• બકો જમાદાર ઃ 27. દાદાની સમજ 
    સાહિત્ય 15-7-2022 10:17 AM
    જયશ્રી પટેલ

    બરકેશની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. બધા મિત્રો પરીક્ષા આપીને શાળાના મેદાનમાં ભેગા થયા. આવતી કાલે શાળામાં ટ્રિપના પૈસા ભરવાનો છેલ્લો દિવસ હતો. કોણ-કોણે પૈસા ભર્યાં? કોણ ભરવાનું હતું? એ વાતો ચાલતી હતી. ઘણા મિત્રો મોટી મોટી વાતો કરતા હતા. બરફેશના પૈસા બાકી હતા. તેવી રીતે મદનિયાના, પિલ્લાના અને ગલૂડિયાના બાકી હતા. બધાએ નક્કી કર્યું કે કાલે ભરી દેશે. તેથી બરકેશે ઘરે જઈને પૈસાની વાત કરી તો બકા જમાદારે કહ્યું, “કાલની વાત કાલે.” તે આડા પડ્યા એટલે બરકેશ દાદા બકોર પટેલ પાસે ગયો.

    દાદાએ કહ્યું, “ભરી દેજે, પણ એક વાત તો કહે કે પુરુષાર્થ કરતાં પ્રારબ્ધ ચડે? (કે નસીબ – તકદીર) જો તું સાચો જવાબ આપીશ તો હું જ કાલે તને પૈસા આપીશ. તું ભરી દેજે.”

    બરકેશ મૂંઝાયો, પણ જવાબ આપ્યો, “દાદાજી, જે મહેનત કરે તે ખાય.” દાદાજીએ કહ્યું, “જેના નસીબનું હોય તે ખાય. ચાલ, વાંધો નહીં. તું શાંતિથી સૂઈ જા. કાલે જરૂર પૈસા મળશે. તું ભરી આવજે.”

    બીજા દિવસે જલદી ઊઠી પૈસા ભરવાના લઈને તે તો શાળાએ ગયો. ઑફિસમાં ગયો તો જુએ છે કે તેના મિત્ર ભૂંડકાને કારકુનસાહેબ (clerk) ખખડાવી રહ્યા છે. એની બે મહિનાની ફી બાકી નીકળતી હતી. સંજોગોવશાત્ તે ભરી નહોતો શક્યો. તે નીચું મોઢું કરીને સાંભળતો હતો. સાહેબ તેને શાળામાંથી કાઢી નાખવાની વાત કરતા હતા. આટલો હોશિયાર મિત્ર એટલે એને કેમ પરેશાન થવા દેવાય. બરકેશ તો ખળભળી ગયો કે ના−ના, એ હું નહીં થવા દઉં. એ તો શાળાના મેદાનમાં મિત્રોની રાહ જોઈને ઊભો રહ્યો. બધા મિત્રો આવ્યા એટલે એણે બધી વાત કરી.



    અંતે કહ્યું, “મિત્રો, આપણે ટ્રિપમાં જવાને બદલે આ ભૂંડકાના પૈસા ભરી દઈએ. આપણા બધાના પૈસા મળીને એના આખા બીજા સત્રના પૈસા ભરાઈ જશે. બોલો, હું કોઈને આગ્રહ નથી કરતો. એ જગ્યાએ આપણે માતા-પિતા સાથે પણ જઈ શકીશું. વિચારો, આપણે એની જગ્યાએ હોઈએ તો આપણને કેવું લાગે? મિત્રો, જે તમારી મરજી, પણ હું તો નથી આવતો. આ પૈસાથી બે મહિનાની ફી ભરી દઉં છું.” મિત્રો પણ વિચારમાં પડયા. મદનિયાને પણ થયું કે ના, બરકેશ સાચું કહે છે. એટલે એ તૈયાર થયો.
    ધીરે-ધીરે પિલ્લું અને ગલૂડિયું પણ તૈયાર થયાં અને ચારેયના પૈસા મળીને ભૂંડકાની બીજા સત્રની ફી ભરાઈ ગઈ. કોઈના મોઢા પર નામમાત્રનું ટ્રિપ પર ન જવાનું દુઃખ કે વિષાદ નહોતો. એક એવું કાર્ય કર્યાનો સંતોષ હતો કે જાણે પ્રભુના દ્વારે ફૂલો ચડાવ્યાનો સંતોષ. ભૂંડકું તો આભાર બોલતાં-બોલતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. એનું અણમોલ વરસ બચી ગયું. ચારેય પોતપોતાના ઘરે ગયા અને માતા-પિતાને વાત કરી. માતા પિતાએ પોતપોતાના બાળકને ગળે લગાડીને કપાળે એક મીઠું વહાલભર્યું વહાલ કરીને આશીર્વાદ આપ્યા.

    હવે દાદાએ કહ્યું, “બેટા, શું લાગે છે? જેના નસીબનું હોય તે જ ખાય એ સાચી વાતને’’ બરકેશ ખરેખર ખુશ થયો.

    બોલો બાળકો, પરિશ્રમ જરૂર કર્યો બરકેશે પૈસા મેળવવાનો, પણ પૈસા તો ભૂંડકાના નસીબના હતા તે એની ફી ભરવામાં ગયા. ગમે તે હોય, પણ બરકેશ અને એના મિત્રો જેવી હિંમત હોવી જોઈએ. સાચા મિત્ર બનીને ભૂંડકાનું પીઠબળ બની ગયા. તમે હો તો શું કરો? બાળકો, સત્યને માર્ગે ચાલીને જરૂર કોઈને મદદરૂપ થાઓ, પણ હાથ-પગ સલામત હોય અને ભીખ માગે તો ગરીબ સમજીને એક પૈસાની પણ મદદ ન કરશો. બકા જમાદારને તો પોતાના બરકેશ પર ખૂબ જ ગર્વ થયો.

    આવા બનજો બાળકો કોઇના મદદગાર. ભૂંડકાને પણ થયું કે કંઈક તો જરૂર કરીશ કે આવતા વરસે પોતાની ફી જાતે ભરી શકું. આમ દિવાળીનું પર્વ બરકેશ અને તેના મિત્રોએ સંતોષથી ઊજવ્યું. ન ફટાકડા, ન ટ્રિપ પણ દિલનો આનંદ. સદાય પરોપકારી બનો અને મનમાં અભિમાન ન ધરો. પ્રભુ સદા તમને વધુ ખુશી આપશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!