• ગાંધી ગોડસે એક વૈચારિક અને ક્રાંતિકારી યુદ્ધ!!
    આર્ટિકલ 5-2-2023 11:54 AM
    લેખક: ફાલ્ગુની વસાવડા
      સર્વ પ્રથમ તો આ લેખ કોઈ પણ ને ટેકો આપે છે, એવું લખવા માટે લખાયો નથી! બસ એક ફિલ્મ તરીકેની શક્યતા વિશે એ બંને પાત્ર થકી આજના ભારતમાં અને એ વખતના ભારતમાં ખાસ કોઈ ફેર નથી!એવું દર્શાવાનો નિખાલસ પ્રયાસ કર્યો છે. જોકે એટલે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણાં દેશમાં સર્વાંગી વિકાસ થયો નથી.

      રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધની સ્ટાર કાસ્ટ માં ગાંધીજીની ભૂમિકામાં દીપક અંતાણી, અને ગોડસેની ભૂમિકા માં ચિન્મય માંડલેકર ભજવી છે, તેમજ રાજકુમાર સંતોષી ની દીકરી તનીષા સંતોષી એ આ ફિલ્મમાં સુષ્મા ના પાત્ર થી શરૂઆત કરી છે! અને એ આર રહેમાનનું મ્યુઝિક ફિલ્મને સજાવવામાં મદદ કરે છે. ફિલ્મની શરૂઆત, આઝાદ ભારતના ભાગલા વાળા સીન થી થાય છે! અને એ દ્રશ્યોમાં દર્શાવેલી હિંસા જોઈને રુંવાડા ઊભાં થઇ જાય! અને ધર્મ માટેની માન્યતા ને કારણે જે હિંસાનો લોહીયાળ જંગ ખેલાયો હતો.

      ફિલ્મની કહાની રિયાલિટી ને દર્શાવવામાં માટે અનરિયાલીટીને પ્રસ્તુત કરે છે! એટલે કે ભાગલાથી હિન્દુ મુસ્લિમમાં બહુ મોટાં પાયે ગેરસમજ થાય છે, અને એ ગેરસમજ ને કારણે દેશ આખામાં યુદ્ધ જેવી તંગદિલી સર્જાઈ હતી. પાકિસ્તાનમાંથી હિન્દુ ઓને કાઢવા માટે એની પર ભયંકર અત્યાચાર કરવામાં આવ્યા, સ્ત્રી ઓ પર બલાત્કાર થયાં,, અને એને પકડી પકડીને માર્યા, હિન્દુ કન્યા ઓની લિલામી કરી,!વગેરે સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં હિન્દુ ઓનું લોહી ઉકળી ઉઠ્યું અને એ લોકો એ પણ બધાની હત્યા કરવાનું શરૂ કર્યું, અને હિંસા ફાટી નીકળી! રાજકારણની નીતિ અસ્પષ્ટ થતાં દેશનો અમુક વર્ગ આ બધાં માટે ગાંધીજીને જવાબદાર ગણાવી એની વિરુદ્ધ એક જુવાળ ઉભો કરે છે! અને ગાંધીજીને કારણે જ સનાતન ધર્મ સંકટમાં છે! હિન્દુ પોતાના જ રાષ્ટ્રમાં સુરક્ષિત નથી એવી હવા પ્રસરી, તેમજ ગાંધીજી મુસ્લિમોનાં એજન્ટ છે! વિદેશીઓ ભારતના ભાગલાની નિતીથી જ ગાંધીને ભારત લાવ્યાં હતાં, અને આપણી અખંડ અસ્મિતાની હોળી સળગાવી! અહિંસા ને નામે હિન્દુ ઓને કાયર બનાવ્યાં, અને આપણા હિન્દુ સનાતન ધર્મની ધજીય્યા ઉડી ગઈ! હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમ અને દલિતો ને સમાન દરજ્જો આપવાની વાત કરી. પૂનામાં હિન્દુ રાષ્ટ્ર નામે એક વર્તમાન પત્ર બહાર પાડનાર નથ્થુરામ ગોડસેનું લોહી ઉકળી ઉઠે છે. એણે દિલ્હીના બિરલા હાઉસમાં રહેતા ગાંધીજી ને મારવા માટે કમર કસી. ગાંધીજીનાં આમરણાંત ઉપવાસ ને તેનું હથિયાર ગણાવતા અને કહેતા કે ગાંધીને કારણે જ દેશમાં હિન્દુત્વની ભાવના મરી જશે! મંદિરો તૂટશે, મસ્જિદ બનશે, અને સરેઆમ સ્ત્રીઓની ઈજ્જત ઉછળશે, કોઈ ને કોઈ પર ભરોસો નહીં રહે!  પોલીસે કહ્યું કે પ્રાર્થના વખતે આવનાર નું ચેકીંગ કરીએ, પણ લોકોની આસ્થા પર શંકા કરવી એ યોગ્ય નથી એમ કહ્યું. નથ્થુરામ ગોડસે એ આ બધાં કારણોથી એક નિર્ણય કર્યો, અને બિરલા હાઉસ પહોંચી ગયો. એણે ગાંધીજીને પ્રણામ કર્યા અને પગે પડવાનો અભિનય કરી, ગાંધીજીને છાતીમાં ત્રણ ગોળી મારી દીધી, અને ગાંધીજી હે રામ કરી ઢળી પડ્યા! પણ અસલી ફિલ્મ હવે શરૂ થાય છે. 

    ફિલ્મ મુજબ તાત્કાલિક સારવાર મળી જવાથી ગાંધીજી બચી જાય છે! અને એ ગોડસે ને મળવા જાય છે! ગાંધીજી ગોડસે ને પુછે છે કે એણે એને ગોળી કેમ મારી? ગોડસે કહે છે કે તમે દેશમાં હિન્દુત્વ વિરોધી જુવાળ ઉભો કર્યો છે, અને એ રીતે જ કાયદો અને સંવિધાન બનાવી ને દેશમાંથી હિન્દુની જ બાદબાકી કરવા માંગો છો, અને પાકિસ્તાન ને 55 કરોડ રુપિયા આપ્યાં!  એમાંથી એ હથિયાર ખરીદી અને આપણી ઉપર જ આતંક મચાવી ને પરેશાન કરશે કાશ્મીરને પણ પડાવી લેશે, અને ભારત હિન્દુ રાષ્ટ્ર બનતા બનતા રહી જશે.

    ગાંધીજી ત્યાર બાદ બિહારમાં ગયાં કારણ કે ગાંધીજી એવું માનતા હતા કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ગ્રામ્ય વિકાસ થાય તો જ સર્વાંગી વિકાસ થાય. ત્યાંના દલિત અને આદિવાસી વિસ્તારમાં અસ્પૃશ્યતા એટલી હદે પ્રસરી ગઇ હતી કે એ લોકો ગુલામી જેવી જીંદગી જીવતા હતાં અને ગાંધીજી એ આ સામે લોકોને પોતાના હક્ક અને અધિકાર માટે જાગૃત કર્યા! સરકારે એની પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાવીને જેલની સજા કરી! ગાંધીજી એ સજા કબૂલ કરી અને ગોડસે જે સેન્ટ્રલ જેલમાં છે ત્યાં જ તેની સાથે રહેશે એવી શરત કરી! બંને એકસાથે રહેવા લાગ્યા! ગોડસે વિષે દેશભરના લોકોને નફરત હતી,પણ એને પોતાને કોઈ રંજ કે અફસોસ નહોતો! જેલમાં બંનેના ઘણા બધા સંવાદ દર્શાવાયા છે, એમાં હિંસા અને અહિંસા તેમજ ભગવત ગીતામાં એનો ઉલ્લેખ ક્યાં સંદર્ભમાં કર્યો છે, એ ગાંધીજી ગોડસે ને સમજાવે છે. ગોડસે પણ ભગવત ગીતા ને માને છે, અને ગાંધીજી પણ ભગવત ગીતા ને અનુસરે છે. ગોડસે કહે છે કે અર્જુન પણ પોતાનાં સગાં સંબંધીઓને મારે છે!એ રણભૂમિ હતી, ત્યાં યુદ્ધ થતું હતું, જ્યારે ગાંધીજી કહે છે કે એક નિહથ્થા પર હથિયારથી વાર કરવો એ હિંસા છે! ગાંધીજી એને કહે છે કે કોઈ પણ ધર્મમાં છૂટ નથી! અને એમાં પણ હિન્દુ સનાતન ધર્મમાં તો અનુશાસનને નામે પણ હિંસાની છૂટ નથી હોતી. ઉંમર પહેલાં વિજાતીય આકર્ષણ ને પ્રેમ નામ આપી દેવાથી વિકાર વધે છે, એ મૂળ ભાવના કેન્દ્રમાં સુષ્મા પર અત્યાચાર થતો હોય એવું લાગતાં, ગોડસે ગાંધીજી ને કહે છે, અને ગાંધીજી સુષ્મા સાચે જ નરેન ને પ્રેમ કરે છે એ સ્વીકારી લે છે,અને નરેન સાથે તેના લગ્ન કરાવે છે. ફિલ્મની કહાની મુજબ હિન્દુત્વ વાદી માનસમાં જ્ઞાતિ ભેદને સૌથી વધુ મહત્વ આપવા વાળા અમુક ઠેકોદારો એ ફરીથી ગાંધીજીને મારવાનો નિર્ધાર કરી લીધો, અને એક જણને રોક્યો.  સુષ્મા નરેનના લગ્ન વખતે એ માણસને મોકો મળી ગયો! અને એણે ગોળી માર્યા પહેલા જ ગોડસે એને પકડી લે છે અને ગાંધીજી ને બચાવે છે. 

    ફિલ્મની કહાનીની પ્રસ્તુતિ એટલી સુંદર રીતે કરવામાં આવી છે, કે જે વ્યક્તિ ખુદ ગાંધીજીને હિન્દુ રાષ્ટ્રના દુશ્મન સમજતો હતો,અને એની હત્યા કરવા માંગતો હતો એ જ વ્યક્તિ એને બચાવે છે! કેટલું અસરકારક ચરિત્ર હશે બોલો! કે જે દુશ્મન ને પણ એના સત્ય અહિંસાનાં સિદ્ધાંત માનવા મજબૂર કરી શકે છે. એટલે ગોડસેથી પણ ગાંધીજી પ્રભાવિત થયા હતા, અને સુષ્મા નરેનનાં પ્રેમને સમજી શક્યા હતા. પરંતુ મૂળ વાત એ છે કે આજે ઘણા લોકોના મનમાં ગાંધીજી માટે અમુક માન્યતા દ્રઢ થઈ ગઈ છે, કે એમનાં કારણે આજે  સમસ્યાઓ છે, પણ એવું બિલકુલ નથી ગાંધીજી એ તો આઝાદી પછી તરત જ કોંગ્રેસને બરખાસ્ત કરવા કહ્યું હતું, અને એ લોકો ને પણ જનતાની સેવા કરવા કહ્યું પણ સત્તાની લાલચ ને કારણે એ લોકોએ ગાંધીજી ને અર્થ સર્યો ને વૈદ વેરી, જેમ એકબાજુ કરીને સરકાર બનાવી લીધી. જ્યારે ગાંધીજી ઈચ્છતાં હતા કે લોકશાહીમાં લોકો ઉમેદવાર ચૂંટે! પણ જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન પદ સ્વીકાર્યું ,તો બાબા આંબેડકર એ સંવિધાનમાં સમાનતા માટેની જોગવાઈની કલમો મુકી દીધી, અને દેશમાં અરાજકતા વધતી ગઈ. 

    અંતમાં વૈષ્ણવ જન તો તેને રે કહીએ અને રઘુપતિ રાઘવ ની ધૂનની અસર રહેમાન એ જોરદાર જમાવી! ઉપરાંત ગાંધી પ્રેમી ને તો ફિલ્મ સો ટકા પસંદ આવશે જ પણ ગાંધી વિરોધીઓ પણ ગાંધીજીને માની જશે કે ના સાબરમતી કે સંત કે પછી, મહાત્મા ગાંધી, તેમજ રાષ્ટ્ર પિતાની પદવી ને યથાર્થ કરનાર ચરિત્ર હતું. અભિનયની રીતે દીપક અંતાણીએ ખૂબ સરસ અભિનય કર્યો છે. ગાંધીજીની ચાલથી લઈને રેંટિયો કાંતવાની ઢબ, અને બકરી સાથે જીવદયાથી જોડાવું, સર્વ ધર્મ પ્રાર્થના ની શરૂઆત કરવી, વગેરે ને ખૂબ સરસ રીતે વણ્યું! એ ઉપરાંત ગોડસે સાથે ધીરજ અને સમજાવટ પૂર્વક પેશ આવી પોતાના મુદા કહ્યાં, બધું જ ખૂબ સરસ રીતે બેલેન્સ કર્યું ! તો ગોડસેની ભૂમિકા ભજવી હતી એ ચિન્મય માંડલેકર પણ દમદાર અભિનય કર્યો, અને લોક માનસમાંથી ગાંધી હત્યા કરનાર માટેની નફરત દૂર કરવા સક્ષમ રહ્યાં. વૈચારિકતામાં જમીન આસમાનનું અંતર ધરાવતા હોવા છતાં, બંનેની દેશ માટેની અપ્રિતમ લાગણી બહુ ઊંડી હોવાથી બંને સહ્રદય જડાઈ શક્યા! 

    હોની ને કોઈ ટાળી શકતું નથી, પણ આ ફિલ્મ જોયા પછી એક વિચાર એ આવે છે, કે ગોડસે એ ગાંધીને મારવાનો નિર્ધાર કર્યો એના કરતાં મળવાનું નક્કી કરી, પોતાના મુદાઓ પર‌ વાત કરવાનો નિર્ધાર કર્યો હોત, તો કદાચ આજે પરિસ્થિતિ જુદી હોત!! કારણકે ઘણીવાર બે શક્તિ એક જ દિશામાં કામ કરે તો વધુ સારું પરિણામ મળે! પણ આ તો બંને માંથી એકેય મિશન પાર પડ્યું નહી! ગાંધીજીની હત્યા થઈ,અને ગોડસેને ફાંસી! અને અમે આઝાદી અપાવી એમ કરી સત્તાની લાલચ વાળા ફાવી ગયાં! બાકી ગાંધીજીને જે કોઈ કહેતા કે તમારે કારણે દેશને આઝાદી મળી! ત્યારે એ સ્પષ્ટ કહેતા કે ના તમારા સંઘર્ષ ને કારણે જ આઝાદી મળી છે, એમને પોતાની આટલાં મોટા બલિદાનની બદલે પ્રશંસા પણ જોઈતી ન્હોતી! એટલું શુદ્ધ અને સાત્વિક ચરિત્ર હતું, માટે રાષ્ટ્ર પિતાનું બિરુદ પ્રાપ્ત થયું, માટે સાબરમતી નાં સંત કહેવાયા, માટે મહાત્મા ગાંધી કહેવાયા!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!