• બકો જમાદાર : 32. બરકેશનાં દસ વર્ષ
    સાહિત્ય 25-8-2022 10:59 AM
    લેખક: જયશ્રીબહેન પટેલ
    બરકેશ હવે દસ વરસ પૂરાં કરવાનો છે એ જાણો છો? તેથી તેના મિત્રો વરસગાંઠમાં પાર્ટી માગી રહ્યા છે. બાળકો, તમે શું ધારો છો? માતા-પિતા તમારા માટે પાર્ટી કરે તો શું–શું યોજના બનાવવી પડે? કદાચ હેસિયત હોય કે ન હોય પણ તેઓ તમને જરૂર સંતોષે. એ ખર્ચના રૂપિયાની ગણતરી કરીએ તો ઘણી વાર એક બાળકનો વરસનો ભણતરનો ખર્ચો નીકળી જાય. બરકેશ પણ ખુશ હતો, પણ ઘરની પરિસ્થિતિથી પણ વાકેફ હતો. એવું પણ નહોતું કે બકા જમાદાર ખર્ચ ન કરી શકે, પણ તે બહુ જ સમજુ હતો. એણે પોતાની વરસગાંઠ અનોખી રીતે ઊજવવાનું નક્કી કર્યું.

    તે બકા જમાદાર જોડે ગયો એક હૉલ જોવા. ત્યાં એ હૉલનું ભાડું વીસ હજાર રૂપિયા હતું. ત્યાંથી કેટરર્સ (રસોઇયો) પાસે ગયો. તેણે ડિશદીઠ ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા અને તે પણ લિમિટેડ (મર્યાદિત)ના કહ્યા તો અનલિમિટેડના ૧૫૦ રૂપિયા કહ્યા. બધું મળીને ૭૫૦૦ રૂપિયા ૫૦ જણના થયા. ઉપરાંત રિટર્ન ગિફ્ટના ૭૫થી ૧૦૦ રૂપિયા એટલે બીજા ૭પ૦ રૂપિયા એ.

    બરકેશ કહે, “હજી તો ડી.જે. ચારથી પાંચ હજાર લેશે.” 

    મનમાં ને મનમાં તે મૂંઝાયો. ત્રીસ હજાર રૂપિયા આ અને નવાં કપડાં લઈએ તો બીજા પાંચથી છ હજાર રૂપિયા થાય. બકા જમાદારે તો હૉલના ઍડ્વાન્સ આપવા માંડ્યા. તો બરકેશ તેમનો હાથ પકડી કહે, “આપણે કાલે ભરીશું.”
    ઘરે આવીને બરકેશે રાત્રે ખૂબ વિચાર કર્યો અને મિત્રોને મળીને સવારે નક્કી કરીશ એમ વિચારીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે રવિવાર હતો. શાળામાં રજા હતી. તે એના ખાસ મિત્ર ભૂંડકાને અને મદનિયાને મળવા ગયો. તેણે પોતાના મનની વાત કહી તો મિત્રો ખરેખર ખુશ થઈ ગયા. બસ, બરકેશને મિત્રોનો સાથ મળ્યો એટલે તેણે મન મક્કમ કરી લીધું. ઘરે જઈ નક્કી કરીને પિતાને ચિઠ્ઠી લખી. 

    પૂજ્ય પિતાશ્રી,
    પ્રણામ, 

    ઘરમાં ને ઘરમાં ચિઠ્ઠી લખું છું તો ક્ષમા કરશો. કાલે મેં જોયું કે મારા દસ વરસની ઉજવણીમાં તમને ખૂબ ઉત્સાહ છે. મારી વિનંતી છે કે આપણે મારી વરસગાંઠ આપણા વાડામાં ઊજવીએ એટલે વીસ હજાર બચી જાય. જમવાનું મા બનાવશે. સરસ મજાની પાંઉભાજી કે રગડા-પેટીસ અને કેક બનાવો હાથણકાકી. સરસ મજાની ગિફ્ટ આપવા હું ઘરે બનાવીશ પેપરમાંથી નાની થેલીઓ અને આપણે નોટ, પેન્સિલ, રંગની પેન્સિલ અને સંચો (શાર્પનર) લાવીને એમાં આપીશું. મારા શેરીના પાંચ-છ મિત્રો અને સુરધ્વનિ અનાથાશ્રમનાં પચ્ચીસ બાળકોને બોલાવીશું. હું એમને આમંત્રિત કરવા માગું છું જો તમને ખરાબ ન લાગે તો, કારણ કે આપણાં સગાંવહાલાં બધાંને તો કંઈક ને કંઈક આનંદ મળી રહે છે. બીજું, જો હૉસ્પિટલવાળા માને તો કેક મારે કેન્સરથી પીડાતાં જે બાળકો છે એમને ખવડાવવી છે. બધું વિચારતાં ખર્ચો પણ ઓછો થશે અને મારી ઇચ્છા પણ પૂરી થશે. પછી તમારી મરજી. પણ મારે તો આનંદની ઉજવણી કરવી છે. નાના મોઢે ભૂલ થઇ હોય તો ક્ષમા.

    આપનો આજ્ઞાકારી
    પુત્ર

    બરકેશે ચિઠ્ઠી પિતાના હાથમાં મૂકી અને તે અંદર જતો રહ્યો. બકા જમાદારને થયું કે દીકરાએ નવું લિસ્ટ આપ્યું હશે. એમણે તો બાજુ પર મૂકીને નક્કી કર્યું કે પહેલાં હૉલના પૈસા ભરી દઈએ. દાદાથી ન રહેવાયું તેથી તેમણે ચિઠ્ઠી વાંચવા ખોલી. બરકેશ તો ડરી ગયો. એને થયું કે દાદાને, પિતાજીને આ નહીં જ પસંદ આવે. તેથી તે આંખો બંધ કરીને ઊભો રહી ગયો અને પોતાને કોસવા લાગ્યો. તે દાદાની પિતા સાથેની વાત ન સાંભળી શક્યો. પિતા શું કહે છે તે સાંભળવા કરતાં ત્યાંથી પાછલા રસ્તે ભાગી ગયો. ચૂપચાપ નદીકિનારે બેસીને નદીમાં નાના-નાના કાંકરા નાખવા લાગ્યો. વિચારવા લાગ્યો કે બન્ને જણ નહીં માને તો પોતે ના પાડી દેશે. તે મક્કમ થઈ ગયો. બકા જમાદાર જાણતા હતા કે જ્યારે એ દ્વિધામાં હોય ત્યારે જરૂર નદીએ જઇ બેસતો. તે ત્યાં આવ્યા. દસ વરસનો આ બટુક કેવો સમજદાર છે! આશ્ચર્ય તો બકોર પટેલને થયું કે પોતે નાના હતા ત્યારે જે વિચારતા એવી વિચારસરણી આ નાના બચ્ચામાં કેવી રીતે?

    દાદા અને પિતા શું કહેશે? પણ અહીં તો બન્ને આ બચ્ચા પર વારી ગયા હતા. તેમણે બરકેશને બાથમાં લઈને ખૂબ વહાલ વરસાવ્યું. દાદાએ તો પૌત્રનાં ઓવારણાં લીધાં અને એને વચન આપ્યું કે એ ઇચ્છે છે એમ જ વરસગાંઠ ઊજવાશે. બરકેશનો તો હરખ ન સમાયો. એણે તો ધૂમધામથી તૈયારી કરી ને સરસ રીતે સુરધ્વનિ અનાથાશ્રમનાં બાળકો અને કૅન્સરગ્રસ્ત બાળકોને બોલાવીને ભેટ આપી અને માના હાથની રગડા-પેટીસ, પાંઉભાજી ને કાકીના હાથની કેક ખવડાવી. બસ, જોઈએ શું! સરસ સાદગીભરી સજાવટ અને સુંદર ભેટની રંગબેરંગી થેલીઓ કાગળની અને પેન્સિલો અને નોટ વગેરે જોઈને બાળકો તો ખુશ ને બકા જમાદાર તો એનાથી વધુ ખુશ. બરકેશને પણ ખૂબ સંતોષ થયો. આમ નાના બટુકે તો મોટાને શરમાવે એવું કાર્ય કર્યું. બાળકો, તો બોલો આત્મસંતોષ વધુ કે દુનિયાને દેખાડો કરવો એ વધુ. મનનો આત્મસંતોષ વધુ પ્રસન્ન કરે છે. બોલો બાળકો, હવે તમારી વરસગાંઠમાં ખોટો ખર્ચો કરશો કે બરકેશની જેમ બીજાને મદદ કરશો અને સંતોષ આપશો? મને જણાવશો? તમારી મિત્રને તમારા નાના સુંદર હાથે ચિઠ્ઠી લખીને જરૂર વૉટ્સઍપ કરશો? રાહ જોઈશ!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!