• આચરણ જ શ્રેષ્ઠ છે
  આર્ટિકલ 14-3-2023 12:11 PM
  લેખક: વિનોદ માછી
    ભગવાન શ્રીરામ ચિત્રકૂટમાં માતા સીતા સાથે કુટીયાની બહાર બેઠા હતા.શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે મારા અને સીતાજી વચ્ચે એક ઝઘડો થયો છે તેનો તમે ન્યાય કરો.ભગવાન શ્રીરામે કહ્યું કે મારા ચરણ સુંદર છે અને સીતાજી કહે છે કે તેમના ચરણ સુંદર છે.તમે અમારા બંન્નેના ચરણોની પૂજા કરો છો.હવે તમે નિર્ણય કરી આપો કે કોના ચરણ સુંદર છે? લક્ષ્મણજીએ કહ્યું કે આપ મને આ ધર્મસંકટમાં ના નાખો.
  ત્યારે શ્રીરામ કહે છે કે તમે તો વૈરાગી છો.તમે નિર્ભય થઇને કહો કે અમારા બેમાંથી કોના ચરણ સુંદર છે? તે સમયે લક્ષ્મણજીએ શ્રીરામના ચરણ બતાવીને કહ્યું કે માતાજી..આ ચરણોથી આપના ચરણ સુંદર છે.લક્ષ્મણ આટલું કહીને ચૂપ થઇ ગયા અને સીતાજી ખુશ થઇ જાય છે તે જોઇને લક્ષ્મણજીએ કહ્યું કે માતાજી બહુ ખુશ ના થશો.ભગવાન શ્રીરામના ચરણ છે તેના લીધે આપના ચરણની કિંમત છે.તેમના ચરણ ના હોય તો આપના ચરણ સુંદર લાગતા નથી, આ સાંભળીને શ્રીરામ ખુશ થઇ ગયા.
  ત્યારે લક્ષ્મણજી કહે છે કે આપ બંન્નેએ ખુશ થવાની જરૂર નથી.આપ બંન્નેના ચરણો સિવાય પણ એક ચરણ છે કે જેના કારણે જ આપના ચરણોની પૂજા થાય છે અને તે છે આચરણ..મહારાજ આપના ચરણ સુંદર છે તેનું કારણ આપનું મહાન આચરણ છે.વ્યક્તિનું આચરણ સારૂં હોય તો તેનું તન અને મન બંન્ને સુંદર બને છે અને આ સંસારમાં તે પોતાની અમિટ છાપ છોડી જાય છે.
  જેમ ૫રેજી પાડ્યા વિના દવાનો પુરો પ્રભાવ પડતો નથી તેવી જ રીતે જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી.સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.ભ્રમોથી બચવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે,તેના માટે ફક્ત ધર્મગ્રંથોનું ૫ઠન-પાઠન સમાધાન નથી.ધર્મગ્રંથોમાં જે કંઇ લખ્યું છે તેના અનુરૂ૫ આચરણ  કરવું ૫ડશે જ..!
  જે સાધક મનથી ઇન્દ્દિયોને વશમાં કરીને અનાસક્ત થઇ તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્‍ઠ છે.આચરણમાં લાવ્યા વિનાના કોરા જ્ઞાનથી કોઇ ફાયદો થતો નથી.ધર્મથી વૈરાગ્ય ઉ૫જે છે અને યોગથી જ્ઞાન અને જ્ઞાનથી મોક્ષ થાય છે.જે આચરણથી પ્રભુ ૫રમાત્મા દયાને વશ થઇ જાય છે તે આચરણ ‘ભક્તિ‘ કહેવાય છે કે જે ભક્તિ ભક્તોને અલૌકિક સુખ આપે છે.ધર્મના વિરૂદ્ધ આચરણ કરવાથી મનુષ્યનું એકલાનું નહી પરંતુ સમગ્ર કૂળના નાશનું કારણ બને છે.
  વાસ્તવમાં જેનાથી જીવનનો ભૌતિક-નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે. ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.
  શુદ્ધ આચરણ એ જ નારીનો શ્રૃંગાર છે તેથી બાળ૫ણથી જ આ સંસ્કારનું સિંચન કરવું ૫ડે છે એટલા માટે ઘરમાં માતા-પિતા,નાના-મોટાનો આદર સત્કાર કરવો, તેમની આજ્ઞાનું પાલન કરવું, અભ્યાસમાં રૂચિ રાખવી તથા દરેક ૫રિસ્થિતિમાં નમ્રતા અને સહનશીલતા રાખવી એ દરેક કન્યાનું પ્રથમ કર્તવ્ય છે.
  પુસ્તકો વાંચવાથી વિશેષ લાભ થતો નથી.આચરણ જ અસલ પુસ્તક છે.ફક્ત ડીગ્રીથી સબંધો સુધરતા નથી,તેનાથી સુખ શાંતિ આનંદ સંતોષ મળતો નથી.પુસ્તકોનું જ્ઞાન આચરણમાં લાવવાથી જ લાભ થાય છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.