• મક્કમ  મનોબળથી  21 વર્ષમાં  અલ્પશિક્ષિત વ્યક્તિ  બની  સફળ બિઝનેસમેન : અભિષેક જાની
    સક્સેસ સ્ટોરી 23-2-2022 11:10 AM
    • Patience is key to success
    • સંઘર્ષકાળમાં પત્ની સહિત મારા પરિવારે હંમેશાં મને સાથ આપ્યો છે
    અમદાવાદ

    ધો.10માં ચાર વાર નપાસ થવું અને પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે નાનપણમાં જ નોકરી કરનાર અભિષેક જાનીના બિઝનેસનું આજે વાર્ષિક ટર્નઓવર રૂપિયા નવથી દસ કરોડે પહોંચી ગયું છે. 

    યાન્કિ સિઝલર્સના ઓનર અભિષેક જાનીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ધો.10માં ફેલ થયા પછી વર્ષ 1997-98માં મેં પ્રથમ નોકરી માત્ર રૂ.450ના પગારવાળી કરી હતી. ત્યારબાદ મેં અનેક નોકરીઓ બદલી હતી અને છેલ્લી નોકરી અવિવા લાઇફ ઇન્સ્યોરન્સમાં કરી હતી. એ વખતે એક મિત્રએ મને તેની સાથે બિઝનેસ કરવાની સલાહ આપી હતી. એનઆઇડી પાસે આર.કે. એગ ઇટરીની ફ્રેન્ચાઇઝી લઇને અમે એચ.એલ. કોમર્સ કોલેજ પાસે જગ્યા ભાડે લઇને બિઝનેસ શરૂ કર્યો હતો. જોકે, માત્ર 10 દિવસ પછી એ મિત્ર બિઝનેસમાંથી છુટો થતા એ આઉટલેટ બંધ કરવું પડ્યું હતું. પછી મણીનગરમાં મેં જગ્યા ભાડે લઇ આર.કે. એગ ઇટરીની ફ્રેન્ચાઇઝી લઇને બિઝનેસ શરૂ કર્યો હતો. મેં વર્ષ 2009થી 2014 સુધી બિઝનેસ કર્યો પરંતુ મારા મનમાં હમેંશા મોટા સ્કેલ પર મારી પોતાની બ્રાન્ડ સાથે બિઝનેસ કરવાની ઇચ્છા હતી. હું હમેંશા એવું માનું છું કે જીવનમાં કશું જ અશક્ય નથી. 

    અભિષેક જાનીએ વધુમાં જણાવ્યું કે શહેરમાં યાન્કિ સિઝલર્સ નામે હું મારી બ્રાન્ડ હેઠળ રેસ્ટોરન્ટ શરૂ કરવા માંગતો હતો. એ માટે થલતેજમાં મેં એક જગ્યા પસંદ કરી જેનું ભાડુ મહિને રૂ. 1.95 લાખ નક્કી થયું હતું અને ડિપોઝીટ પેટે રૂ.10 લાખ આપવાના હતા. જોકે મારી પાસે ડિપોઝીટના નાણાંની કોઇ વ્યવસ્થા થઇ નહોતી. હું માનું છું કે જીવનમાં ચમત્કાર થાય છે. પેમેન્ટ કરવાના છેલ્લા દિવસે સવારે 8.30 વાગ્યે મારા પર ફોન આવ્યો કે જો તમે સ્વતંત્ર બિઝનેસ કરો તો હું ઇન્વેસ્ટ કરવા તૈયાર છું. ફોન કરનાર ભાઇ મારા જુના ગ્રાહક હતા. એટલે મેં તેમની પાસે રૂ.10 લાખ માંગ્યા. જોકે, નવી રેસ્ટોરન્ટ શરૂ કરવા મારે વધારે નાણાની જરૂર પડતા તેમણે મને વધુ નાણા આપ્યા હતા. આમ વર્ષ 2012માં મેં થલતેજમાં યાન્કી સિઝલર્સની શરૂઆત કરી. પ્રથમ મહિને વકરો માત્ર રૂ.1.35 લાખ થયો હતો એટલે રૂ.8.50 લાખની ખોટ ગઇ. બ્રેકઇવન આવતા 13 મહિના લાગ્યા અને ત્યાં સુધીમાં મને કુલ રૂ.95 લાખનું નુકસાન થયું હતું. જોકે 14મા મહિનાથી સારો નફો થવા લાગ્યો હતો. 

    તેમણે વધુમાં જણાવ્યું કે થલતેજમાં રેસ્ટોરન્ટ જામી ગયા બાદ મુંબઇમાં અંધેરીમાં લોખંડવાલામાં મેં રેસ્ટોરન્ટ શરૂ કરી અને એક વર્ષ ચલાવી હતી જોકે તેમાં મને રૂ.3 કરોડનું ભારે નુકસાન થયું હતું. રેસ્ટોરન્ટમાં હું ફાઇનાન્સ અને મેનેજમેન્ટ બન્ને નહોતો સંભાળી શકતો હતો માટે મને કોઇ સાથીદારની જરૂર લાગી હતી. વર્ષ 2015-16માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલેશ ગુપ્તા રેસ્ટોરન્ટમાં ડિરેકટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં અમે એચ.એલ. કોમર્સ કોલેજ પાસે એક જગ્યા ખરીદીને યાન્કિની બીજી શાખા શરૂ કરી જેમાં રૂ.14 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. હાલમાં અમારી બ્રાન્ડ જામી ગઇ હોવાથી અમેરીકા, દુબઇ, ઓસ્ટ્રેલિયા સહીત વિદેશમાંથી ફ્રેન્ચાઇઝી માટે અમને સંખ્યાબંધ ઓફર્સ મળી રહી છે. મારા સંઘર્ષકાળમાં પત્ની સહીત મારા પરીવારે હમેંશા મને સાથ આપ્યો છે. 

    ભવિષ્યમાં અમે અમદાવાદમાં જ યાન્કિની ત્રીજી બ્રાન્ચ શરૂ કરવા માંગીએ છીએ અને ફ્રેન્ચાઇઝી સાથે 25થી વધુ આઉટલેટ કરવા ઇચ્છીએ છીએ. આગામી વર્ષ 2023 સુધીમાં આઇપીઓ લાવવાનું મારૂં સપનુ છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!