• આરોગ્ય-સૂચિ : તમારો સમય અગત્યનો છે એટલી જ અગત્યની છે કસરત
    તંદુરસ્ત શરીર માટે શું જરૂરી છે ? આ સવાલ પૂછો તો તરત જવાબ મળે, ‘સારો આહાર અને યોગ્ય કસરત’. આ પાયાની વાત જાણ્યા પછી પણ જ્યારે કસરતની વાત આવે ત્યારે ઘણા લોકોને આપણે પાછા પડતા જોયા છે. તેમાંના મોટા ભાગના લોકો પાસે કસરત નહિ કરવાના બે જ કારણ હોય છે. પહેલું કારણ એ કે પૂરતો સમય નથી અને બીજું કારણ કે કંટાળો આવે છે. કંટાળાનો કોઈ ઈલાજ મારી પાસે નથી પણ સમય પૂરતો ના હોય અને છતાં પણ કસરત કરવી હોય તેવા લોકો શું કરી શકે એની આજે આપણે વાત કરીશું.

  (1) સમય હંમેશાં બધાને ઓછો જ પડે છે. એમાં પણ ખાસ કરીને યુવાવર્ગ કે જેઓ તેમના કામ અને ઘરગ્રહસ્થિ ચલાવવામાં ગળાડૂબ રહે છે. તેઓ પોતાના દિવસમાંથી રોજનો એક કલાક કસરત માટે કાઢી ના શકે એમ બની જ શકે છે. અહીં એ જાણવું મદદરૂપ બનશે કે રોજનો એક કલાક ફાળવવાના બદલે દિવસની 20 મિનિટ પણ જો કસરત માટે ફાળવવામાં આવે તો એ પણ ફાયદાકારક છે. 

  ધ અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના મુજબ પુખ્તવયના વ્યક્તિઓએ અઠવાડિયામાં 5 દિવસ લગભગ 30 મિનિટ માટે માધ્યમ તીવ્ર એરોબિક કસરત કરવી જોઈએ અને જો કસરતની તીવ્રતા વધારવામાં આવે તો 20 મિનિટ માટે થતી કસરત પણ પૂરતી છે. દોડવું, ઝડપથી ચાલવું, તરવું, સાયકલ ચલાવવી, બગીચામાં કામ કરવુ જેવી કોઈ પણ કસરત કરી શકાય. 

  (2) જેમની પાસે એક સાથે 20 મિનિટ આપવાનો સમય ના હોય તેવો મીની વર્કઆઉટ દિવસમાં 2-3 વાર કરી શકે. મીની વર્કઆઉટના ઘણા પ્રકાર છે. તબાટા ટ્રેનિંગ એ એક ચાર મિનિટ માટે થતી કસરત છે જેમાં 20 સેકન્ડ માટે પૂરી તાકાત લગાવી, પૂરા જોશમાં કસરત કરવામાં આવે છે. એ પછી 10 સેકન્ડનો વિરામ લીધા પછી ફરી 20 સેકન્ડ માટે પૂરી તાકાત લગાવીને કસરત કરવામાં આવે છે. આવા કુલ 8 રાઉન્ડ પતે એટલે ચાર મિનિટનું તબાટા વર્કઆઉટ પતે છે. આમાં ખાસ બોડીવેઈટ એક્સરસાઈઝસ  જેમકે પુશ અપ, બરપિસ, સ્ક્વોટ્સ, જમ્પિંગ જેક, ક્રંચીસ જેવી કસરત કરવામાં આવે છે. તબાટા વર્ક આઉટને 4થી લઈને 20 મિનિટ સુધી પણ કરી શકાય છે.

   (3) હાઈ ઇન્ટેન્સિટી સર્કિટ ટ્રેનિંગ (HICT) પણ આજ રીતની કસરત છે જેમાં 7 મિનિટના ત્રણ સેટ હોય છે અને કુલ 20 મિનિટ સુધી આ કસરત કરવામાં આવે છે. આ રીતની કસરતમાં કાર્ડિયોવૅસ્ક્યુલર અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ બંનેનો સમાવેશ થાય છે અને ફુલ બોડી વર્કઆઉટ થઈ શકે છે. 

  તબાટા અથવા HICT જેવી કસરત ટ્રેનર પાસે શીખવી જરૂરી છે. આ રીતની કસરત પહેલા વોર્મઅપ અને કસરત પછી સ્ટ્રેચિંગ પણ કરવામાં આવે છે. જો એમાં ચૂક થાય તો ઇજા થવાનો ભય રહેલો છે. એક વાર શીખ્યા પછી આવી કસરત ઘેર જાતે પણ કરી શકાય છે અને એક સાથે 20 મિનિટ આપવાના બદલે સવારે અને સાંજે એમ બે ભાગમાં વહેંચીને કસરત કરવામાં આવે તો પણ ફાયદો દેખાય છે. 

  (4) હવે વાત કરીએ એમની કે જેમને દિવસમાં 10 મિનિટનો પણ સમય નથી મળતો. કસરતને સાદી ભાષામાં સમજીઅે તો એક એવી પ્રવૃત્તિ જેમાં શારીરિક હલનચલનથી શરીરની ઊર્જા વપરાય છે અને શરીરના સ્નાયુ મજબૂત થાય છે.  હવે જો કસરતનો સમય ના મળતો હોય તો ઊર્જા વાપરવા માટે નાના ઉપાય પણ અજમાવી શકાય છે. જેમ કે દાદરા ઉતરતી વખતે લિફ્ટનો ઉપયોગ ક્યારેય નહીં કરવો, ઘરમાં બેલ વાગે તો દરવાજો ખોલવા જાતે જવું, ગાડી કે બીજું વાહન થોડું દૂર પાર્ક કરીને વચ્ચેનું અંતર ચાલી નાખવું, મોબાઈલ પર વાત કરતી વખતે ચાલવું, બને તો દિવસમાં એક વાર દાદરા ચઢી લેવા, બપોરે જમ્યા પછી વિરામ હોય તો 5-7 મિનિટ માટે બહાર ચાલી આવવું, રસોડામાં ઊભા હોઈએ અને ચા ઉકળતી હોય ત્યારે 10 સ્ક્વોટ્સ કરી લેવા. આ એવી પ્રવૃતિઓ છે જે આસાનીથી કરી શકાય છે. 

  તમારો સમય અગત્યનો છે એને એટલી જ અગત્યની શરીર માટે કસરત છે. જો એ ધ્યાનમાં રાખશો તો 100 પ્રવૃત્તિ મળશે જે તમારા સમયને અનુરૂપ હશે.  
અન્ય સમાચારો...
Image
કેરળના કોહિન્ડી નામના એક ગામમાં 400થી વધુ ટ્વિન્સ બાળકો
image
કેરળના કોચીથી લગભગ 150 કિમી દૂર આવેલા આ કોડિન્હી ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી 400 થી વધુ જોડિયા છે. આવી સ્થિતિમાં, તમને આ ગામમાં અને નજીકના બજારમાં પણ ઘણા દેખાવડા બાળકો જોવા મળશે. કોડિન્હી નાળિયેરીની હરોળો, નહેરો અને ચોખાના ખેતરો સાથે પથરાયેલું છે. ગામને ‘ટ્વીન ટાઉન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું એક ગામ છે, જ્યાં જોડિયા બાળકોનો જન્મ દર કદાચ ભારતમાં સૌથી વધુ છે. પ્રથમ નજરમાં, કોડિન્હી એકદમ સામાન્ય લાગે છે.