• તુલસીના “માનસ”નું અપમાન : રકાબીમાં આવેલું પૂર!
  નામ ચંદ્રશેખર છે, બિહારના શિક્ષણમંત્રી છે. અને કહે છે કે “રામચરિત માનસને સળગાવી દેવું જોઈએ.” અને નામ સ્વામીપ્રસાદ મૌર્ય છે, યુપીના મંત્રી રહી ચૂક્યા છે, અને કહે છે કે “રામચરિત માનસ વાંચનારા કરોડો લોકો છે, તે વાત હું માનતો નથી. તેમાં દલિત અને આદિવાસીઓને ગાળો આપવામાં આવી છે...રામચરિત માનસને ભારતમાંથી હટાવી દેવો જોઈએ.” બીજી બાજુ બહુચર્ચિત બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી કહે છે કે રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરો...

  વિવાદ જબરદસ્ત છે, પણ જેમણે સમગ્ર ભારતને નિર્વિવાદ રામરાજ્ય આપવા ઇચ્છા કરી હતી, તેવા ગોસ્વામી તુલસીદાસજીને તો કોઈ પૂછતું પણ નથી. ચંદ્રશેખર કે સ્વામીપ્રસાદ મૌર્યા જેવા વામપંથી વિચારધારાના લોકોને માત્ર એટલું જ કહેવાનું કે નાલંદા વિદ્યાપીઠના લાખો હસ્તપ્રતો સાથેના ત્રણ વિરાટ ગ્રંથાગારો હતા: રત્નસાગર, રત્ન મંજુષા, અને રત્નાકર. જેને સન 1193માં તુર્ક સેનાપતિ બખ્તિયાર ખીલજીએ એવી રીતે સળગાવ્યા હતા કે ઇતિહાસ લખે છે કે છ મહિના સુધી તે જ્ઞાનનો મહાસાગર સળગતો રહ્યો હતો...! ઈરાની વિદ્વાન મીન્હાજે તો ત્યાં સુધી લખ્યું છે કે અનેક વિદ્વાન શિક્ષકોને પણ તે સમયે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અને કેટલાંયનાં માથાં કાપી નાખવામાં આવ્યાં હતાં. 

  જ્યારે આટલા વિરાટ પ્રલય પછી પણ રામનામ, કૃષ્ણભક્તિ, શિવ આરાધના, શક્તિ માર્ગ કે પછી અનેકવિધ સંપ્રદાયોના અનેકવિધ આચાર્યો દ્વારા અપાયેલાં તત્ત્વદર્શનને આંચ આવી નથી, તો ચંદ્રશેખર કે સ્વામીપ્રસાદ જેવા લોકો થૂંક ઉડાડે, તેનાથી આવી ગંદકી ફેલાવનાર ઉપર દયા ખાવા સિવાય બીજું કરવુંય શું?

   મંદિરો ઉજાડવામાં આવ્યાં, અને આજે અયોધ્યામાં વિશાળ રામ મંદિરનું નિર્માણ, કાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું રૂપ પરિવર્તન, ઉજ્જૈનમાં મહાકાલ કોરીડોર, કાશ્મીરમાં નરસિંહ મંદિર સહિત અનેક મંદિરોમાં શરૂ થયેલો જીર્ણોદ્ધાર અને પાઠપૂજા, તેમજ છેલ્લી અડધી શતાબ્દીમાં 1100 મંદિરો તો માત્ર પ્રમુખસ્વામી મહારાજ જેવા સંત દ્વારા નિર્માણ કરી દેવામાં આવ્યાં.

  શાસ્ત્રો સળગાવી દેવામાં આવ્યાં અને તુલસીદાસથી માંડીને શરૂ થયેલી સંત પરંપરાએ નૂતન સિદ્ધાંત શાસ્ત્રો, નીતિશાસ્ત્રો અને ઇતિહાસ ગ્રંથોનાં સર્જનો કરી દીધાં. વિદ્વાનો અને સંતોનાં સર કલમ કરવામાં આવ્યાં. ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો, બંદા વૈરાગી, સ્વામી શ્રદ્ધાનંદજી કે સ્વામી દયાનંદજી જેવા સંતોનું અસ્તિત્વ મિટાવી ભારતના આકાશમાં વિજયની ઉન્માદી તલવાર લહેરાવવામાં આવી. પરંતુ સ્વામી વિવેકાનંદજી જેવા સંતે દેશમાં જ નહીં, સાત સમંદર પાર ભારતીય વેદાંતનો પરચમ લહેરાવ્યો અને કહેલું કે આવનારા સમયમાં હિન્દુસ્તાનના સંતો ની ફોજ તમારા વિદેશની ધરતી પર ભારતીય વેદાંત સાથે માનવીય નીતિગત મૂલ્યોની સ્થાપના માટે જરૂર ઊતરી પડશે. અને તેમના એ વચનોને અનેક સંતો ઉપરાંત, સ્વામિનારાયણ સંપ્રદાયના સેંકડો સંતોએ સત્ય કરી બતાવ્યું. જ્યારે તુલસીદાસજી સામે આંગળી ઊઠી રહી છે, ત્યારે ચંદ્રશેખર કે સ્વામીપ્રસાદ જેવા લોકોને તવજ્જો આપવા કરતાં તેમના કરતાં વિદ્વત્તા, માનવતા, યોગદાન અને વ્યક્તિત્વની દૃષ્ટિએ હિમાલયના શિખરે બેઠેલા મહાનુભાવોની નજરે “માનસ”ને જોવા પ્રયત્ન કરવા જેવો છે.

  જરા આ વામપંથીઓને પૂછી જોજો કે તુલસીદાસજીના જીવન-આચરણના એક કરોડમાં અંશ જેટલી પણ તમારી કોઈ ઔકાત છે કે નહીં? અને એટલે જ એવા લોકોના અભિપ્રાયો સામે આક્રોશ વ્યક્ત કરવા કરતાં દયા ખાઈને સુંદરકાંડની ચોપાઈઓના સરોવરમાં ડૂબકી ખાતા રહેવું વધારે શાંતિદાયક છે. કૂવાના દેડકાને આમ પણ ખબર નથી હોતી કે દુનિયામાં સાત સાત સમુદ્રો લહેરાઈ રહ્યા છે.. “રામચરિત માનસ”ના આજ સુધી 37 ભાષામાં અનુવાદ થઈ ચૂક્યા છે. બૌદ્ધ પરંપરામાં પણ દશરથ જાતક, અનામક જાતક, અને દશરથ કથાનક નામે રામાયણ ઉપલબ્ધ છે. જૈન સાહિત્યમાં તો “પઉમચરિઉ” આજે પણ અભ્યાસ ગ્રંથ ગણાય છે. પરમાર ભોજે “ચંપુ રામાયણ” ની રચના કરી હતી. હિન્દીમાં ઓછામાં ઓછાં 11, મરાઠીમાં 8, બાંગ્લામાં 25, તમિલમાં 12, તેલુગુમાં 12, અને ઉડિયામાં 6 રામાયણ પ્રાપ્ત છે. 

  નવાઈની વાત તો એ છે કે મલેશિયામાં “હિકાયત સેરીરામ” તુર્કસ્તાનમાં પણ ખોતાની રામાયણ, ઇન્ડોનેશિયામાં કકબીન રામાયણ, તિબેટમાં તિબત્તી રામાયણ, મ્યાનમારમાં યુતોકી રામયાગન અને થાઈલેન્ડમાં રામકિયન નામે શ્રીરામની ચરિત્રધારા આજેય ભારતની સૈદ્ધાંતિક અને નીતિમય સંસ્કૃતિનો પરચમ લહેરાવી રહી છે. 

  આવા સમયે રામદ્વેષી કે તુલસીદાસ જેવા સંતને સમજ્યા વિના અંતિમવાદી બયાનો આપનાર લોકોની યોગ્યતા સામે વિનોબા, હજારીપ્રસાદ દ્વિવેદી, આચાર્ય રામચંદ્ર શુક્લ જેવા વિદ્વાનોની નજરે તુલસીદાસજીને સમજવા એ જ આપણા માટે માત્ર સમજદારી ભરેલો નિર્ણય જ નહીં હોય, પરંતુ તુલસીદાસ જેવા સંતને  અપાયેલું સન્માન અને ન્યાયપૂર્ણ પગલું પણ હશે. વિનોબાજીએ કહેલું કે મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. જેમાં રામ, સીતા, હનુમાન કે ધર્મરાજ, કૃષ્ણ અથવા ભીષ્મ જેવાં ચરિત્રોએ આખા ભારતીય જીવનને હજારો વર્ષો સુધી મંત્રમુગ્ધ કરી રાખ્યું છે. આ શાસ્ત્રોએ લોકજીવનમાં મધુર નીતિઓનું સિંચન કર્યું છે. રામાયણ એ સંદર્ભમાં અનુપમ નીતિકાવ્ય છે, તો મહાભારત એક વ્યાપક સમાજશાસ્ત્ર છે. આચાર્ય રામચંદ્ર શુક્લ કહે છે કે રામચરિત માનસમાં તુલસીદાસ એક ધર્મોપદેશક અને નીતિકારના સ્વરૂપમાં ભારત સમક્ષ પ્રસ્તુત થાય છે. 
  આ અર્થમાં “માનસ” ચારેય પુરુષાર્થનું અમૃતમય સ્વરૂપ છે, રામભક્તિની શ્રદ્ધાની સરયૂ અને ભક્તિની ભાગીરથી છે, સાચા અર્થમાં  “માનસ” શાશ્વત જીવન મૂલ્યોનો આકાશદીપ છે. દરેક સંસ્કૃતિ પાસે પોતાના શાશ્વત નિયમો, ઉપનિયમો અને પરંપરાઓ હોય છે, આપણે ત્યાં તુલસીદાસજીએ સાંસ્કૃતિક પરંપરાઓ માટે “માનસ”ને એક આધારશીલા તરીકે અર્પણ કર્યું છે. તુલસીદાસજી માટે અગ્નિ પુરાણનો શ્લોક ટાંકીને તેઓ કહે છે: નરત્વં દુર્લભં લોકે, લોકે વિદ્યા સુદુર્લભા । કવિત્વં દુર્લભં તત્ર શક્તિસ્તત્ર સુદુર્લભા ।।  

  તુલસીદાસજી પાસે આ ચારેય વિભૂતિઓ ભારતીય સમાજના હિત માટે ઉપલબ્ધ હતી. અને તેનો ઉપયોગ તેઓએ ‘સર્વજન હિતાય’ કર્યો હતો.
  હિન્દી સાહિત્યના દીપસ્તંભ સમાન આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીએ “માનસ”ને સમન્વયનો મહાગ્રંથ કહ્યો છે. તેઓ લખે છે કે “તુલસીદાસજીનું આ મહાકાવ્ય સમન્વયની એક વિરાટ ચેષ્ટા છે. જેમાં લોક અને શાસ્ત્રનો સમન્વય, ગાર્હસ્થ્ય અને વૈરાગ્યનો સમન્વય, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય, ભાષા અને સંસ્કૃતિનો સમન્વય, નિર્ગુણ અને સગુણનો સમન્વય, કથા અને તત્ત્વજ્ઞાનનો સમન્વય, બ્રાહ્મણ અને ચાંડાલ આદિનો સમન્વય છે. “માનસ” શરૂઆતથી અંત સુધી સમન્વયનું મહાકાવ્ય છે.”

  જે દલિતોના અપમાનની વાત કરીને વામપંથીઓ પ્રજાને વિભાજિત કરવાનો એજન્ડા ફેલાવે છે તેમને તુલસીદાસજીએ પહેલેથી જ જવાબ આપી દીધો છે કે “લોક કહે પોચ સો ન સોચ ન સંકોચ મેરે, બ્યાહ ન બરેખી જાતિપાંતિ ન ચાહત હોં!” ટૂંકમાં, મેરે લિયે જાતિ પાંતિ કોઈ માયને નહીં રખતી!

  ડૉ.જગદીશ શર્માએ “માનસ” અધ્યયન પછી લખ્યું છે કે તુલસીદાસજીના  સમયમાં જ તેમને માટે અનેક ભ્રમણાઓ ફેલાવાઈ રહી હતી, અને તેનાથી આહત થઈને તેમણે પોતાના આગવા અંદાજમાં જબરદસ્ત જવાબ આપ્યા છે. પોતાના એક સવૈયામાં તેઓ કહે છે કે “ધૂત કહૌ અવધૂત કહૌ, રજપૂત કહૌ, જુલાહા કહૌ કોઉ, કાહૂ કી બેટી સોં બેટા ન બ્યાહબ, કાહૂ કી જાતિ બિગાર ન સોઉ, તુલસી સરનામ ગુલામુ હૈ રામ કો, જાકો, રુચૈ સો કહૈ કછુ ઓઉ, માંગી કે ખૈબો મસીત કો સોઈબો, લૈબો કો એક ન દેબે કો દોઊ.” (કોઈ મને ધૂર્ત કહે, કોઈ પરમહંસ કહે, કોઈ રાજપૂત કહે, કોઈ વણકર કહે, મારે તો કોઈની દીકરી સાથે મારા દીકરાનો વિવાહ કરાવવાનો નથી, ન તો કોઈ સાથે સંપર્ક રાખીને તેની જાતિને નીચી પાડવી. હું તો શ્રીરામનો પ્રસિદ્ધ ગુલામ છું. જેને જે ફાવે તે કહે, મારે તો માગીને ખાવું ને મંદિરમાં સૂવું. આ સિવાય કોઈ જરૂર નથી. એટલે મારે તો કોઈ સાથે લેવા કે દેવા નથી.)
  દલિતોનું અપમાન એ જ માત્ર રામચરિત માનસનો હેતુ હોય તેવું નકારાત્મક ચિત્ર ઊભું કરનાર માટે એ પણ કહી દેવાનું કે તેમણે ભક્તહૃદય ભીલ ગૂહરાજ કે આદિવાસી ભક્તિમતી માતા શબરીના પણ ગુણગાન ગાવામાં કોઈ કસર છોડી નથી, તો સામે કોઈ જાતિગત બ્રાહ્મણને જોઈને પણ તેમનું નીતિમય હૃદય પોકારી ઊઠયું છે કે બ્રાહ્મણ હોવા છતાં વેદ ધર્મવિહીન છે કે પછી “વિપ્ર નિરક્ષર લોલુપ કામી, નિરાચાર સઠ વૃષલી સ્વામી..” જો જન્મગત બ્રાહ્મણ પણ લોલુપ છે, કામી છે, આચારહીન ને શઠ છે, તો તે સાચા અર્થમાં ધર્મવિહીન છે.

  ટૂંકમાં કહેવાનું એટલું જ કે જે રામાયણે ઔરંગઝેબના કાતિલ અત્યાચારો સમયે ઉત્તર ભારતથી પશ્ચિમ ભારત સુધીના વિશાળ પ્રજાસમૂહને જે સુકુન, જીવનશક્તિ અને શ્રદ્ધાથી બેઠો કરી દીધો હતો, તે “માનસ”માં ઊતરવા માટે હંસના ગજા જોઈએ. બાકી જેને દુર્ગંધ જ શોધવી હોય, તે માખી બને તેમાં બીજા કોઈ કરે પણ શું? “માનસ” પ્રેમીભક્તોને જરા એટલું કહેવાનું કે આવા હજારો ચંદ્રશેખરો અને સ્વામીપ્રસાદો  આવી આવીને કાળની ગર્તામાં શાશ્વત વિલીન થઈ જાય છે. કારણ કે તે રકાબીમાં આવેલું પૂર છે. કાલદેવતા જરા ઘૂંટડો ભરે એટલી જ વાર!
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.