• અમારી સફળતાનો શ્રેય ટીમવર્કને જાય છે :વિકાસ પંજાબી 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:35 AM
    • ધ ચોકલેટ રૂમના દેશમાં હૈદરાબાદ, ઉદેપુર, ભોપાલ, ઇન્દોર, સુરત, મુંબઈ અને દિલ્હી સહિત અનેક શહેરોમાં 335 સ્ટોર છે
    • આગામી પાંચ વર્ષમાં કેન્યા, વિયેતનામ, થાઇલૅન્ડ અને સિંગાપોરમાં નવા 400 સ્ટોર સ્ટોર શરૂ કરવાની યોજના છે
    અમદાવાદ

    અમારી સફળતાનો શ્રેય ટીમવર્કને જાય છે અને 90 ટકા સ્ટાફ લાંબા સમયથી અમારી સાથે જોડાયેલો છે. હાલમાં અમારે ત્યાં 350 લોકોનો સ્ટાફ કામ કરી રહ્યો છે એવું વિકાસ પંજાબીએ જણાવ્યું હતું. 

    ધ ચોકલેટ રૂમના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેકટર વિકાસ પંજાબીએ ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે અને મેં જીએલએસમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ અને પીએચડી મેં આૅસ્ટ્રેલિયામાંથી કર્યું છે. માસ્ટર્સ બિઝનેસ ઓપરેશન્સ મૅનેજમેન્ટ અને પીએચડી ઈઆરપીમાં કર્યું છે. હું આૅસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો ત્યારે વર્ષ 1998થી 2003 સુધી પાર્ટટાઇમ જોબ ટેલિકોમ સેકટરમાં માર્કેટિંગમાં કરી હતી. વર્ષ 2003થી 2007 સુધી ઈઆરપી કન્સલ્ટન્ટ તરીકે નોકિયા કંપનીમાં એશિયા પેસિફિક રીજીયનમાં કામ કર્યું હતું અને સાથે પીએચડીનો અભ્યાસ પણ કરતો હતો. વર્ષ 2007માં પીએચડી પૂર્ણ થતાં અને મારા પ્રથમ પુત્રનો જન્મ થતાં હું ભારત પરત આવી ગયો. અમારા પરિવારમાં હું બિઝનેસ કરનાર પ્રથમ વ્યક્તિ છું અને મારે બાળપણથી જ બિઝનેસ કરવો હતો. તે વખતે મારા પિતા સ્ટેટ બૅન્ક આૅફ ઇન્ડિયામાં ચિફ મૅનેજર અને માતા બૅન્ક આૅફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મૅનેજર હતા. હું આૅસ્ટ્રેલિયામાં હતો ત્યારે બીગ ટાઇમ ફૂડી હતો અને ધ ચોકલેટ રૂમનો કાયમી ગ્રાહક હતો એટલે મને આ જ બિઝનેસ કરવાની ઇચ્છા થઈ અને તેથી વર્ષ 2007માં ધ ચોકલેટ રૂમની મેં માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધી. 

    તેમણે જણાવ્યું કે પ્રથમ સ્ટોર અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે શરૂ કર્યો હતો. શરૂઆતના બે વર્ષ હું ઘણું શિખ્યો અને રોજ સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી કામ કરતો હતો. શરૂઆતમાં ઘણી સમસ્યાઓ આવી અને પ્રથમ છ મહિના નુકસાન કર્યું હતું. મેં હોટ ચોકલેટ પાવડર આયાત કર્યો હતો તે કસ્ટમમાં 30 દિવસ સુધી રોકાઈ ગયો હતો. અલબત્ત, અમને ગ્રાહકોનો શરૂઆતથી સારો રિસ્પોન્સ મળતો હતો અને સ્ટોર બહાર લાંબી કતારો રહેતી હતી. લોકોએ સ્નેકસની ડિમાન્ડ કરી એટલે એ શરૂ કર્યું અને પછી ડાઇન ઇન પણ શરૂ કર્યું. બીજા વર્ષથી ફ્રેન્ચાઇઝી આપવાની શરૂઆત કરી અને હાલમાં દેશમાં ગાંધીનગર, હૈદરાબાદ, ઉદેપુર, ભોપાલ, ઇન્દોર, વડોદરા, સુરત, ચંદીગઢ, મુંબઈ અને દિલ્હી સહિત અનેક શહેરોમાં 335 સ્ટોર છે. જ્યારે વિદેશમાં લંડન, અમેરિકા, દુબઈ, અબુધાબી, મસ્કત, રીયાધ, શાંઘાઈ, સાયપ્રસ, આૅસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને નેપાળ સહિત 11 દેશોમાં અમારા સ્ટોર છે. વર્ષ 2015થી દર વર્ષે અમારા નવા 30 સ્ટોર્સ શરૂ થાય છે જેમાં ત્રણ પ્રકારના મોડેલ કિઓસ્ક, કોમ્પેક્ટ અને સ્ટેન્ડ અલોનનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષમાં નવા 400 સ્ટોર શરૂ કરવા છે અને કેન્યા, વિયેતનામ, થાઇલૅન્ડ અને સિંગાપોરમાં પણ સ્ટોર શરૂ કરવાની યોજના છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014માં અમે સેન્ટ્રલ બેકરી ખોલી હતી. હાલમાં અમે મશીન, સ્ટોક બધું જ પૂરું પાડીએ છીએ. આજ સુધીમાં અમે જુદા જુદા 41 અૅવોર્ડ મેળવ્યા છે જેમાં બેસ્ટ કેફે આૅફ ધ યર, બેસ્ટ ડેઝર્ટ પાર્લર આૅફ ધ યર વગેરેનો સમાવેશ થાય છે. લોકડાઉન ખુલ્યા પછી તરત જ અમે નવા ચાર સ્ટોર ખોલ્યા છે અને નજીકના ભવિષ્યમાં વધુ ચાર સ્ટોર ખોલીશું. અમે બેકરી કેફે બનાવીશું. અમારી ચોકલેટ રૂમ મોબાઈલ વાન વિકેન્ડમાં સોસાયટીઓ પાસે જાય છે અને લોકો ખરીદી કરે છે. હોટ ચોકલેટના 14 સ્વાદ આપતી અમારી એક માત્ર કંપની છે. અમારી યુનિક ક્રોકરી વેચાય છે અને અમારા બિઝનેસમાં કોર્પોરેટ ગિફટીંગનો ફાળો 25 ટકા છે. અમે વિવિધ પ્રકારના 40 બોક્સ, 30 વેરાયટીની ચોકલેટ વેચીએ છીએ જેમાં ટ્રફલ્સ એન્ડ પ્રલિંગ્સનો પણ સમાવેશ થાય છે. હોટ ચોકલેટ પાવડર પણ વેચીએ છીએ. હું દર વર્ષે નવી પ્રોડકટ્સ ડેવલપ કરવા માટે વિદેશમાં બે ટુર ઉપર જાઉં છું. મારા પરિવારમાં પિતા મદનમોહનભાઈ, માતા ઉષાબહેન, પત્ની સ્વાતિબહેન, પુત્રો વેદાંત અને સિધ્ધાંત, ભાઈ વરૂણ, ભાભી મોનિષાબહેન અને ભત્રીજા વરદાનનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે ‘Thought process and vision go with your heart.’ મારી ટેગ લાઇન છે, ‘Only those who will risk going too far can possibly find out how far one can go.’ – T.S. Eliot 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!