહોંચવાનું શીખ્યાં. આપણી આ જ સમજદારીએ આપણને સફળતાનાં શિખરે પહોંચાડ્યાં, પરંતુ એક વાત ધ્યાને લીધી ખરાં? પથ્થર તો હતો ત્યાંને ત્યાં જ ખૂંપેલો રહ્યો! મતલબ, સમજદારી દાખવવાળા આગળ નીકળે જ્યારે પથ્થર જેવા હોય એ ત્યાંનાં ત્યાં જ રહે. જો અનુભવ જ બધું શીખવે છે તો જ્યારે આપણે વડીલ બનીએ છીએ ત્યારે કેમ આ વાત મગજમાં નથી રાખતા? 
    આપણું સંતાન, પૌત્ર કે પૌત્રી જ્યારે ચાલવા જાય અને પથ્થર આડો હોય ત્યારે આપણે આપણાં જ હાથેથી એને ઊંચકીને પથ્થર ઠેકાવી દઈએ છીએ. આમ કરવાથી પ્રથમ: બાળકને પથ્થર શું છે એની સાચી ખબર જ નથી પડી, કેમ કે એને તો એમ જ થાય છે કે પથ્થર હશે ત્યાં મારા વડીલ મને ઊંચકી લેશે અને મસ્ત મજાનો ઝૂલા જેવો અનુભવ કરાવશે! આમાં પથ્થર એનાં માટે અનુભવ નહીં, પરંતુ આનંદનું સાધન બન્યું. બીજું: જ્યારે બાળકને આપણે ઊંચકી લીધું અને પથ્થર સાથે અથડાઈ ઠોકર ખાતા બચાવી લીધું ત્યારથી જ એ બાળક પરાધીન બની ગયું. એને દર વખતે મનમાં એમ જ થશે; કોઈપણ પથ્થર, મુશ્કેલી કે તકલીફ આવી, મારા વડીલો છેને, મને ઊંચકી લેશે, મારે શું ચિંતા કરવાની જરૂર? આપણે તો એ મસ્ત મજાનો ઝૂલાનો અનુભવ જ કરવાનો! શું આમ કરવાથી બાળકને કોઈ કડવો અનુભવ થશે ખરાં? જો એકે કડવો અનુભવ નહીં થાય તો એ બાળક સફળતા સુધી પોતાની મહેનતે પહોંચી શકશે ખરાં? વળી જ્યારે એ જે સફળતા સુધી પહોંચ્યું હશે એ સફળતા પણ વડીલો દ્વારા અપાયેલી એક ભીખ જ હશે તો પછી શા માટે એને બધા અનુભવો કરતાં આપણે રોકીએ છીએ? આપણે હંમેશાં સંતાનોને સાંભળાવતા જ હોઈએ છીએ કે “આમ ના કરાય તેમ થાય, આમ જ કરવું જોઈએ તો જ સફળતા મળશે.” અરે! જ્યાં સુધી પોતાની આંખે દૃશ્ય જોશે નહીં ત્યાં સુધી સ્વપ્ન શું છે એને ખબર કેમ પડશે? ફક્ત આપણે આપણાં અનુભવોને આધારે એમનું ભવિષ્ય ના કેળવી શકીએ. જો આવું જ કરીશું તો એનો ખુદ પર વિશ્વાસ ક્યાંથી જન્મશે? બને કે આપણે કહીએ કે પથ્થર હોય ત્યાંથી ના ચલાય, વાગી જાય, પણ એ આપણો અનુભવ હતો, સંતાનને શું ખબર વાગવું એટલે શું, કેમ કે આપણે એને હર ઈજાથી બચાવતા જ આવ્યાં છીએ, પરંતુ એવું પણ બને કે આપણા સંતાનો પથ્થર જળમૂળથી જ ઉખેડી નાખે જેથી એ એકના એક રસ્તા પરથી વારંવાર પસાર થતા એણે એની જગ્યા ના બદલવી પડે, પથ્થરની જગ્યા બદલી અને પોતાનો રસ્તો એ પોતાનાં હાથેથી સરળ બનાવી દે. આમાં પણ એક શીખ, એક અનુભવ તો એને મળે જ છે ને કે અવરોધ ગમે તેટલો જટિલ હોય પોતાનાં પર વિશ્વાસ રાખી, મહેનત કરવાથી અવરોધે જગ્યા બદલવી પડે તો શા માટે આપણે આપણાં અનુભવો એમનાં માથે થોપતા આવ્યાં છીએ? વળી ક્યારેક સંતાન આપણાં કીધેલા અનુભવ વિરુદ્ધ કોઈ કાર્ય કરવા જાય ત્યારે આપણે એવા વેણ બોલીએ છીએ કે “એમ કરો તો પછી ભોગવો!” શું આ આપણું વડીલપણું છે? સંતાનને એનાં અનુભવો જાતે બનાવવા દેવા એમાં જ સમજદારી છે, નહીં તો પથ્થર બનીને આપણે જ રહી જઈશું.
    પથ્થર સમ બનીને અવરોધ શાને બનવો? સંતાનને એના અનુભવો જાતે કંડારવા દો. 
    જે સફળતા કદી નથી મેળવી શક્યાં આપણે,બને એ જ રસ્તે ચાલીને એ કોતરે રસ્તો નવો.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!