• ઉત્સવો, પર્વો તથા તહેવારો માનવજીવનને રિચાર્જ કરે છે:  યોગેશ જોશી
    આર્ટિકલ 18-5-2022 07:28 AM

    યોગેશ જોશી

     આપણો ભારત દેશ બીનસાંપ્રદાયિક દેશ છે. આપણાં ભારત દેશમાં દરેક જ્ઞાતિના તથા દરેક ધર્મના વ્યક્તિઓને, પોતાના પર્વો તથા તહેવારો ઉજવવાની છૂટ છે, તથા દરેક પંથના વ્યક્તિઓ, પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે, અને તેથી જ કહેવાય છે કે, વિવિધતામાં પણ એકતા જોવી હોય તો ભારત દેશ જોવા પધારો. આપણી ભારતીય સંસ્કૃતિ દુનિયાના અન્ય દેશો કરતાં ભિન્ન પ્રકારની છે. અહીં દરેક વ્યક્તિઓ શાંતિથી અને સહજતાથી, દરેક પર્વોને આનંદથી માણી શકે છે. આપણાં દેશમાં જેટલાં તહેવારો અને ઉત્સવો ઉજવવામાં તથા મનાવવામાં આવે છે તેટલાં કદાચ દુનિયાના અન્ય દેશોમાં ઉજવાતા નહીં હોય. આપણી ભારતીય સંસ્કૃતિ માનવતાને વરેલી છે તથા માણસાઈ સાથે સુસંગત છે. આપણો દેશ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો હોવાથી, અહીં દરેક ધાર્મિક તહેવારો બહુ ઘૂમધામથી ઉજવવામાં આવે છે.

    સામાન્ય રીતે દરેક રાજ્યોના અલગ અલગ તહેવારો હોય છે; પરંતુ એમાં ગુજરાતની વાત સાવ નિરાળી છે. ગુજરાત રાજ્યમાં વસતાં તમામ જ્ઞાતિના નાગરિકો પોતાના દરેક તહેવારો તથા ઉત્સવોને જેટલાં આનંદ,પ્રમોદ અને હર્ષોલ્લાસથી મનાવે તથા માણે છે તેટલાં અન્ય રાજ્યોમાં વસતાં નાગરિકો કદાચ ઓછા પ્રમાણમાં ઉજવતાં હશે. ગુજરાતની અસ્મિતા, ગરિમા તથા સંસ્કૃતિ અલગ અને નોંખા પ્રકારની છે.અહીં બધાં જ તહેવારોને તથા ઉત્સવોને એકસરખું અને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે જ આપણાં ગુજરાતને” જય જય ગરવી ગુજરાત” કહેવામાં આવે છે.
    તહેવારો અને ઉત્સવો ગુજરાતના લોકજીવનનો ધબકાર છે. ઉત્સવો,પર્વો અને તહેવારો માનવીના એકધારા કંટાળાજનક જીવનમાંથી નિરસતા દૂર કરે છે, અને મનને શાંતિ, રાહત અને શુકૂન બક્ષે છે. આપણી બહુરંગી સંસ્કૃતિ એ આપણા સમાજને ઘણાં જ ત્યૌહારોની અનોખી ભેટ આપી છે.

     આખા વર્ષ દરમ્યાન ભાગ્યેજ કોઈ મહિનો એવો આવતો હશે કે જેમાં કોઈ તહેવાર કે ઉત્સવ ના આવતો હોય.ગુજરાતમાં દરેક ઉત્સવને હળીમળીને; ઉત્સાહથી, ઉમંગ અને ધૂમધામથી ઉજવવામાં આવે છે. અહીં તમામ પર્વોને નાના મોટા, યુવક યુવતીઓ તથા વૃદ્ધો વિગેરે મન ભરીને માણે છે.
    આપણાં ઉત્સવોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે, જેવા કે ધાર્મિક ઉત્સવ, સામાજિક કે સામૂહિક ઉત્સવ તથા રાષ્ટ્રીય ઉત્સવ વિગેરે. મહાશિવરાત્રિ, જન્માષ્ટમી જેવા ધાર્મિક ઉત્સવ, મકરસંક્રાંતિ, ધૂળેટી, દશેરા જેવા તહેવારો એવા છે કે તમામ ધર્મ,વર્ગ તથા જ્ઞાતિના વ્યકિતઓ ભેગા મળીને સામૂહિક રીતે ઊજવે છે એથી આવા તહેવારો સામૂહિક તહેવાર તરીકે ઓળખાય છે.આ ઉપરાંત કારીગર વર્ગ માટે વિશ્વકર્મા જયંતી તથા અમુક પ્રકારના જ્ઞાતિજનો માટે દિવાસો જેવા તહેવારો પણ એનું આગવું મહત્વ ધરાવે છે.રાષ્ટિય તહેવારોમાં સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, શહિદ દિન વિગેરે પણ તમામ જ્ઞાતિના નાગરિકો સામૂહિક રીતે ઉત્સાહથી ઉજવે છે.આપણાં ભારતીય લશ્કરમાં પણ તમામ જ્ઞાતિના વ્યકિતઓની અલગ અલગ રેજિમેન્ટ બનાવેલી છે અને દરેક રાજ્યનો નૌજવાન દેશ અને માભોમ કાજે ફના થવા હરદમ તૈયાર જ હોય છે. માણસ રોજબરોજની એકધારી જિંદગીથી કંટાળી ન જાય અને એનું મન પ્રફુલ્લિત અને તાજગી સભર રહે તે હેતુથી જ મેળાઓ, ઉત્સવો તથા તહેવારોનું મહત્વ વધારવામાં આવ્યું હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. સામાન્ય રીતે દરેક વ્યક્તિ, પોતાની રોજિંદી જિંદગીમાં તથા કામગીરીમાં અતિ વ્યસ્ત રહેતો હોય છે, પરંતુ આવા ઉત્સવો તથા તહેવારોના માધ્યમથી એકબીજાની નજીક આવે છે, આના કારણે માનવો એકબીજાને જાણે તથા સમજે છે અને આ રીતે નવા નવા સંબંધો વધતાં અને વિકસતાં જાય છે.જો તહેવારો કે ઉત્સવોનું માનવ જીવનમાં મહત્વ ન જળવાતું હોય તો કદાચ મનુષ્ય આટલો સમજુ, લાગણીશીલ તથા વિચારશીલ ના બન્યો હોત.માટેજ માનવ જીવનમાં ઉત્સવો, પર્વો તથા તહેવારોનું વિશિષ્ટ અને અલાયદું સ્થાન રહ્યું છે અને રહેશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!