• ડિગ્રીઓ કાગળિયાં બને તે પહેલાં, હાથ બગાડતા કે દિમાગ જલાવતા શીખીએ
    રિલાયન્સ સફળ ઉદ્યોગ એકમ છે? શા માટે? તેના સ્કીલ્ડ કર્મચારીઓને કારણે.
  અદાણી, ઈન્ફોસિસ, વેદાંતા, સન ફાર્મા, કેડીલા, વાડીલાલ, અમુલ જેવા અનેક ઉદ્યોગો સફળતાના નિશ્ચિત પાયદાન પર છે, તેમ તમે માનો છો? જો તેનો જવાબ “હા” હોય, તો તેનો અર્થ છે કે તેમની પાસે ઉત્તમ કૌશલ્ય ધરાવતો સ્ટાફ મોટા પ્રમાણમાં છે.  પણ છતાં એવા મોટા ઉદ્યોગપતિઓની બોર્ડ મિટિંગમાં હાજરી આપજો. તેમના મેનેજરો હંમેશાં એ હૈયું ફોડતા હશે, કે જોઈએ તેવો સ્કીલ્ડ એન્જિનિયર્સ, સ્કિલ્ડ વર્કર્સ, સ્કિલ્ડ પ્રોફેશનલ સ્ટાફ મળતો નથી. 
   અને જો તેમની વાત પણ સાચી હોય, તો તમને એ વિચાર આવ્યો? કે શા માટે આવી વિરાટ કંપનીઓ 200-400 કરોડ ખર્ચીને પોતાના જ ઉદ્યોગોને નભાવવા અને વિકસાવવા, સ્કીલ્ડ સ્ફાફને તૈયાર કરવા, યુનિવર્સિટી કે કૉલેજો સ્થાપીને હ્યુમન રિસોર્સિસ ઊભો કરતા નથી? કદાચ તમને ખ્યાલ હશે જ કે આ માટેનું સૌથી મોટું કારણ છે, શિક્ષણના ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર. “ખાનગી ક્ષેત્રએ કોઈપણ જાતનો નફો લેવો નહીં” સરકારના આવા નિયમોથી ટ્રસ્ટ ફરજિયાત બન્યા. પણ પ્રશ્ન એ છે કે શું કોઈપણ ખાનગી શૈક્ષણિક સંસ્થાન આ ફંડાથી ચાલી શકે ખરું? 
  જરા ખાનગી  કૉલેજ કે ખાનગી યુનિવર્સિટીના સંચાલકોને પૂછજો, તેઓ તમને સમજાવશે કે એક કૉલેજની માન્યતા લેવા માટેની લાંબી વિધિઓ, પછી જમીન, મકાનોના નકશા, અભ્યાસક્રમ, કે તેના માળખા અંગેની તમામ મંજૂરી કે સંમતિ માટે દરેક તબક્કે કેટલી લાંચ  આપવાની થાય છે?! 
  વળી “સારી કૉલેજની સ્થાપના માટે હજારો કરોડ રૂપિયા ખર્ચનાર લોકો કે દાતાઓ હોય જ છે.” એમ માનીને સરકાર કે શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ એવી રીતે ભ્રષ્ટાચાર કરે છે, કે જે પેઢી આપણને વિશ્વકક્ષાના પ્રોફેશનલ્સ આપી શકે તેમ છે, તેવા યુવાનો-યુવતીઓને આપણે ઉચ્ચકક્ષાના શિક્ષણથી વંચિત રાખવાનું પાપ જાણે કે અજાણે થાય જ છે, ત્યારે સવાલ એ થાય કે ઉદ્યોગપતિઓ નફો કમાઈ શકે અને શિક્ષણ આપનાર સંસ્થાનો મર્યાદિત નફો પણ ન કમાઈ શકે ? આવી બેવડી નીતિઓને કારણે ઉદ્યોગપતિઓ શિક્ષણના મૉડલ અપનાવીને પોતાની જરૂરિયાત મુજબના માનવ સંસાધનો ઊભાં કરતાં નથી.
  અહીં ઉચ્ચ શિક્ષણનો અર્થ સમજાવવાની જરૂર હોય તેમ લાગતું નથી. કારણ કે આજે આખી દુનિયા સ્વીકારી રહી છે, કે પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં વિશ્વાસ રાખવાને બદલે વ્યક્તિની વ્યાવસાયિક લાયકાત વિકસાવવાની જરૂર છે. સર્ટિફિકેટ એક કાગળિયું બની જાય છે, જો તે યુવાન કે યુવતી પાસે ઉદ્યોગોને કામ લાગે તેવી કોઈ સ્કીલ નથી.
  2023ના “ સ્કીલ ઇન્ડિયા” રિપોર્ટમાં તો ચોખ્ખી બાબત જણાવી છે કે  ભારતના 50.3 ટકા ગ્રેજ્યુએટ જ એવા છે,  જે નોકરીને લાયક છે!
  { ભારતની યુવાવર્ગની કાર્યશક્તિના માત્ર 12% લોકો પાસે જ ડિજિટલ સ્કીલ છે!
  { ભારતમાં આજે 67 ટકા રિક્રૂટર્સ-ઉદ્યોગો અને એન્ટરપ્રેન્યોર્સ એવા છે, કે જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને બદલે સ્કીલ અને અનુભવને વધારે મહત્ત્વ આપે છે.
  તમે યુનિવર્સિટી શબ્દ તો સાંભળ્યો હશે, પણ એજ્યુવર્સિટી માટેની જાગૃતિ અર્થ  શું?  તેનો અર્થ એટલો જ કે જ્યાં માત્ર કૌશલ્ય વિકાસ માટે જ વિદ્યાર્થીઓ માટે એક રજીસ્ટર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામ્યું હોય.
  સુરતની એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેનો મારો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચેટ જીપીટીનો ઉપયોગ અથવા તો રોબોટિક ટેકનોલોજી કે  રિમોટ સેન્સિંગ, સોલાર એનર્જી, ઈ.વી. , સેમિ કંડકટરનું ઉત્પાદન  વગેરે અનેક ઉદ્યોગો ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે, ત્યારે કઈ સ્કિલ્સ “ઇન ડિમાન્ડ” છે? કોઈપણ ત્રણ સ્કીલની માહિતી હોય તો જણાવો.
  તે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રના હોવા છતાં બિલકુલ મૌન હતા. તેમને ખબર હતી માત્ર ઉબેર, ઓલા, સ્વિગી, ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સની.
  પરંતુ કોઈ પણ સ્ટાર્ટ અપ પાછળ જે સ્કીલ કામ કરી રહી છે, તે માટે તેઓ બિલકુલ રિક્ત (વેકન્ટ) હતા. ડેવોપ્સ, સાયબર સિક્યુરિટી, ડેટા અનાલીસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બ્લોકચેઈન ટેકનોલોજી, મશીન લર્નિંગ, ઓટોમેશન, વિભિન્ન ક્ષેત્રોના વપરાયેલ ઉત્પાદનોનું રિસાયક્લિંગ, ડિઝાઇન થીંકીંગ, ડિજિટલ માર્કેટિંગ...આ જેવાં અસંખ્ય ક્ષેત્રો છે, જ્યાં 100માંથી 12 યુવાનો પણ સક્ષમ રીતે તૈયાર થયેલા જોવા મળતા નથી...
  આના ઉપાય કયા?
  { એજ્યુટેક ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાઇવેટ સેક્ટર્સના જબરદસ્ત પ્રયાસો.
  { જો એક વિદ્યાર્થી તરીકે તમે માત્ર પુસ્તકને રટો છો, અને આંકડાઓના વર્તુળમાં રહીને ઊંચા ગુણાંક લાવો છો, તો તેમાં માત્ર સ્વ-સંતોષથી વધારે કંઈ જ નહીં હોય.
  { અપગ્રેડ અને બોર્ડ ઇન્ફીનિટી જેવા બુટ કેમ્પસનો ઉપયોગ કરો.
  { સનસ્ટોન એજ્યુવર્સિટી જેવા જે ખેલાડીઓ આ ક્ષેત્રમાં આવ્યા છે, તેમની સાથે એક યા બીજી રીતે જોડાઓ.
  { ઉપર જે સ્કિલ કહી, તે અંગે તમારી રસ-રુચિ ડેવલપ કરીને માર્ગદર્શન પ્રાપ્ત કરો.
  { જાત અનુભવ લેવા માટે કાં તો ખુદને પ્રયોગશાળા બનાવો, કાં તો બીજાની ઇન્ડસ્ટ્રીને તમારા માટે પ્રયોગશાળા બનાવો. -પ્રયોગનો અર્થ છે, રુચિના ક્ષેત્રમાં હાથ બગાડવા! તન-મન બીઝી રાખવું, ઉત્સાહથી લાગેલા રહેવું, અને તે ક્ષેત્રના જ લોકોએ કરેલી ભૂલમાંથી શીખીને નવા લોકોની આંગળી પકડીને દોડતા રહેવું.
  તમને ખબર ન હોય તો એક યુનિવર્સિટી શરૂ થઈ છે “વર્ક યુનિવર્સિટી”. તેના સહસંસ્થાપક છે: પંકજ બન્સલ. જેમણે ડિજિટલ રિક્રુટમેન્ટ પ્લેટફોર્મ માટે ઊંચું યોગદાન આપ્યું છે. તેઓ સમગ્ર ભારતના યુવાનોને મોબાઇલ અને સોશિયલ મીડિયાના ગાંડપણમાંથી માથાં બહાર કાઢવા એક જ વાક્યમાં આહ્વાન કરે છે, કે યુવામિત્રો, ભારતમાં 2025 સુધીમાં ડિજિટલ સ્કિલ ધરાવતા લોકોની જરૂરત આજ કરતાં નવ ગણી વધવાની છે. શું તમે પરિવર્તન સ્વીકારવા અને બદલાતા સમય માટે જરૂરી સ્કિલ શીખવા તૈયાર છો?
  યાદ રાખો, જો તમે એમ નહીં કરો, તો તમે ઊંચા માર્ક્સવાળા તમારા રિઝલ્ટને એક કાગળિયું બનાવી રહ્યા છો. અને તમારી જાતને બિલકુલ અપ્રાસંગિક! જો કોઈ ખરેખર શીખવા માંગતું હોય, તો તેણે ભારત સરકારના “સ્વયં પોર્ટલ” જેવા ડોમેનમાં જઈને નિ:શુલ્ક તાલીમની સુવિધાનો પણ લાભ લેવો જોઈએ...નવું ભારત તમારે જ નિર્માણ કરવાનું છે. કારણ કે એક બિલકુલ નવું  જ ભારત તમારી જ રાહ જુએ છે. વળી તે ભારત પણ હાથ બગાડવા અને દિમાગની બત્તી જલાવવા તૈયાર લોકોનું જ હશે...
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.