• દુષ્કાળની સ્થિતિને પામી ગયેલા એ સંતે 4 સ્થળે કેટલ કેમ્પ શરૂ કરાવ્યા : કુંજન મેહતા
    આર્ટિકલ 22-3-2022 10:53 AM
    કુંજન મહેતા

    સન 1987માં પ્રમુખસ્વામી મહારાજે કેટલ કેમ્પનો આરંભ કરાવ્યો, તે પૂર્વે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ત્રણ વર્ષો દરમ્યાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કાર્યરત ઘણી સંસ્થાઓને 35000 મણથી વધુ ઘાસ અને લાખો રૂપિયાનું દાન કરાવ્યું હતું, પરંતુ આ ચોથા વર્ષે આવેલા દુષ્કાળમાં થયેલી પશુ અને માણસોની બેહાલીનો આંખે દેખ્યો ચિતાર સાંભળીને પ્રમુખસ્વામી મહારાજનું હૈયું વલોવાઈ ગયું. અને એમાંય રતનપુરમાં બનેલા પ્રસંગે તો કંપારી છોડાવી દીધી.

    પરિસ્થિતિને પામી ગયેલા પ્રમુખસ્વામી મહારાજે સૌરાષ્ટ્રમાં આવેલા બી.એ.પી.એસ. મંદિરોના સંતોને પત્રો લખીને આજુબાજુનાં ગામોમાં ઢોરનું સર્વેક્ષણ કરી લેવાની આજ્ઞા કરી દીધી. તેમણે સ્વયં પણ ગોંડલ વગેરે ગૌશાળાની મુલાકાત લઈને પશુ દીઠ કેટલું ખાણ, ચારો જોઈએ એ બધું જાણી લીધું. કેટલકેમ્પ અંગે તા. 15-10-87ના રોજ તેઓએ તાત્કાલિક મીટિંગનુ આયોજન કરી દીધું. મીટિંગમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, ગુજરાત, ભરૂચ પંચમહાલ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી કેટલાં ઢોર આવવાની શક્યતાઓ છે તે વગેરેના વિગતવાર રિપોર્ટ તે તે વિસ્તારના સંતો-સ્વયંસેવકોએ આપ્યા. 

    આ મીટિંગમાં પ્રમુખસ્વામીજીએ જે સૂચનો આપ્યા તે તેમની આયોજન શક્તિ, નિર્ણયશક્તિ અને દૂરંદેશિતાનો ખ્યાલ આપે છે, તેમણે જણાવ્યું :‘અત્યારે જ્યાં જ્યાં બીજી સંસ્થાઓના કેમ્પો ચાલે છે ત્યાં પહેલો પાણીનો પ્રશ્ન છે. ઘાસનો પ્રશ્ન છે. ઢોરને સમયસર ઘાસ નથી મળતું અને ત્રીજો પ્રશ્ન છે છાંયડાનો. છાંયડા વગર શિયાળામાં ઢોરના સાંધા ભાંગી જાય. અને ઉનાળામાં તો ખાવાનું મળતું હશે તોય તડકે ઢીલા પડી જવાય માટે આ ત્રણ સુવિધાઓ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં જ કેટલકેમ્પ કરીએ.... આપણે નક્કર કામ કરવું છે. હઈસો હઈસો કે લોકમાં વાહ વાહ થાય એવું નહીં. આપણે તો સેવા કરવી છે. આવતી સાલ બળદ સશક્ત રહી શકે એ રીતે પાલવવા છે. બળદ આવતી સાલ સશક્ત રહે એ રીતે જ કામ કરવું છે.’

    આ તમામ બાબતો જ્યાં બંધ બેસતી હતી એવા સ્થળોએ ચાર કેટલકેમ્પો ખેડા, વડોદરા, અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો. તા. 16 ઓક્ટોબર, 1987ના રોજ પ્રમુખસ્વામી મહારાજે કહી દીધેલું કે લાભ પાંચમથી બધા કેટલકેમ્પો શરૂ કરી દેવા. જોકે 31 ઓગસ્ટ, 1987થી ડાંગરામાં તો સ્વામીશ્રીએ 350 બળદની સરભરા કરતો કેટલકેમ્પ તો શરૂ કરાવી જ દીધેલો. પણ, સ્વામીશ્રી દુષ્કાળની પરિસ્થિતિને જોતા પળનોય વિલંબ કરવા માંગતા નહોતા. 

    પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા થતાં જ 300 સુશિક્ષિત સંતો તથા સેંકડો સ્વયંસેવકોની શક્તિ કેટલ કેમ્પ ઊભો કરવા લાગી ગઈ. 10 જ દિવસમાં તા. 26-27 ઓક્ટોબર, 1987ના રોજ ગમાણ-ખીલા-છાંયો-પાણી-હવાડા સાથે ચાર કેટલ કેમ્પો શરૂ થઈ ગયા. પ્રથમ કેટલ કેમ્પ બોચાસણમાં બી.એ.પી.એસ. સંસ્થાના જ નિલગીરીના ખેતરમાં તૈયાર થયો. બીજો શરૂ થયો ભવાનપુરામાં લીંબડાની ઘેઘુર છાયા તળે. ત્રીજો કેમ્પ અટલાદરાની એઈમ્સ ઓક્સિજન કંપનીના ફાર્મ હાઉસમાં શરૂ થઈ ગયો. ચોથો કેમ્પ સાંકરી ખાતે ગતિશીલ થયો.

    આ ચાર કેટલકેમ્પો ફક્ત પશુઓને રાખવાના વાડા સમાન નહોતા, પરંતુ અહીં પશુઓ માટે ફાઇવ સ્ટાર સુવિધાઓ હતી. એટલે જ અહીં પધારતા અનેક લોકો કહેતા કે ‘અહીં ચાલતા કેટલ કેમ્પમાં ઢોરને તથા ઢોરના માલિકોને ખૂબ ધનાઢ્યની જાનના જાનૈયાઓની જેમ સાચવવામાં આવે છે.’એ વાતની પ્રતીતિ કરાવતી માહિતી હવે પછીના લેખમાં માણીશું...

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!