• રાતોરાત પ્રસિદ્ધિ મળી, એ રાત 15 વર્ષ લાંબી હતી, કોઈપણ પાત્રમાં પુરુષાર્થના ‘પ્રતીક’ સમાન - પ્રતીક ગાંધી
    સક્સેસ સ્ટોરી 22-3-2022 01:00 PM
    • હું મારા અભિનયથી જ આગળ વધીશ, ટોચ પર પહોંચવા એલીવેટરનો ઉપયોગ નહીં કરું
    • મેં જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરવો જ પડે છે
    અમદાવાદ

    ગુજ્જુ તરીકે ઓળખાતા મૂળ સુરતના ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધીનું પોતાની લગન, મહેનત અને શ્રેષ્ઠ અભિનયને લીધે હવે બોલિવૂડમાં પણ નામ જાણીતું થયું છે. પ્રતીક એન્જિનિયરીંગનો સ્નાતક હોવા છતાં તેને કલાક્ષેત્રે ઋચિને લીધે થિયેટરને પ્રાધાન્ય આપ્યું અને મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા-કરતા તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2005માં ગુજરાતી નાટક આ પાર કે પેલે પાર વર્ષ 2007માં ‘જૂજાવે રૂપ’ તથા ગુજરાતી અને હિન્દી નાટક ‘અપૂર્વ અવસર’માં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. આ ઉપરાંત ‘સાત તરી એકવીસ’, ‘છ ચોક ચોવીસ’, ‘બહોત નચ્ચો ગોપાલ’, ‘અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’, ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘માસ્ટર મેડમ’ સહિત અનેક ગુજરાતી નાટકોમાં અભિનય આપીને પ્રતીક ગાંધીએ રંગભૂમિમાં પોતાનું નામ બનાવી લીધું હતું. પ્રતીકે વર્ષ 2009માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગન કર્યા હતા.

    પ્રતીક ગાંધીએ અંગ્રેજી ફિલ્મ યોર્સ ઇમોશનલી તથા ગુજરાતી ફિલ્મ ‘બે યાર’, ‘રોંગ સાઇડ રાજુ’, , ‘લવની ભવાઈ’, ‘વેન્ટિલેટર’ વગેરે ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ઉપરાંત ‘લવયાત્રી’ અને ‘મિત્રો’ સહિત હિન્દી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો. વર્ષ 2020માં સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવ્યું હતું. આ વેબસીરિઝને લીધે પ્રતીક ગાંધીનું નામ ખૂબ જ જાણીતું બની ગયું હતું. પ્રતીક ગાંધીએ ગુજરાત મેઈલ સાથે વાતચીત કરતા રંગભૂમિની અનેક વાતો કરી હતી જે અત્રે પ્રસ્તુત કરીએ છીએ.

    પ્રતીક ગાંધીના પરિવારમાં તેમના પપ્પા જયંત ગાંધી અને મમ્મી રિટા ગાંધી વ્યવસાયે શિક્ષક રહ્યા છે તો પ્રતીકના પત્ની ભામિની ઓઝા ગાંધી પણ રંગભૂમિ અને ટીવીનું બહુ જાણીતું નામ છે. આ સિવાય તેમની 7 વર્ષની એક દીકરી મિયારા પણ છે.

    આજના સમાજ માટે તેમજ કોઈ ધ્યેય માટે સંદેશો આપતા પ્રતીક જણાવે છે કે કંઈક પણ મેળવવા માટે તેને પામવા માટે મેદાનમાં ઉતરીને, સખત મહેનત કરવી પડશે. તો જ કંઈક મેળવી શકાશે. જેટલી સખત મહેનત જીવનના મેદાનમાં કરતા રહેશો તેટલા જ તમારા ધ્યેયને પામવાની નજીક પહોંચી શકશો. એટલે જ કોઈ મને ક્યારેક કહે કે તમને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ ત્યારે હું માત્ર એટલું જ કહું છું કે તે રાત 15 વર્ષ લાંબી હતી. હું કહીશ કે તમને જે ગમે છે અને તમને જે કરવું છે તે કર્મ કરતા જ રહો અને તે જ એકમાત્ર જીવનમંત્ર છે.

    ભવિષ્યના લક્ષ્ય વિશે તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે અમારી આવનારી આગામી ફિલ્મ વિશે હમણાં થોડા સમય પહેલાં જ જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મ છે વહ લડકી હૈ કહાં, જેમાં મારી સાથે હશે તાપસી પન્નુ. આ ફિલ્મના ડિરેક્ટર છે અર્શદ સયેદ અને નિર્માતા છે સિદ્ધાર્થ રોય કપૂર. અમે બહુ જ જલદી આ ફિલ્મનું શૂટ શરૂ કરી રહ્યા છે અને તેના માટે હું ઘણો જ ઉત્સાહિત છું.

    ખાસ વાચકો સાથે તેમણે એક ખાસ અનુભવની વાત કરી જેમાં તેમણે કહ્યું કે મારે મારો એક રચનાત્મક સ્વભાવ છોડવો નહોતો અને તેથી જ મારી નોકરીને કારણે મને જે કામ મળતું હતું તે હું ન કરી શક્યો. ત્યારે મેં મારા પરિવારને સાથે રાખીને છેવટે અમે સામૂહિક નિર્ણય કરી જ લીધો કે હવે બસ... મારે બસ પૂરતો વિશ્વાસ રાખવાનો હતો કે હવે મારે એક્ટિંગના ક્ષેત્રમાં જ કૂદી પડવું છે અને તેને જ કારકિર્દી બનાવવી છે. તેથી 2016થી મેં એક ફૂલ-ટાઈમ એક્ટરના રૂપમાં કામ શરૂ કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં 10 ગુજરાતી ફિલ્મ, 2 હિન્દી ફિલ્મ અને 2018માં હું SCAM 1992 માટે હંસલ મહેતાના સંપર્કમાં આવ્યો અને જુઓ.. પરિણામ આપની સામે જ છે.

    ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ આવી રહી છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે જણાવતા પ્રતીક કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ બહુ જ વિવિધતાથી ભરેલી ઇન્ડસ્ટ્રી છે અને તેથી જ હું માનું છું કે તેનું ભવિષ્ય સો ટકા ઘણું જ ઉજળું છે.

    રંગભૂમિ એ એક અભિનેતા માટેનું જિમ છે. અને હું થિયેટરને ક્યારેય મારાથી દૂર જવા દેતો નથી કારણ કે થિયેટર મને દરેક ભૂમિકા અને મૂળમાં સારું કરવા માટે તૈયાર કરશે અને કરે છે. તેમ અભિનેતા અને દિગ્દર્શક પ્રતીક ગાંધીએ ગુજરાત મેઈલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

    પ્રતીક ગાંધીએ તેમના જીવન અને થિયેટર પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે રંગભૂમિ એ અભિનેતા માટેનું જીમ છે. અને હું થિયેટરને મારાથી ક્યારેય દૂર જવા દેતો નથી પોતાના જીવનના સંઘર્ષ વિશે વાત કરતા પ્રતીકે કહ્યું હતું કે મુંબઈમાં ટકી રહેવા માટે મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ટેલિફોનના ટાવર લગાવ્યા છે. જન્મદિવસ અને કીટી પાર્ટીઓમાં પરફોર્મન્સ આપ્યા છે. મે પ્રાયોગિક રીતે થિયેટરની શરૂઆત કરી હતી પણ યોગ્ય મહેનતાણું મળતું નહોતું. છતાંયે મે મારી જાતને થિયેટરથી દૂર કરી નથી. કેમ કે મારે ત્યાંથી ઘણું શીખવાનું બાકી હતું. લાગે છે કે ઈશ્વરે મને તે વ્યક્તિ તરીકે પસંદ કર્યો છે. જે ટોચ પર પહોંચવા ક્યારેય એલિવેટર નહીં મેળવે. મારે દરેક ફ્લોર પર રોકાવવું પડશે અને વસ્તુઓ શીખવી પડશે અને તે જ મને વધુ સારી વ્યક્તિ બનાવશે.

    ઓટીટી પ્લેટફોર્મ વિશે વાત કરતા પ્રતીકે કહ્યું કે આપણે એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે સકારાત્મકતા આવે. અગાઉ થિયેટરોમાં પણ સેન્સરશીપના પ્રયત્નો થયા હતા પરંતુ થિયેટર એ એક એક્ટર્સનું માધ્યમ છે એકવાર અભિનેતા મંચ પર આવે ત્યારે કોઈ પણ કંઈ કરી શકતું નથી.

    ઓટીટી પ્લેટફોર્મ્સ પર સ્કેમ 1992 ધ હર્ષદ મહેતા સ્ટોરીને લીધે પ્રતીક ગાંધીને સુપરસ્ટારનું બિરૂદ મળ્યું હતું. આ વિશે વાત કરતા પ્રતીકે કહ્યું હતું કે દર્શકોએ આ વેબસીરિઝના ખૂબ વખાણ કર્યા છે. હવે આગામી હિન્દી ફિલ્મ રાવણ લીલામાં પણ મુખ્ય અભિનય આપીશ. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!