• બકો જમાદાર : 29. દિવાળીની સમજ
    સાહિત્ય 28-7-2022 07:48 AM
    લેખક: જયશ્રી પટેલ
    બકરીબહેન દીકરીને સમજાવી રહ્યાં હતાં કે દિવાળી કેમ ઊજવાય છે. તમે જાણો છો? દિવાળીના પાવન અવસર પર ચારે બાજુ ખુશીઓનું મહેકતું વાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે, કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિના પહેલાંથી આ તહેવારની તૈયારીઓ શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે, દરરોજનું વિશેષ મહત્ત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય ઝગમગાતા તહેવારની વિશેષતાઓ.

    ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્ત્વ છે. પ્રભુ રામ રાવણનો વધ કરીને આ દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશ માટે અયોધ્યાવાસીઓએ તેમના માનમાં ઘી-તેલના દીવડાઓથી શણગારી અને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે. વાઘબારસ એટલે વાકબારસ અને આ દિવસે વાણીની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે.

    ત્યાર બાદ ધનતેરસ એ દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે. પ્રથમ વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન કરીને બીજા દિવસે લક્ષ્મીપૂજનનો અર્થ એ છે કે જ્ઞાનનું મહત્ત્વ ધનદોલતથી વધારે છે. લક્ષ્મીપૂજનના દિવસે દેવી લક્ષ્મીજી પાસે માત્ર ધન નહીં, સંતાન અને ધન બંનેની માગણી કરવાની પૂજા થાય છે.

    કાળીચૌદસના દિવસે અશુભ તત્ત્વો કે આસુરી શક્તિઓ આપણા જીવનથી દૂર રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે તો વળી કેટલાક લોકો માને છે એટલે ઘરમાંથી ખાવાનું અને ઢેબરાં લઈ ચાર રસ્તે જઈ મૂકી આવે. રાત્રે પોતાનાં બાળકોને મેશ આંજીને લોકોની બૂરી નજરથી દૂર રાખે.

    દિવાળીના દિવસે દીપ પ્રગટાવીને આનંદ-ઉત્સવ મનાવવામાં આવે છે. નવાં કપડાં પહેરી બાળકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવે છે. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ બનાવવાનો અને ખાવાનો પણ રિવાજ છે. બીજા દિવસે કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ મનાવાય છે. આ દિવસે સવારના સબરસ વેચવા આવે છે જે શુકનરૂપ ગણાય છે. સૌ એકબીજાને મળીને શુભેચ્છાઓ આપે છે. વેપારીઓ ચોપડાપૂજન કરીને નવા વર્ષના કામકાજનો પ્રારંભ કરે છે. બીજા દિવસે ભાઈબીજે ભાઈઓ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈને જમાડીને તેના માટે મંગલ કામનાની પ્રાર્થના કરે છે તો ભાઈ બહેનને ભેટસોગાદ આપે છે.

    હજી તો બકરીબહેન વાત પૂરી કરે ત્યાં તો બરકેશે બકા જમાદારને ફટાકડા માટે જીદ કરી. ત્યારે દાદા બકોર પટેલે એને ફટાકડા માટે એક વાત કહી કે થોડાં વરસ પહેલાં આમ જ બકા જમાદારે એની જેમ જ ફટાકડા માટે જીદ કરી હતી. તેમણે ન અપાવ્યા તો તેણે બાજુના મિત્ર સાથે ફોડ્યા અને મસ્તીમાં રૉકેટ બૉટલમાં મૂકીને ફોડવા ગયા ત્યારે બૉટલ આડી પડી, રૉકેટ આડું ઊઠ્યું અને સામેથી આવતા ઘેટાભાઈ ગડુરજીના ધોતિયામાં પેસી ગયું. તે બિચારા છ મહિના સુધી દવાખાનામાં રહ્યા. તું જ કહે કે હવે તું ફોડીશ? પણ બરકરા જેનું નામ. એ તો એકનો બે ન થયો. સાંજે જમ્યો પણ નહીં. તેથી બકા જમાદાર એને ફટાકડા અપાવા નીકળ્યા. ત્યાં જ તેનો મિત્ર મળ્યો. તેને ખૂબ જ ઉધરસ અને શ્વાસની તકલીફ થતી હતી. બરકેશે એને પૂછ્યું, “તું કાલ સુધી તો સાજો હતો. શું થયું તને?”

    જુઓ બાળકો, તેને ડૉક્ટરે કહ્યું હતું કે આ ચાઇનાના ફટાકડા ન ફોડો. એમાં વપરાતાં ખરાબ કેમિકલ્સથી બાળકો, મોટેરાંઓ બધાંને જ ખાંસી અને આંખની તકલીફ, બળતરા, શ્વાસની તકલીફ થાય છે.
    બોલો બાળકો, તમે ફોડશો ફટાકડા કે પછી છોડશો? 

    અચાનક આજી ગૌરી આવી. તે ખૂબ રડતાં-રડતાં રસ્તો પસાર કરી રહી હતી. સાથે તેમના દીકરાનો દીકરો પુરણ હતો. બકા જમાદારે તેમને રડવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે નાનો પૌત્ર ફટાકડાથી દાઝી ગયો છે તેથી તે તેમના શેઠ પાસે પૈસા લેવા ગઈ, પણ તેમણે જોઈએ એટલી મદદ ન કરી. બરકેશ તો આમેય વિચારે ચડેલો. એણે મક્કમ મને ફટાકડાનો બહિષ્કાર કર્યો અને ઘરે આવીને બહાર નીકળી પડ્યો. બધા મિત્રો મેદાનમાં હતા તેમને ભેગા કર્યા અને આજીની વાત કરીને કહ્યું, “આ વરસની આપણી દિવાળી શું આપણે ફટાકડા વગર કાઢી શકીએ? આપણા ફટાકડાના પૈસા શું આજીના પૌત્ર માટે આપી શકીએ?”

    બધા મિત્રો તૈયાર થયા. એક જ મિત્ર સકરિયો તૈયાર ન થયો તો એને પડતો મૂકીને બધા મિત્રોએ ઘરે જઈને આ વાત કરી. બધાં માબાપ ખુશ થયાં. તેમણે મંજૂરી આપી. બરકેશ બધા પૈસા લઈને દવાખાને ગયો અને આજીને મદદ કરી. ડૉક્ટર અને આખા દવાખાનાના સ્ટાફમાં ખુશી છવાઈ ગઈ. ડૉક્ટરે પણ તેમના તરફથી આજીને મદદ કરી. બરકેશ અને તેના મિત્રોને કંઈક અનેરો જ આનંદ મળ્યો.

    અહીં બાળકો ખરેખર દરેકના મનમાં દિવાળીના દીપની સાથે અંતરમનના પણ દીપ પ્રકટ્યા. સાચે જ આ જાણીને બકોર પટેલની પણ છાતી ગજગજ ફૂલી ગઈ. પોતાના પૌત્રના આ કામ માટે તેમણે બરકેશની ઘણા વખતની ઇચ્છા હતી બૅડ્મિન્ટનનું સરસ બૅટ ખરીદવાની તે ભેટ આપ્યું. જુઓ બાળકો, ફટાકડા ફોડીને પૈસાનો ધુમાડો ને ઉપરથી પાછી માંદગીની ભેટ! એના કરતાં એ જ પૈસાથી કોઈને મદદ અને ઉપરથી નવી-નવી ચીજો અને આપણી જરૂરિયાતની વસ્તુ મળે તો કેવો આનંદ મળે! માટે આ વરસે તમે પણ નક્કી કરો કે ફટાકડાનો ધુમાડો નહીં, પણ મજાની સુંદર ભેટ અને જરૂરિયાતમંદને મદદ ને પછી હૃદયમાં ખુશીના દીવા પ્રગટશે તે જુદા.

    ધ્વનિપ્રદૂષણ અને વાયુપ્રદૂષણથી તમારા પરિસરમાં મુક્તિ પણ મળશે. ચાલો, તો જરૂર બરકેશની જેમ તમે પણ અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકારા ફેલાવી.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!