• બે વર્ષ બાદ અંબાજીમાં 5 થી 10 સપ્ટેમ્બર ભાદરવી પૂનમનો મેળો યોજાશે
    ગુજરાત 1-8-2022 08:20 AM
    • મેળા દરમિયાન દર્શનનો સમય વધારાશે, વ્યવસ્થા માટે 28 સમિતિઓની રચના કરાઇ
    પાલનપુર

    વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આનંદ અને ઉત્સાહથી મેળો યોજવા સજ્જ બન્યું છે તેમ પાલનપુર કલેકટર કચેરી ખાતે રમત- ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામના વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન અંગે યોજાયેલ સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતુ. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી હતી.

    મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ અંબાજી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમ્યાન વહેલી સવારે-૫.૦૦ વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમ્યાન સતત સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા સમિતિ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી કુલ- ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.

    મેળા દરમ્યાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.

    જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકીને આ ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે જુદી જુદી ટીમો દ્વારા સતત સફાઇ થાય તેવું આયોજન કરાયું છે. આરોગ્યની સેવાઓ પુરી પાડવા માટે પણ ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.  

    ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે
    પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના જણાવ્યા મુજબ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!