• આદ્ર હૃદયે પોકાર કરવાથી પરમાત્મા અવશ્ય સાંભળે છે
    આર્ટિકલ 3-12-2022 02:24 PM
    લેખક: ફાલ્ગુની વસાવડા
    હે ઈશ્વર.
    આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. વોટ.. સો વોટ.. એમ કરીને ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું, અને જેમ લાગતું હતું કે આ વખતે લોકો‌ નિરસતા દેખાડે છે, પરંતુ પ્રમાણમાં મતદાન 59% એટલે કે સારું જ થયું કહેવાય, અને લોકોની જાગૃતિ બદલ એમને ધન્યવાદ કહેવું પડે. લોકોએ હક કે અધિકારની બદલે ફરજ અને કર્તવ્ય રૂપે મતદાન કર્યું, એ પણ ઘણી સારી વાત કહેવાય. આમ પણ અન્ય પ્રજાની સરખામણીમાં ગુજરાતની પ્રજા ઉત્સાહી ખરી! એટલે કે એને જીવનમાં કંઈક કારણ જોઈએ પછી તે ધાર્મિક હોય, સામાજિક હોય, કે રાજકીય હોય, એ એને ઉત્સાહ થી જ ઉજવે! ટૂંકમાં જીવન જીવવા માટે છે એવો એક મર્મ એના જીવનમાં જોવા મળે. અન્ય રાજ્યોની પ્રજા કર્મપ્રધાન, અને ધર્મ પ્રધાન ભૂમિકામાં જીવે. જ્યારે ગુજરાત એ રીતે રંગીલુ કહી શકાય, કે જે થવાનું હોય એ સમયે થઈને જ રહેશે! એવી પણ એક વિચારધારા ગુજરાતીઓની ખરી.મરના લગા રહેગા, અબ જી તો લીજીયે! જોકે આવું વિચારવું એ કંઈ ખોટી વાત નથી, પરંતુ અધિકતમ ભોગ અને પોતાના પ્રત્યેનો લગાવ કે મમતા એ એને અનાચરણ પણ કરાવી જાય! ત્યારે નિષ્ઠા ડગમગી જાય, નીતિ ચૂકાઈ જાય! બસ આ વાતનો ખ્યાલ રાખવામાં આવે તો બહુ વાંધો ન‌ આવે. આપણે ગઈકાલે વાત કરી હતી કે ભક્તિ પરાકાષ્ઠા એ પહોંચે તો એ જ્ઞાન તરફ દોરી જાય છે, અને જ્ઞાન પણ પરિપક્વ થતા ભક્તિ તરફ દોરી જાય છે. ભગવાન બુદ્ધ ની જન્મ તિથી પણ વૈશાખ સુદ પૂર્ણિમા છે, અને નરસિંહની જન્મતિથી પણ વૈશાખ સુદ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ આપણે સૌ જાણીએ છીએ એમ બ્રહ્મ જ્ઞાની હતાં અને નિર્વાણ માટે એમની સાધના રહી! એટલે એમ કહી શકાય કે ભક્તિનાં પહેલુંથી અજાણ રહ્યા હોવાથી એમણે જ નરસિંહ સ્વરૂપે જન્મ લીધો! ટૂંકમાં જ્ઞાન અને ભક્તિ એ બંને રીતે ઈશ્વર તત્વની પ્રાપ્તિ થાય છે, અને અંતે તો બંને છેડા એક જ ચરણોમાં મળે છે! આપણે ત્યાં વિવિધ રીતે સાધકોને અધ્યાત્મ પ્રેરિત કરાતા હોય છે, અને એવી જ એક પરંપરા બાઉલની પણ રહી. હમણાં એક ગ્રુપ અંતર્ગત એનો એક સુંદર મેસેજ હતો તો ચિંતનમાં એને વિશે વાત કરીશું.

    મૂળમાં આ બાઉલ સંપ્રદાય એટલે બંગાળમાં પ્રચલિત એક ભિક્ષુ સંપ્રદાય. આ સંપ્રદાયના અનુયાયી સાધકો બંગાળનાં ગામોમાં ગીત ગાઈને જીવન ગાળનારા હિંદુ તથા મુસલમાન બંને પ્રકારના હોય છે. તેઓ કાપડના ટુકડાઓ સાંધીને શરીરને ઢાંકે છે, બંગાળી ભાષા બોલે છે અને બંગાળી ભાષામાં રચેલાં દિવ્ય પ્રેમનાં ગીતો ગાય છે.

    હકીકતમાં ‘બાઉલ’ શબ્દ ‘વાતુલ’ પરથી આવ્યાની એક માન્યતા છે. ‘વાતુલ’નો અર્થ પાગલ અથવા અમુક પ્રકારનું રટણ એટલે કે “વાતોડિયો” પણ કરવામાં આવે છે. તેઓ જીવન વ્યવહારને ગણકારતા નથી, અને પાગલની જેમ, અલગારીની રીતે જીવે છે. બીજી માન્યતા ‘બાઉલ’ના મૂળમાં વ્યાકુળ શબ્દ હોવાની છે. તેઓ ‘મનેર માનુષ’ એટલે માનવદેહ અને મનમાં વધુ આસ્થા રાખી તેને આદર્શ બનાવવા વ્યાકુળ હોય છે. તેઓ વાળ વધારે છે અને ઝોળી, લાકડી અને તુંબીપાત્ર લઈ ફરે છે. બાઉલ સંપ્રદાયના અનુયાયીઓ સમાજના નીચલા ગણાતા સ્તરમાં જન્મેલા અને નિરક્ષર હોય છે. હિંદુ બાઉલો ચૈતન્યના વૈષ્ણવ સંપ્રદાયના અને પ્રેમલક્ષણા ભક્તિ ધરાવનારા હોય છે; જ્યારે મુસલમાન બાઉલો સૂફી પંથને અનુસરનારા હોય છે. હિંદુ બાઉલ હિંદુ જેવો અને મુસલમાન બાઉલ મુસલમાન જેવો પોશાક પહેરે છે.

    એકવાર એક સાધક એનાથી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા બાઉલ સાધુ સંત પાસે જાય છે, અને ઈશ્વર વિશે કે બ્રહ્મજ્ઞાન વિશે જાણવાની ઇન્તઝારી બતાવે છે. બાઉલ સાધુ એની માનસિકતા પારખી જાય છે, અને હજી પરિપક્વતામાં ઉણપ છે! એવું દેખાતા એને કોબીજ ના ઢગલા પાસે લઈ જાય છે અને કહે છે કો બીજ એટલે કે આમાંથી બીજ કાઢીને બતાવ! આમ કહી પેલાં બાઉલ સાધુ ચાલ્યા જાય છે!  પેલો બાઉલ સાધક એક પછી એક કોબીજના પાંદડા કાઢતો જાય છે! પરંતુ એમાંથી બીજ નીકળતું નથી! એક ઢગલો પૂરો થયો અને આમને આમ ત્રણ માસ સુધી એ બાઉલ સાધકે કોબીજ ના પાન કાઢ્યા ત્યારે તેને સમજાયું કે સાધુ મહાત્મા એમ કહેતા હતા કે કો બીજ? એટલે કે તારું બીજ ક્યાં છે?અને તત્વતઃ પ્રશ્ન સમજાઈ જતાં એ કો બીજ! કો બીજ! એમ કરી નાચવા લાગ્યાં! 

    મનુષ્યનું બીજ એટલે કે પ્રાણ એ આત્મા છે! અને તારો આત્મા તારા શરીરથી મુક્ત છે! કે શરીર સાથે એટલે કે ભોગ સાથે ઓતપ્રોત થઈ ગયેલો છે? આવો એક સીધો સાદો સવાલ સાધુ મહાત્માનો હતો. પરંતુ એને સમજતા એ સાધકને ત્રણ માસ થયાં! એ બાઉલ સાધુ તો એટલી ઊંચાઈએ પહોંચેલા હતાં. પરંતુ આપણે સ્થૂળ ભૂમિકાએ આ ઘટનાને જોઈએ તો સંસારમાં ઘટતી દરેક ઘટનાઓમાં કોઈ એવું તથ્ય હોતું નથી, છતાં આપણે એની આળપંપાળ માં પડ્યા રહીએ છીએ, અને કોબીજના પાંદડા કાઢવા એટલે કે એનું ખોટે ખોટું વિશ્લેષણ કરી સમયની બરબાદી કરતા હોઈએ છીએ. આ એક સર્વ સામાન્ય સર્વેક્ષણ છે, અને દરેક માનવીની ઓછેવત્તે અંશે આવી જ માનસિકતા છે. એટલે જ આપણે ત્યાં કહેવત પણ છે કે મરેલા મડદાં શું કામ ઉખાડવા!;
    આપણી ભૂલ ત્યાં થાય છે કે આપણે પ્રાણ તત્વ એવા આત્માને બીજ માનવાની બદલે, મનને બીજ માની લઈએ છીએ, અને મન કહે એમ કરવામાં આત્મ સંદેશ કે આત્મવાણી સંભળાતી નથી, અને જીવન પતનની તરફ ક્યારે જતું રહે છે એનો ખ્યાલ રહેતો નથી. આ ઉપરાંત મનની એક ખાસિયત એ છે કે એની જેટલી આળપંપાળ કરીએ એમ એ વધુને વધુ ચંચળ બને છે અને વારંવાર જુદી જુદી ઈચ્છાઓ વ્યક્ત કરે છે! એક પૂરી થઈ ત્યાં બીજી આમ આ ઈચ્છાઓ પૂરી કરવાના ચક્રવ્યુમાં બીજું કંઈ વિચારી શકાતું નથી! 

    આપણે તો એ સંપ્રદાય વિશે બહુ જાણતા નથી,પણ કહેવાય છે કે આવી કેટલીય બાઉલ કથા ઓ છે. ટૂંકમાં ગીત ગાઇને પરમાત્મ તત્વની પ્રાપ્તિ કે અનૂભૂતિ કરવી! તો નરસિંહ અને મીરા એ બંને પણ પ્રેમ લક્ષણા ભક્તિથી ઈશ્વરત્વને પ્રાપ્ત કર્યું હતું. પુકારમાં પરમાત્માને પોતાની તરફ જોવા માટે મજબૂર કરવાની તાકાત રહેલી છે, અને એટલે જ આપણે ત્યાં પ્રાર્થનાનો પ્રકલ્પ પણ છે. વિકટ પરિસ્થિતિમાં અંતર મનથી આદ્ર ભાવે ઈશ્વરને પોકારવામાં આવે તો, એ કોઈને કોઈ રૂપે આવી જરૂર મદદ કરતો હોય છે, અને એ આપણા સૌનો અનુભવ પણ છે. પણ જેવી પરિસ્થિતિ સમ થાય આપણે એ ભૂલી જતા હોઈએ છીએ. ચાહે બુદ્ધ ને સ્મરીએ, નરસિંહને ગાઈએ, કે બાઉલ સંપ્રદાય ના તથ્ય ને યાદ રાખીએ! પણ મૂળમાં આપણું બીજ આત્મા છે! અને એને પોષણ આપવાથી જ આપણો ઉદ્ધાર છે! એ વાત સૌ પોતાની ગાંઠે બાંધી અને જીવન જીવે તો જીવન પ્રમાણમાં સમતાથી જીવાય. સાંપ્રત સમયમાં માનવીય માનસિકતાનું પતન એટલી હદે વધી ગયું છે, કે કોઈને કોઈ રીતે વળી પાછા આપણી સંસ્કૃતિ તરફ પાછા ફરાતું હોય તો એ બોધ લઇ લેવો, એમાં જ આપણું અને આપણા સમાજનું હીત સમાયેલું છે. આવતીકાલે ગીતા જયંતી છે, અને ભગવાન યોગેશ્વર એ પોતાના મુખે માનવીએ કઈ રીતે જીવવું જોઈએ એનું 700 શ્લોકમાં ખુબ સુંદર રીતે વિવેચન કરેલું છે! તો આપણે પણ આવતીકાલે ચિંતનમાં ગીતાજી વિશે જ વાત કરીશું, અને ગીતાનો‌ બોધ ગ્રહણ કરી જીવનને નવેસરથી સ્થાપિત કરી, અર્જુન જેમ ધર્મ સ્થાપના માટે કટિબદ્ધ થઇ શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.   {
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!