• શ્રી કાન્તિ મડિયાનુ કોઈ ભીંતેથી આયના ઉતારો
    આર્ટિકલ 13-3-2023 12:30 PM
    લેખક: આર એન જોષી
       ટાઈટલ થી જ  નાટક જોવાની ઉત્સુકતા વધે તેવો રંગભૂમિ નો સમયગાળો એટલે 1970 થી  1990 જેને આપણે ગુજરાતી રંગભૂમિ નો સુવર્ણ કાળ પણ ગણી શકીએ! આ સમય બે પ્રવીણ નો હતો, સ્ટેજ પર પ્રવિણ જોષી અને સ્ટેજ પાછળ પ્રવિણ સોલંકી! અને એમાં જિદ્દી, આત્મ સન્માન ધરાવતા અને પાકા ઈરાદા ધરાવતા કાન્તિ મડિયા આવ્યા,પછી તો” શોખીયોમે ઘોલા જાયે ફુલો કા શબાબ,ઈસમે ફીર મિલાઈ જાએ,થોડી સી શરાબ”ની જેમ કાન્તિ મડિયા એ 1967 માં “નાટયસંપદા” ની સ્થાપના કરી જે મનોવૈજ્ઞાનિક અને નૈતિક, સામાજિક અને વૈજ્ઞાનિક પ્રશ્નો સાથે રંગભૂમિ પર નાટકો રજૂ કર્યા તે બેમિસાલ છે! અગાઉ કહ્યું તેમ નાટકના શિર્ષક થી જ તમારી ઉત્સુકતા વધે કે નાટકનો પ્લોટ શું હશે? અને એ શ્રેણીમાં”આતમને ઓઝલમા રાખ મા”(શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર),અમે બરફનાં પંખી(તબીબી વિજ્ઞાન ના કારણે ઊભા થતા પ્રશ્નો), મૃગજળ સીંચી ને અમે ઉછેરી વેલ (ટેસ્ટ ટયુબ બેબી), ચીતરેલા મોરનો ટહુકો (પેરાલિસિસની પીડા),સાવરે અધુરું મારું આયખું (કોલગર્લની પીડા),સંતાનો સૌ ગાંધારી ના (રાજકીય ખટપટ) જેવા નાટકો એ સમાજમાં catharsis ની ગરજ સારી હતી! એ જમાનામાં ઈચ્છા મૃત્યુ નો વિષય લઈને આવેલા નાટક “બાણશૈયા”(૧૯૭૬-૭૯) અંગે સાહસ કરી અમદાવાદ ના જયશંકર સુંદરી હોલ માં કોઈ એક શનિવાર ની સાંજે  આ નાટકનો શો હતો ત્યારે 1000 પ્રેક્ષકો ની ક્ષમતા વાળા રાયખડ સ્થિત જયશંકર સુંદરી હોલ માં અમે કુલ 38 પ્રેક્ષકો હતા, જે મેં જાતે ગણેલા, છતાં દાદ દેવી પડે કાન્તિભાઈ મડિયાને કે એમણે સાંજના પાંચ ના ટકોરે પરદો ઉઠાવડાવ્યો અને સ્ટેજ પર પેશન્ટ તરીકે પલંગ માં સુતેલા અરવિંદ જોશી જે સતત મૃત્યુ માટે આગ્રહ રાખતા હતા,તો નર્સ તરીકે રાગિણી જે  પેશન્ટની અદભૂત માવજત કરતા ( સાચવતા ) અને કોઈ પણ ભોગે પેશન્ટ ને બચાવવા મથતા દેવદૂત સમાન ડૉક્ટર તરીકે શ્રી કાન્તિ મડિયા હતા! અદભૂત પ્લોટ,  અદભૂત નાટયગૂથણી અને બેમિસાલ અભિનય ! What a treat ! આ એ જ કાન્તિભાઈ મડિયા હતા જેમણે “કાશીનો દીકરો”(૧૯૮૨) ફિલ્મ નું દિગ્દર્શન કરી ગુજરાતી ફિલ્મ ને ભારતભરમાંથી ઢગલો એવોર્ડ અપાવ્યા હતા! એટલું જ નહિ, પ્રયોગાત્મક દ્ગષ્ટીએ ૧૯૮૮ માં મધુ રાય નું ત્રિઅંકી નાટક “પાનકોર નાકે જઈ” પણ ભજવ્યું હતું. 
    આવી જ રીતે એંશીના દાયકામાં કાન્તિભાઈ એવો થીમ લાવ્યા કે પ્રેક્ષકો છેલ્લા દ્ગષ્ય માં પણ વિચારતા કે સ્ટેજ પર શું થઈ રહ્યું છે અને શુ સત્ય છે?? “કોઈ ભીંતે થી આયના ઉતારો” નું શિર્ષક જ ભાવનાત્મક હતું! તમે દર્પણ માં જુઓ ત્યારે તમારા ચહેરા ને બદલે કોઈ બીજો ચહેરો જોવા મળે તો?અને એ પ્રતિબિંબ જ તમારી હાંસી ઉડાવે તો?તમે પોતે જ છો,એ જ મન છે,એ જ ભાવનાઓ છે છતાં મગજ બદલાઈ જાય તો? આજે આ વાતની નવાઈ નથી! પ્લાસ્ટિક સર્જરી થી ચહેરા બદલાયા હોય તેવી એકવીસમી સદીની વિજ્ઞાન ની દેન છે, અને શરીરના અંગોનુ ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય ઘટના બનતી હોય તેવું લાગે છે! 
    કોઈ ભીંતે થી આયના ઉતારો નાટકનું મુખ્ય પાત્ર હીરાનો વેપારી અમર દલાલ છે જે એક મધરાતે ઘેર પાછો ફરે છે ત્યારે  તેની પત્ની તેને પ્રવેશ જ નથી આપતી કારણકે તેનો પતિ તો અકસ્માત માં મૃત્યુ પામ્યો છે અને આમાં થી શરુ થાય છે વિજ્ઞાન વિરુદ્ધ કાયદાનો જંગ!
    અગાઉ આપણે આ જ કોલમમાં ગિરીશ કર્નાડ ના કન્નડ નાટક “હયવદન” ની સમીક્ષા કરી હતી તે નાટકમા પણ બે ધડની ઉપર બે મિત્રો ના માથા બદલાઈ જાય છે એટલે પદ્મિની ને આ જ પ્રશ્ન છે કે મસ્તક ધરાવે છે એ મારો પતિ  છે કે શરીર ધરાવે છે એ પતિ છે ? આ નાટકમા એક વિજ્ઞાની અકસ્માત ની રાત્રે દાણચોર જયદેવના શરીર પાસે બેઠો છે અને તે અકસ્માત નો ભોગ બનેલ અમરના શરીરને જુએ છે ત્યારે જયદેવનુ મગજ  અમર દલાલના શરીરમાં પ્લાન્ટ કરી દે છે અને હવે અમરનું શરીર અનેક પ્રશ્નો ઉભા કરે છે! કોર્ટ માં એક પછી એક સાબિતીઓ મુકાતી જાય છે પણ ગુંચવાડો વધતો જાય છે! પતિ જ જાણતો હોય તેવા પુરાવા અમર રજૂ કરે છે,પણ પત્ની પર કોઈ અસર નહિ અને ત્યાં જ જયદેવની પત્ની આવે છે જોવા કે જયદેવ જીવે છે? અમરનો નાનો ભાઈ પોતાના મોટાભાઈ ને ઓળખી જાય છે,પણ બન્ને પત્નીઓમાથી કોઈ પત્ની અમર કે જયદેવ નો સ્વીકાર કરતી નથી! આમ અમરની દશા ધોબીના કૂતરા જેવી થાય છે! એંશીના દાયકામાં કાન્તિભાઈ મડિયા ખુદ અમરના  રોલમાં હતા અને ત્રીસ વર્ષ પછી 2015 ના નવસંસ્કરણ માં કમલેશ મોતા હતા પણ લેખક તો પ્રવિણ સોલંકી જ છે! હા,નવા નાટકમા અમર દલાલ ની પત્ની ડિમ્પલ આશર છે તો અમરના વકિલ તરીકે નેહા પ્રજાપતિ છે જ્યારે સરકારી વકીલ તરીકે સદાબહાર શ્રી અરવિંદભાઈ વેકરીયા છે! કાન્તિભાઈ ભીંતે થી આયનો ઊતરાવી તમે કોણ છો એ પારખવાની પરીક્ષા લે છે. ટૂંકમાં માણસનુ મગજ બદલાવાથી શું નવું મન આવે એ પત્નીને ગમતું નથી? નાટકની આ મથામણ જ મહત્વપૂર્ણ છે, કારણકે બન્ને ની પત્નીઓ પણ હીરાના વેપારી અમર દલાલ ને નથી અમર તરીકે  સ્વીકારતી કે નથી દાણચોર જયદીપ તરીકે  સ્વીકારતી!
    મરાઠી નાટ્યકાર સુભાષ પારઘી ના મૂળ નાટક “મી અનિકેત સહસ્ત્રબુધ્ધે” માં થી કોઈ ભીંતે થી આયના ઉતારો ની મૂળ વાર્તા પ્રવિણ સોલંકી દ્વારા લેવામાં આવી છે અને એ રીતે મરાઠી રંગભૂમિ નું ગુજરાતી નાટકો પર બહુ મોટું ઋણ છે! ૪૦ વર્ષના સમયગાળામાં એક જ ટાઈટલ ધરાવતું નાટક ફરી વાર રજુ થાય તે પણ ઐતિહાસિક બાબત છે! 
    મન અને બાહ્ય દેખાવ નો સંઘર્ષ સનાતન છે,લાખ છૂપાઓ છૂપ ના સકેગા રાઝ કીતના ગહેરા,દિલકી બાત બતા દેતા હૈ અસલી નકલી ચેહરા! પણ એના એ જ ચહેરા સાથે મગજ તમને વિશિષ્ટ કામો કરાવતું હોય છે! 
    આમ પ્રતિકાત્મક રીતે જોઈએ તો દરેક ચેહરાની પાછળ એક એવો ચેહરો છે જે કદિ બહાર આવતો નથી પણ છેલ્લા પાંચ વર્ષ માં પિતાઓ ના સગીર પુત્રીઓ પર થતા બળાત્કાર, વ્યાજખોરો ની વરવી વસુલાત માટે  લેણદારો ની કરાતી હત્યાઓ,પ્રેમિકાથી ઉબાઈ જઈ કટકા કરી ફ્રીઝ કે બેગમાં મુકવાની માનસિકતા, પોતાના પ્રતિસ્પર્ધીઓ પર કાર ચલાવી મારી નાખવાની નિપૂણતા,કરોડો રૂપિયા ની લોન લઈ દેશ છોડી જવાની કુશળતા કે વિવિધ કોલેજોમાં સિનીયર દ્વારા રેગિન્ગ, ફિલ્મ ઉદ્યોગમાં સુશાંત સિંહના મૃત્યુ પછીની દશા, અને રોજબરોજના રાજકારણ ના કાચિન્ડા -આ બધુ આ જ સમાજના જુદા જુદા ચેહરાઓ મગજથી કામ  કરી રહ્યા છે ત્યારે જરુર છે આ તમામ વર્ણવેલ નિરંકુશ અને વંઠેલ લોકોએ ભીંતે થી આયના ઉતારી પોતાના આંતરિક પ્રતિબિંબ ને જોવાની અને આ વરવા ચેહરાઓ જે દિવસે પોતાના અસલી ચેહરા જોશે ત્યારે કંઇ જ કહ્યા કે કર્યા વગર મરી જશે! એટલે હાલ જીવી રહેલા આવા  તમામ ચેહરાઓ જયારે ભીંતે થી આયના ઉતારશે પછી જ આપણે સાચા અર્થમાં કહી શકીશું. ૐ શાંતિ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!