• મોરબીના ઝુલતા પુલ કેસમાં મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
    મુખ્ય શહેર 22-2-2023 09:18 AM
    • દરેક ઇજાગ્રસ્તને 2 લાખ રૂપિયા ચૂકવવાનો પણ હૂકમ, હાઇકોર્ટમાં હાજર રહેલા મૃતકોના પરિવારોની કડક સજાની માંગણી
    મોરબી

    મોરબીમાં બનેલી ઝુલતા પુલની દુર્ઘટનાની છેલ્લા ત્રણ દિવસથી ચાલતી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે બુધવારે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાના અને ઇજાગ્રસ્તને 2 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. આ સુનાવણી દરમિયાન દુર્ઘટનામાં મૃતકોના 120 પરિવારો મોરબીથી આજે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહ્યા હતાં. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા ન્યાય મળે એવી આશા વ્યક્ત કરી હતી અને માંગણી કરી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ. 

    પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ ચુકાદા પછી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ઓરેવા કંપનીના વકીલ દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કે, આ દુર્ઘટનાના લીધે તેઓ ખૂબ જ દુ:ખી છે. પીડિતોની વેદના તેઓ સમજે છે અને આ માટે તેઓ પાંચ કરોડની કુલ રકમ જમા કરાવવા માગે છે. કોર્ટે પણ તે વાતની પુષ્ટિ કરી હતી કે, તમે રકમ આપો કે ના આપો, પણ તમે કોઈપણ પ્રકારની જવાબદારીથી બચી શકશો નહિ. કેટલું વળતર આપવું એ તમારા ઉપર છે.

    30 ઓક્ટોબરે ઝૂલતા પુલની દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા તે પછી સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા શા માટે હાથ ધરાઈ ન હતી? બિડ કેમ મંગાવવામાં આવ્યું ન હતું?” ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડના નામે ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

    હાઇકોર્ટે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લઇને છ સરકારી વિભાગો પાસે જવાબ માગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કરાર કરનારી કંપનીના કેટલાક કર્મચારીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ આ રૂ. 7 કરોડનો કરાર કરનારા ટોચના મેનેજમેન્ટમાંથી કોઈને હાથ પણ લગાવવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોઈ અધિકારીને આ 150 વર્ષ જૂના પુલની દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા નથી.

    મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો તેમને અફસોસ છે.બ્રિજની મરામતનું કામ કરવા કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થયા પછી કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યાર બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!