• લાગણીથી બિઝનેસમાં સફળતા ન મળે, પ્રોફેશનલ બનો તો જ સિદ્ધિ હાંસલ કરી શકાયઃ દિલીપ ઠક્કર
    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:21 AM
    • એક મિત્ર પાસેથી 400 રૂપિયા ઉછીના લઈને 26-12-76ના રોજ વીએસ હોસ્પિટલ પાસે ચાની કિટલી શરૂ કરી
    • દોઢ રૂપિયામાં અડધું ભાણું અને ત્રણ રૂપિયામાં આખું ભાણું ભોજન આપતા હતા
    અમદાવાદ

    જિંદગીની સફર એવી છે કે, સુખ અને દુઃખ યાને તડકો અને છાંયો આવ્યા જ કરે છે. ગમે તેટલું દુઃખ પડે તો હિંમત હારવી ન જોઈએ એવી જ્ઞાની પંડિતો શીખામણ આપતા હોય છે. પરંતુ વાસ્તવિક જિંદગીમાં ઘણા એવા લોકો હોય છે કે જે દુઃખનો સામનો કરવાને બદલે હિંમત હારી જાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે, દુઃખના ઘૂઘવાતા સમુદ્રમાં તરીને કિનારે પહોંચીને ફરીવાર સફળતા હાંસલ કરતા હોય છે. આવી જ એક વાત દિલીપભાઈ દામોદરભાઈ ઠક્કરની છે. અમદાવાદમાં ગોપી રેસ્ટોરન્ટ, ડાઈનિંગ હોલ જેટલું જ દિલીપભાઈનું નામ પણ જાણીતું છે. પોતાના મળતાવડા સ્વભાવને કારણે દિલીપભાઈ પાસે વિશાળ દોસ્તારોનું ગ્રૂપ અને સંબંધીઓ પણ છે.

    દિલીપભાઈ ઠક્કરે ગુજરાત મેઈલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા વચ્ચે આવેલું દાંડિયા-મડાણા ગામ છે. વર્ષો પહેલાની વાત છે. મારા દાદા ગુજરી ગયા. મારા પિતાને આઠ ભાઈ-બહેન હતા. દાદાના સ્વર્ગવાસ બાદ મારા પિતાશ્રી નોંધારા થઈ ગયા હતા અને તે સમયે અમારા દૂરના એક સગાને દયા આવતા મારા પિતાને ડીસા લઈ ગયા જ્યાં ગોપી નામની એક હોટલમાં નોકરીએ લગાવ્યા હતા. મારા પિતાની તે વખતે ઉંમર નાની હતી. અને ચાઈલ્ડ લેબર તરીકે કામ કરતા હતા. એ જમાનામાં શોષણ ખૂબ કરાતું હતું. અપમાનનો ઘૂંટડો ગળીને મારા પિતાએ નક્કી કર્યું હતું કે, હું ખૂબજ મહેનત કરીને એક દિવસ પોતાની ગોપી જેવી રેસ્ટોરન્ટ બનાવીશ. ત્યારબાદ ડીસામાં ન ફાવ્યુ એટલે અમારા એક સગા પિતાને કોલકાત્તા લઈ ગયા. ત્યાં થોડા સમય રહ્યા બાદ ન ફાવતા એટલે મુંબઈ આવ્યા ત્યાં પણ મજૂરી કરી ત્યાં પણ ન ફાવ્યું એટલે આખરે કિસ્મત તેમને અમદાવાદ લઈ આવ્યુ. અમદાવાદમાં કોન્સ્ટેબલની નોકરી મળી પણ અધિકારીએ ઠપકો આપતા નોકરી છોડી દીધી. ત્યારબાદ ઓટો ગેરેજનું થોડું ઘણું કામ શીખીને અમદાવાદમાં વી.એસ હોસ્પિટલ નજીક સ્કૂટર રિપેરિંગનું ગેરેજ શરૂ કર્યું. ત્યારબાદ સોબતને લીધે લત લાગતા પત્તા રમવા લાગ્યા તેથી ધંધામાં ધ્યાન ન રહ્યું. અને ફરી પાછા હતાં ને ત્યાંને ત્યાં જ આવી ગયા. ત્યારબાદ એક મિત્ર પાસેથી 400 રૂપિયા ઉછીના લઈને 26-12-76ના રોજ વીએસ હોસ્પિટલ પાસે ચાની કિટલી શરૂ કરી. તે સમયે મારી ઉંમર 15 વર્ષની હતી.

    દિલીપભાઈએ જણાવ્યું હતું કે,તે સમયે તબીબોને ચા આપવા વીએસ હોસ્પિટલ જતો હતો ત્યારે તબીબોને જોઈને મને પણ લાગ્યું કે મારે પણ ભણવું જોઈએ. મેં ભણવાનું શરૂ કર્યું પણ ચાની કિટલીને લીધે બહુ ભણી ન શક્યો. ત્યારબાદ ચા સાથે નાસ્તાની શરૂઆત કરી. સાબરમતી નદીમાં કુંભ મેળો યોજાયો હતો તેથી અમે ગુજરાતી થાળી શરૂ કરી. દોઢ રૂપિયામાં અડધું ભાણું અને ત્રણ રૂપિયામાં આખું ભાણું ભોજન આપતા હતા. અમે ગ્રાહકોને સંતોષ આપવામાં વ્યક્તિગત ધ્યાન આપતા હતા. મેં ધંધામાં પારંગત થવા માટે હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો. ત્યારબાદ બેન્કમાંથી લોન લઈને એસી રેસ્ટોરન્ટ શરૂ કરી. આમ ગોપી કંતાનમાંથી આધુનિક બની ગઈ. ગોપી ડાઈનિંગ એન્ડ રેસ્ટોરન્ટ સરસ ચાલવા લાગ્યું. હું મારા એક સંબધી સાથે માઉન્ટ આબુ જઈ રહ્યો હતો ત્યારે પરત ફરતી વખતે અમે બાલારામમાં થોડો સમય રોકાયા. મારા સંબંધીએ કહ્યું કે, આ રાજાનો મહેલ છે તે વેચવાનો છે. મેં અમદાવાદ પરત આવીને મારા પિતાને વાત કરી. પૈસાની સગવડ કરીને મુંબઈ ખાતે રહેતા નવાબનો સંપર્ક કર્યો. અને રૂપિયા 50 લાખમાં બાલારામ મહેલ ખરીદ્યો. મહેલના 17 રૂમોનું રિનોવેશન કરાવ્યું. 13 એકરમાં બાઉન્ડ્રી વોલ બનાવી. બાલારામ રિસોર્ટના વિકાસ માટે ઘર પણ વેચી દીધા.પત્નીના દાગીના પણ વેચી દીધા. બાલારામ રિસોર્ટને પ્રસિદ્ધિ મળવા લાગી. અમિતાભ બચ્ચનની ફિલ્મ સહિત બે ફિલ્મોના પ્રમોશન પણ થયા. પણ ગુજરાતમાં વિનાશક ભૂકંપ. તથા અક્ષરધામ પર આતંકવાદી હુમલા બાદ અમારી પડતી શરૂ થઈ. ટુરિસ્ટો આવતા બંધ થઈ ગયા. ખર્ચો વધતો ગયો. અને મારો પરિવાર દેવાના ડુંગરમાં ડૂબી ગયો. બાલારામને વેચી દીધું છતાં પૂરતું દેવું ભરાયું નહીં. વ્યાજના ચક્રમાં એવા તો ફસાઈ ગયા કે ચેક પણ રિટર્ન થવા લાગ્યા. આથી મેં આપઘાત કરવાનો વિચાર કર્યો પણ પરિવાર નોંધારો બની જશે એમ માની આપઘાતનો વિચાર પડતો મુક્યો. મારે મહેનત મજૂરી કરીને લેણદારોની પાઈ પાઈ ચૂકવી દેવી હતી. હું જેલની યાત્રાએ પણ જઈ આવ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ હિંમતથી સંઘર્ષનો પુનઃ પ્રારંભ કર્યો. અને ગોપીનું નામ જીવંત રાખ્યું. સંઘર્ષથી ફરીવાર સફળતા મળી છે. મારી સંઘર્ષ ગાથામાં એક વાત શીખવા મળી કે ક્યારેય લાગણીના સંબંધથી બિઝનેસ ન કરી શકાય. બિઝનેસમાં સફળતા માટે પ્રોફેશનલી બનવું જ પડે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!