• ધ્યેય સ્પષ્ટ હોય તો મંઝીલ હાંસલ કરવામાં સમય અને ઉંમર નડતા નથી : નિતેશ શાહ 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 09:21 AM
    • વર્ષ 2017માં હું ઇલારા કેપિટલ કંપનીના બોર્ડમાં પાર્ટનર તરીકે જોડાયો હતો
    • રોકાણ નાનુ હોય કે મોટું દરેક વ્યક્તિએ આ માટે પ્રોફેશનલ સલાહ લેવી જરૂરી છે
    અમદાવાદ

    જો તમારો ધ્યેય સ્પષ્ટ હોય તો મંઝીલ હાંસલ કરવામાં સમય અને ઉંમર નડતા નથી એવું નિતેશ શાહે જણાવ્યું હતું. 

     ઇલારા કેપિટલ- વેલ્થના સીઇઓ અને પાર્ટનર નિતેશ શાહે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર કોલકાતામાં થયો છે. મેં બીકોમ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને એમબીએ ફાઇનાન્સ કર્યું છે. આ ઉપરાંત આઈઆઈએમ અમદાવાદમાંથી 20 દિવસનો રેસીડેન્શીયલ કોર્સ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈડીપીનો કોર્સ કર્યો છે. મારા પિતા સ્વ.વિનયચંદ્ર ગોપાલજી શાહ વર્ષ 1953માં શિપિંગ લાઇનમાં કામકાજ માટે કોલકાતા શિફટ થયા હતા.જોકે, અમારું વતન લિંબડી છે. મેં 16 વર્ષે કાૅલેજમાં અભ્યાસની સાથે કોટન હોઝીયરી ફર્મમાં કામ શિખવાની શરૂઆત કરી હતી. ત્યાં મેં છ વર્ષ કામ કર્યું હતું જોકે, મારું ફોક્સ પહેલેથી શેરબજાર હોવાથી વર્ષ 1992માં શેરબજારનું કામ કરતી કંપનીમાં હું જોડાયો હતો. તે વખતે મેં શેરબજારમાં પ્રથમ રોકાણ રૂ.12 હજારનું કર્યું હતું અને ત્રણ ગણો નફો કમાયો હતો. વર્ષ 1995માં મેં કોલકાતા છોડયું અને કોટક મહિન્દ્રામાં એક્ઝીક્યુટીવ તરીકે જોબ મળતા અમદાવાદ શિફટ થયો હતો અને વર્ષ 2014 સુધી અત્રે કામ કર્યું હતું ત્યારે હું એકઝીક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ હતો. કોટક મહિન્દ્રામાં હું જોડાયો ત્યારે સિક્યુરીટીમાં ઇક્વિટી બિઝનેસનો પ્રથમ કર્મચારી હતો. ગુજરાતમાં બિઝનેસ સેટઅપ કર્યો, નવા ક્લાયન્ટસ અને બિઝનેસ કરવાની મારી જવાબદારી હતી. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2001માં રીટેલ એક્સપાન્સન ચાલુ કર્યું હતું, ગુજરાત હેડ બન્યો અને આઠ શહેરોમાં  શાખાઓ અને રાજ્યમાં 100થી વધુ ફ્રેન્ચાઇઝી શરૂ કરી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ગોવા અને છત્તીસગઢની જવાબદારી પણ સંભાળી હતી. વર્ષ 2008માં ઓલ ઇન્ડિયા કોમોડિટી બિઝનેસ હેડ બન્યો હતો. વર્ષ 2009માં શેરબજારમાં નવા ઇસ્યુના ડિસ્ટ્રીબ્યુશન માટે ઓલ ઇન્ડિયા હેડ બન્યો હતો. વર્ષ 2014માં મુંબઈમાં બદલી થયા બાદ મેં રાજીનામુ આપ્યું હતું કારણ કે મારે વેલ્થ મૅનેજમેન્ટમાં કામ કરવું હતું. ક્લાયન્ટસને એસેટ એલોકેશન અંગે માર્ગદર્શન આપવાનું મેં પોતાનું કામ શરૂ કર્યું હતું. ત્રણ વર્ષમાં બિઝનેસ સેટઅપ કર્યો જેમાં પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ, મ્યુચ્યુઅલ ફંડ, નવા ઇસ્યુ લાવવાનું કામ, કેપિટલ માર્કેટમાં ક્યુઆઇપી થકી નાણા ઊભા કરવાનો સમાવેશ થતો હતો. આ કામમાં મને ઇલારા કેપિટલ કે જે એફઆઇઆઇ છે તેણે સાથ આપ્યો હતો. વર્ષ 2017માં હું ઇલારા કેપિટલ કંપનીના બોર્ડમાં પાર્ટનર તરીકે જોડાયો હતો. અમારી કંપનીની અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં આૅફિસ છે. લંડનમાં હેડ આૅફિસ છે અને એ ઉપરાંત સિંગાપોર, દુબઈ, ન્યૂ યોર્ક અને મોરેશિયસમાં આૅફિસ આવેલી છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં હું ફેમિલી આૅફિસ મેનેજ કરવી, આંતરરાષ્ટ્રીય સ્તરે એલઆરએસ રૂટ દ્વારા રોકાણમાં મદદ કરવી, વેલ્થ મૅનેજમેન્ટ, પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલનું કામ કરવા ઇચ્છું છું. રોકાણ નાનુ હોય કે મોટું આ માટે પ્રોફેશનલ સલાહ લેવી જરૂરી છે. મારા પરિવારમાં માતા સ્વ.પુષ્પાબહેન, પત્ની ક્રિના જે ગૃહિણી છે, દીકરીઓ હાર્દિ શાહ સીએ ફાઇનલ યરની સ્ટુડન્ટ છે અને બ્રિન્દા શાહ બીબીએ- એમબીએનો અભ્યાસ કરી રહી છે. બન્ને દીકરીઓ કેપિટલ માર્કેટમાં કેરીયર બનાવવા માંગે છે અને તેઓને રીસર્ચમાં રૂચી છે. 

    જીવનમાં આવેલા પડકારો વિશે તેમણે જણાવ્યું કે વર્ષ 2014માં મેં હાઇ પ્રોફાઇલ જોબ છોડયા બાદ એવો સમય આવ્યો કે નિર્ણય સાચો લીધો કે નહિ એ અંગે શંકા ગઇ હતી અને એ સમય મુશ્કેલ હતો. હું જીવનમાં એક મંત્રને અનુસરું છું ‘‘ધેર ઈઝ નો ગેઈન વિધાઉટ પેઈન.’’ મને ક્રિકેટ રમવાનો શોખ છે, વાંચન અને વર્ષમાં એક વાર પરિવાર સાથે ટ્રાવેલિંગ કરું છું. હું ટોચની યુનિવર્સિટીઓમાં મૅનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે કેપિટલ અને ડેરીવેટીવ માર્કેટ વિષય પર ગેસ્ટ લેકચર લઉં છું. હું જિટો બિઝનેસ નેટવર્કના ચેપ્ટર હેડ અને જિટો પ્રોફેશનલ ફોરમ ગુજરાત ઝોનના કો કન્વીનર તરીકે ફરજ બજાવું છું. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!