• CMએ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લઈ, સ્થિતિની સમીક્ષા કરી
    ગુજરાત 2-8-2022 10:12 AM
    • ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી
    • અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26  આઈસોલેશન સેન્ટર ઊભાં કરાયા
    ભુજ

    રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે મંગળવારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમની સાથે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા હતા. તેમણે કચ્છ જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરની ભૂજ ખાતે મુલાકાત લીધી હતી. સમગ્ર જિલ્લામાં 37840 પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલાં છે.  આવાં અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં  અસરગ્રસ્ત  પશુઓની સારવાર સંભાળ થઈ રહી છે.

    મુખ્યમંત્રીએ ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી સવા બે લાખથી વધુ પશુધનનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.   

    કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ 175 લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેકસીનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેકસીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી.તેમણે ત્યારબાદ જિલ્લા કલેકેટર કચેરીમાં  જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના  પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો  વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું.

    તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુલાકાતમાં કૃષિ કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન વગેરે જોડાયાં હતાં

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડીસીઝ સામે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી  રહેલા સારવાર ઉપાયોની સમીક્ષા જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે ભુજમાં બેઠક યોજીને કરી હતી.

    કચ્છમાં 585 ગામના પશુઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત
    મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું કે જિલ્લામાં 58 જેટલી પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ સેવારત છે. જિલ્લાના 964 ગામોમાંથી 585 ગામોના પશુઓ આ રોગથી અસરગ્રસ્ત છે. 38 હજાર પશુઓ આ રોગનો ભોગ બન્યા છે  આ પૈકી 3467 કેસ જ એક્ટીવ કેસ છે.  50 હજાર પશુઓને સારવાર આપવામાં અવેલી છે એટલું જ નહીં 2.26 લાખ પશુઓનું રસિકરણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં  રોજ 20 હજાર પશુઓનું રસિકરણ કરીને બાકી રહેલા 3.30 લાખ પશુઓનું સઘન રસિકરણ કરવાનો એક્શન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

    રાજ્યભરમાં 10 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
    સમગ્ર રાજ્યમાં જે 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખ 6 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે. જિલ્લા કક્ષાએ આ હેતુસર 6 લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા 222 પશુચિકિત્સા અધિકારીઓ, 713 પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં, રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને 107 સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં કાર્યરત થયા છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!