• રાહુલ ગાંધીને બીજો ઝટકો: 2 વર્ષની સજા થતા સંસદસભ્ય પદ રદ થયું

    રાષ્ટ્રીય 24-3-2023 12:45 PM
    • સુરતની સેશન્સ કોર્ટે મોદી અટક ટિપ્પણી કેસમાં ગુરુવારે રાહુલને સજા કરતા લોકસભા સચિવાલયે લીધું પગલું

    • રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી રાહત નહીં મળે તો 2024ની લોકસભાની ચૂંટણી લડી નહિ શકે
    રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા પછી હવે તેમનું સંસદસભ્ય પદ પણ રદ થઇ ગયું છે. આમ, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે આંચકાજનક ઘટનાઓ બની છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતું નોટિફિકેશન શુક્રવારે જાહેર કર્યું હતું. રાહુલ ગાંધી કેરળમાં વાયનાડથી ચૂંટાઇને લોકસભાના સભ્ય બન્યા હતા. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને 15 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા.

    સુપ્રીમ કોર્ટે 2013માં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ જનપ્રતિનિધિ જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.

    લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e)અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ અનુસાર, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને કોઈપણ કેસમાં બે કે તેથી વધુ વર્ષની સજા થાય છે, તો તેમનું સભ્યપદ રદ થઈ જશે. ઉપરાંત, તે છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધીને ઉપરી અદાલતમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં, જે તેમના માટે મોટો ફટકો હશે.

    હવે શું થઇ શકે?
    - રાહુલ ગાંધી સૂરતની કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં જઇ શકે છે. અપીલ દાખલ કરવા તેમની પાસે 30 દિવસનો સમય છે.
    - જો રાહુલ ગાંધી પરના ચુકાદાને હાઇકોર્ટ યથાવત રાખે તો તે 8 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે. 2 વર્ષની સજા પછી 6 વર્ષ ચૂંટણી માટે ગેરલાયક ગણાશે.
    - લોકસભા સચિવાલયે વાયનાડ સીટને ખાલી જાહેર કરી છે. તેથી ચૂંટણી પંચ આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!