• સલાહ-સુચન : હિંદુ બિનવસિયત ગુજરી જાય ત્યારે મિલકત અંગે કાયદાકીય જોગવાઈઓ
    જીતેન્દ્રકુમાર શાહ (એડવોકેટ)

     અમદાવાદ શીલજથી હિતેષભાઈ અજમેરા પ્રશ્ન કરે છે કે કોઈ હિંદુ પુરુષ કે સ્ત્રી તેની મિલકતોની કોઈપણ જાતની વ્યવસ્થા કે વીલ યાને વસિયતનામું કર્યા સિવાય મૃત્યુ પામે તો તેમની મિલકતના ખરા વારસદારો કોણ ગણાય ? હિતેષભાઈ તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછેલ છે આ પ્રશ્ન દરેક આમજનતાને લગતો કોમન અને અગત્યનો પ્રશ્ન છે તે અંગે માહિતી આપતા જણાવવાનું કે, હિંદુ પુરુષ કે સ્ત્રી પોતાની મિલકતોનું વીલ કર્યા સિવાય બીનવસિયતી અવસાન પામે ત્યારે તેવી અવસાન પામનાર વ્યક્તિની સ્થાવર અને જંગમ મિલકતોના વારસદારોમાં કોણ ગણાય ? તે મિલકતોમાં કયા વારસદારોનો કેટલો હક લાગે ? અને કોનો હક ના ગણાય તેમજ તેવા હિન્દુ પુરૂષ કે સ્ત્રી ગુજરવાથી તેના સીધી લીટીના વારસદારોમાં કોણ ગણાય ? વિગેરે બાબતો અગાઉ સામાજીક પરંપરા તથા રીતરિવાજો મુજબ અમલ કરવામાં આવતો હતો. પરંતુ આ અંગે સ્પષ્ટ અને ચોકકસ સ્થિતિ નકકી કરવા માટે હિન્દુ સકસેશન એકટ ૧૯૫૬ના કાયદામાં જોગવાઈઓ કરવામાં આવેલ છે. જયારે કોઈ હિન્દુ પુરૂષ કે સ્ત્રી પોતાની મીલકતોની કોઈપણ જાતની વ્યવસ્થા કે વીલ યાને વસીયતનામું કર્યા સિવાય અવસાન પામેલ હોય તો તે સંજોગોમાં તેવી મીલકતો અંગે અવસાન પામનાર પુરૂષ યા સ્ત્રી બીનવસીયતી મરણ પામેલ છે તેમ ગણાય અને તેવી મરનારની મીલકતો તેના વારસદારોને કેવી રીતે પ્રાપ્ત થાય છે અને કેવી રીતે વહેંચણી થાય છે તે અંગે હિન્દુ સકસેશન એકટ ૧૯૫૬ના કાયદામાં કલમ ૮થી ૧૩માં દર્શાવવામાં આવેલા છે. આમ હિન્દુ પુરૂષ કે સ્ત્રીની હયાતીમાં તેમની સ્વપાર્જીત મીલકતોમાં તેમના વારસદારોને કોઈપણ જાતનો હકક પ્રાપ્ત થતો નથી એટલે કે હિન્દુ સ્ત્રીના લગ્નબાદ હિન્દુ સકસેશન એકટ મુજબ તેના પતિના અવસાન બાદ જ તેવી હિન્દુ સ્ત્રીને પોતાના પતિની મીલકતોમાં વારસા હકક મળે છે અને પતિની હયાતીમાં પતિની મીલકતમાંથી ખોરાકી કે ભરણપોષણ મેળવવા હકકદાર રહે છે. પરંતુ હિન્દુ સ્ત્રી પોતાના હિન્દુ પતિની હયાતીમાં મીલકતમાં માલીકી હકો મેળવવા અધિકાર ધરાવતી નથી.

    હિન્દુ વારસાધારા પ્રમાણે હિન્દુ પુરૂષ બિનવસિયત ગુજરી જાય ત્યારે તેના વારસદારોનું વર્ગીકરણઃ-
    પરિશિષ્ટ-૧

    પહેલો વર્ગ (૧). પુત્ર; (૨) પુત્રી; (૩) વિધવા; (૪), માતા; (૫). પૌત્ર; (૬). પૌત્રી; (૭). પૂર્વમૂત પુત્રીનો પુત્ર; (૮), પૂર્વમૃત પુત્રીની પુત્રી; (૯). પૂર્વમૃત પુત્રની વિધવા; (૧૦) પૂર્વમૃત પુત્રના પુર્વમૃત પુત્રનો પુત્ર (૧૧). પુર્વમૃત પુત્રના પુર્વમૃત પુત્રની પુત્રી; (૧૨). પુર્વમૃત પુત્રના પુર્વમૃત પુત્રની વિધવા. બીજો વર્ગ: પહેલો સમૂહઃ પિતા, બીજો વર્ગ: બીજો સમૂહ : (1) પુત્રની પુત્રીનો પુત્ર. (2). પુત્રની પુત્રીની પુત્રી. (3). ભાઈ (4). બહેન.

    બીજો વર્ગ : ત્રીજો સમૂહ : (1) પુત્રીના પુત્રનો પુત્ર. (2). પુત્રીના પુત્રની પુત્રી. (3). પુત્રીની પુત્રીનો પુત્ર. (4) પુત્રીની પુત્રીની પુત્રી.

    બીજો વર્ગઃ ચોથો સમૂહ : (1) ભાઈનો પુત્ર. (2) બહેનનો પુત્ર. (3) ભાઈની પુત્રી. (4) બહેનની પુત્રી  બીજો વર્ગઃ પાંચમો સમૂહ : (1). પિતામહ (પિતાના પિતા) (2). પિતામહી

    બીજો વર્ગ : છઠ્ઠો સમૂહ : (1) પિતાની વિધવા-ઓરમાન માતા. (2). ભાઈની વિધવા-ભાભી.

    બીજો વર્ગ : સાતમો સમૂહ : (1) પિતાનો ભાઈ (કાકો) (2). પિતાની બહેન (ફોઈ)

    બીજો વર્ગ : આઠમો સમૂહ : (1). માતાનો પિતા (2). માતાની માતા. બીજો વર્ગ : નવમો સમૂહ: (1). માતાનો ભાઈ (મામો) (2). માતાની બહેન (માસી)

    હિન્દુ પુરુષ બીનવસિયતે અવસાન પામે ત્યારે તેની મિલકતોની વહેંચણી નીચેના ક્રમ મુજબ થાય છે.

    (1). પ્રથમ ક્રમે : પહેલા સમૂહમાં સમાવેશ થતા વારસો બને છે પરંતુ પહેલા સમૂહના વારસદારો ન હોય તેવા સંજોગોમાં બીજા સમૂહના વારસદારો તેવા અવસાન પામનાર વ્યકિતના વારસદારો બને છે.

    (). બીજા ક્રમે:- પ્રથમ સમૂહના કોઈ વારસદારો ન હોય ત્યારે બીજા સમૂહમાં સમાવેશ થતાં વારસદારો. (બીજા સમૂહમાં સમાવેશ થતા વારસદારો ઉપ૨ વર્ગીકરણમાં દર્શાવેલ છે). પરંતુ જ્યાં સુધી પ્રથમ સમૂહના વારસદાર હોય તો બીજા સમૂહના વારસદારોને અવસાન પામનાર હિન્દુ પુરૂષની મીલકતમાં હકક, અધિકાર પ્રાપ્ત થતો નથી.

    (). ત્રીજા ક્રમે : પ્રથમ સમૂહ અને બીજા સમૂહના કોઈપણ વારસો ન હોય તો અવસાન પામનાર વ્યકિતના ગોત્રજ (ગોત્રજ એટલે કોઈ બે વ્યકિતઓ માત્ર પુરૂષો દ્વારા યા દત્તક વિધાનનું સગપણ ધરાવતા હોય તો તેઓ એકબીજાના ગોત્રજ કહેવાય).

    (). છેવટના ક્રમેઃપ્રથમ સમૂહના, બીજા સમૂહના અને ત્રીજા ક્રમ મુજબના કોઈ ગોત્રજ ન હોય તો અવસાન પામનાર વ્યકિતના બંધુને (બંધુ એટલે કોઈ બે વ્યકિતઓ લોહીનું યા દત્તક વિધાનનું સગપણ ધરાવતા હોય, પરંતુ તે માત્ર પુરૂષો દ્વારા ન હોય તો તેઓ એકબીજાના બંધુ કહેવાય)

    હિન્દુ પુરૂષ બિનવસિયત ગુજરતા તેની મીલકતોમાં વારસદારોના મળવાપાત્ર હિસ્સા :


    પ્રથમ સમૂહના વારસદારોમાં અવસીયતી ગુજરનાર હિન્દુ પુરૂષની મીલકતોની વહેંચણી નીચે જણાવેલા નિયમો મુજબ થાય છે.


    બિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષની વિધવાને એક ભાગ મળશે, પરંતુ તેવા પુરૂષની એકથી વધુ વિધવાઓ હોય તો તમામ વિધવાઓને એક સાથે મળીને એક ભાગ મળશેબિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષના તેના દરેક પુત્રો અથવા પુત્રીઓની શાખાના વારસદારોને તેઓ દરેકનો એક ભાગ મળશે.


    ગુજરનાર હિન્દુ પુરુષની પત્ની યાને વિધવાને વારસાઈથી મળવાપાત્ર હિસ્સો:—


    જ્યારે કોઈ હિન્દુ પુરૂષ બિન વસીયતે અવસાન પામે ત્યારે તેની પત્ની યાને વિધવાને તે સંજોગોમાં ગુજરનાર પતિની મીલકતમાંથી પ્રથમ સમૂહના વારસદાર તરીકે તેના સાસુ અને તેના સંતાનો સાથે સરખા ભાગે મીલકતની વહેંચણી થાય છે. બિનવસીયતે અવસાન પામનાર હિન્દુ પુરૂષની પત્ની ધાને વિધવાને પ્રથમ સમૂહના અન્ય વારસદારો સહિત સરખો હિસ્સો પ્રાપ્ત થાય છે.


    ગુજરનારના દરેક પૂર્વમૃત પુત્ર અથવા દરેક પૂર્વમૃત પુત્રીના વારસદારોને તમામને તેઓના ગુજરનાર પિતા અથવા ગુજરનાર માતાને જે હક્ક મળવાપાત્ર હોય તે તમામ વારસદારોને સંયુક્ત રીતે મળે.


    જ્યાં સુધી કલાસ૧ના વારસદારો હયાત હોય ત્યાં સુધી કલાસ-૨ના વારસદારોને મીલકત મળવાપાત્ર થતી નથી અને તેજ રીતે કલાસ-૧ના વારસદારો હયાત નહોય તો કલાસ-૨ના વારસદારોને મીલકત મળવાપાત્ર થાય અને તે રીતે જ્યાં સુધી આંગળના કલાસના વારસદારો હયાત હોય ત્યાં સુધી પછીના કલાસના વારસદારોને મીલકત મળવાપાત્ર થતી નથી.


    કોઈપણ હિન્દુ સ્ત્રી બિનવસિયત ગુજરી જાય તો તેની મીલત હિન્દુ સકસેશન એકટની કલમ-૧૫ મુજબ () પ્રથમ વર્ગમાં દીકરાઓ, દીકરીઓ (ગુજરનાર દીકરા અને દીકરીઓના બાળકોનો સમાવેશ થાય છે.) તથા ગુજરનાર હિન્દુ સ્ત્રીના પતિ. (બી) બીજા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના પતિના વારસો (સી). ત્રીજા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના માતા અને પિતા (ડી). ચોથા ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના પિતાના વારસો અને () છેલ્લે ક્રમે ગુજરનાર હિન્દુ સ્ત્રીના માતાના વારસોને પ્રાપ્ત થાય છે.


    ઉપર જણાવ્યું હોવા છતાં, જો ગુજરનાર હિન્દુ સ્ત્રીને મીલકત તેના પિતા અથવા માતા તરફથી વારસામાં પ્રાપ્ત થયેલ હોય તો જો ગુજ૨ના૨ હિન્દુ સ્ત્રીને કોઈ પુત્ર અથવા પુત્રી (ગુજરનાર પુત્ર અથવા પુત્રના બાળકો સહિતનો સમાવેશ થાય છે) તે ન હોય તો તેવા સંજોગોમાં ગુજરનાર હિન્દુ સ્ત્રીની મીલકત ઉપર જણાવ્યા મુજબના ક્રમે વારસદારોને પ્રાપ્ત થતી નથી પરંતુ ગુજરનાર હિન્દુ સ્ત્રીના પિતાના વારસદારોને પ્રાપ્ત થાય છે.


    ગુજરનાર હિન્દુ સ્ત્રીના બાળકો પૈકી કોઈ ગુજરી ગયેલ હોય અને તેઓના બાળક હયાત હોય તો તેવા સંજોગોમાં તેવા ગુજરનાર દીકરા અથવા દીકરીના બાળકોને ગુજરનાર હિન્દુ સ્ત્રીના દીકરા કે દીકરી હયાત હોય અને તેઓને મળવાપાત્ર હિસ્સો હોય તે પ્રાપ્ત થાય.


    નિયમ-3 : ગુજરનાર હિન્દુ સ્ત્રીની મિલકત ઉપર જણાવ્યા મુજબ બી, ડી અને ઈના વારસોને તથા ઉપર જણાવ્યા મુજબ ગુજરનાર હિન્દુ સ્ત્રીને પિતા તરફથી, માતા તરફથી કે પતિ તરફથી વારસામાં મિલકત પ્રાપ્ત થયેલ હોય તો તેની વહેંચણી વારસોને ગુજરનાર હિન્દુ સ્ત્રીના મૃત્યુ વખતે જે તે વ્યક્તિ ગુજરી જાય અને તેના વારસદાર તરીકે વહેંચણીમાં જે રીતે મિલકત પ્રાપ્ત થતી હોય તે મુજબની વહેંચણી મુજબ પ્રાપ્ત થાય.


    હિતેષભાઈ આપને તથા ગુજરાત મેઈલના વાચકોને ઉપરોક્ત માહિતી ઉપયોગી થશે તેવી આશા સાથે.

     

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!