• વેફર્સની દુનિયામાં ગુજરાતી સ્વાદ-સોડમનો રાજા ‘બાલાજી વેફર્સ’
    સક્સેસ સ્ટોરી 7-10-2022 01:53 PM
    • 55થી વધુ પ્રોડક્ટ્સનું ઉત્પાદનઃ ભારતના 11થી વધુ રાજ્યો અને વિશ્વના 25થી વધુ દેશમાં વેફર્સ અને નમકીનની થાય છે નિકાસ
    • સામાન્ય ખેડૂત પરિવારના ત્રણ પુત્રોએ સહિયારા પ્રયાસથી સાદી વેફર્સ બનાવી વેચવાની શરૂઆત કર્યાં બાદ 2008 સુધીમાં એશિયાનો સૌથી મોટો  પ્લાન્ટ સ્થાપ્યો
    • જેની સફળતાએ એટલો શોર મચાવ્યો કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજની યુવા પેઢી માટે બાલાજી વેફર્સ એ જીવનમાં કાયમી શબ્દ બની ગયો, બાલાજી વેફર્સ સમગ્ર ભારતમાં  બટાકા વેફર્સ અને નમકીન સેગમેન્ટમાં બીજા ક્રમે  છે
    રાજકોટ

    ગુજરાતી પરિવાર નાસ્તો કરવા બેસે અને તેમા બાલાજી વેફર્સની કોઈ પ્રોડ્ક્ટ ન હોય તેવું ભાગ્યે જ બને. કહેવાનો મતલબ એ છે કે દરેક ગુજરાતીઓ માટે બાલાજી વેફર્સ, નમકીન કાયમી જોડાઈ ગયું છે. આજે બાલાજી વેફર્સની સફળતા બુલંદીઓ પર છે. પરંતુ આ સફર ઘણા સંઘર્ષ સાથેની રહી છે. અનેક અડચણો, મુશ્કેલીઓને પાર કરીને આજે માત્ર ગુજરાત નહીં દેશ અને વિશ્વમાં બાલાજી એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. બાલાજી વેફર્સની અત્યાર સુધીની સફર અંગે આ પરિવારના સભ્ય મિહિર વિરાણીના જણાવ્યા મુજબ પરિવારના સામુહિક પ્રયાસથી શક્ય બન્યું છે. સામાન્ય ખેડૂત પરિવારના ત્રણ પુત્રોએ સહિયારા પ્રયાસથી સાદી વેફર્સ બનાવીને વેચવાની કરેલી શરૂઆત બાદ 2008 સુધીમાં એશિયાનો સૌથી મોટા પ્લાન્ટની સ્થાપના કરી છે. વેફર્સની દુનિયામાં ગુજરાતી સ્વાદ-સોડમનો રાજા ‘બાલાજી વેફર્સ’ આજે સમગ્ર ભારત સહિત વિશ્વના 25 દેશમાં નિકાસ થઈ રહી છે. બાલાજી વેફર્સ સમગ્ર ભારતમાં બટાકા વેફર્સ અને નમકીન સેગમેન્ટમાં બીજાક્રમે  છે. કંપની આજે વેફર્સ, નમકીનમાં 55થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે.

    બાલાજી વેફર્સઃ શૂન્યમાંથી વિશાળ વટવૃક્ષ સુધીની સફર
    મિહિર વિરાણીના જણાવ્યા મુજબ બાલાજી વેફર્સની શરૂઆત શૂન્યમાંથી થઈ છે. વિરાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ધૂનધોરાજી ગામનો વતની છે. મિહિર વિરાણીના દાદાને ગામમાં થોડી જમીન હતી. 1972માં તેમના દાદાએ આ જમીન વેચતા 20 હજાર રૂપિયા આવ્યાં હતા. આ પૈસા તેમના ત્રણ દીકરા ભીખુભાઈ વિરાણી, ચંદુભાઈ વિરાણી અને કનુભાઈ વિરાણીને આપી દીધા હતા. આ પૈસાથી ત્રણેય પુત્રોએ રાજકોટમાં ખેતીના ઓજારોનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ અનુભવ ન હોવાથી તેમાં નુકસાન થયું હતુ. બાદમાં એક બોર્ડિંગમાં મેસમાં રસોઈનું કામકાજ રાખ્યું અને પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું હતુ. દરમિયાન રાજકોટમાં 1974માં એસ્ટ્રોન સિનેમા શરૂ થઈ. વિરાણી ભાઈઓને કેન્ટીનમાં કામ મળ્યું. કેન્ટીનના કામ ઉપરાંત તમામ કામ કરતા હતા. સફાઈ, ટિકિટ કાઉન્ટર પર બેસવાનું, ગાર્ડ સહિતના ખંતથી કરી રહેલા કામથી સિનેમાના માલિક ખુશ હતા. 1976માં કરાર પર એસ્ટ્રોન સિનેમાની કેન્ટીન ચલાવવાની ઓફર કરી અને  વિરાણી બંધુઓએ આ ઓફર સહર્ષ સ્વીકારી ધંધો શરૂ કર્યો હતો.

    એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં તેઓએ ચિપ્સ, નમકીન, સોફ્ટ ડ્રિંક્સ વગેરે વેચવાનું શરૂ કર્યું હતું. કેન્ટીનમાં વેફર્સ સૌથી વધુ વેચાતી હતી. વિરાણી ભાઈઓ સાથે મળીને વેફરના વેચાણમાંથી વધુ નફો મેળવવાનું વિચારવાનું શરૂ કર્યું. તે સમયે તેઓ વેફરના પેકેટ ખરીદીને વેચતા હતા. ચંદુભાઈ અને તેમના મોટા ભાઈ ભીખાભાઈએ છૂટક વેફર ખરીદવા અને તેને પેકેટમાં વેચવાની યોજના બનાવી, જે સફળ થઈ અને તેઓને પહેલા કરતા વધુ નફો પણ થયો.

    નફો વધારવા કેન્ટીનના મેન્યુમાં સેન્ડવિચનો પણ સમાવેશ કર્યો જેનાથી નફામાં થોડો વધારો થયો હતો. 1982માં ઘરે સેન્ડવિચ પકાવવાની નાની ભઠ્ઠી બનાવી અને સાથે બટાકાની ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું હતુ. ચિપ્સ બનાવવાની જવાબદારી ચંદુભાઈએ સંભાળી હતી.એક રસોઈયાને સાથે રાખી કામ શરૂ કર્યું હતું. ઘરે તૈયાર કરેલી વેફર્સનું નામ પણ બાલાજી આપી દેવામાં આવ્યું હતુ. કેન્ટીન અને અન્ય દુકાનોમાં મોપેડ ઉપર જઈને બાલાજી વેફર્સની સપ્લાઈ શરૂ કરી હતી. શરૂઆતમાં સમયે પેમેન્ટ મળી ના મળે છતાં ધંધો ઈમાનદારીથી શરૂ રાખ્યો હતો. હવે ધીમે ધીમે બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને ગમવા લાગ્યો અને પરિણામે માગમાં વધારો થવા લાગ્યો હતો. મિઠાઈના વેપારીઓ વેફર્સ લેવા માંડ્યા અને ગ્રાહકોમાં વધારો થવા લાગ્યો હતો. હવે સમયસર સપ્લાય કરવા માટે લોન પર ટેમ્પો લીધો

     ‘બાલાજી વેફર્સ ‘ ક્રન્ચી અને સ્વાદિષ્ટ હતા. તેનો સ્વાદ ટૂંક સમયમાં જ ગ્રાહકોમાં પ્રવેશી ગયો અને પરિણામે તેની માંગ વધવા લાગી. જેમ જેમ ગ્રાહકોની માંગ વધી, તેમ તેમ ‘ બાલાજી વેફર્સ’નો પુરવઠો લેતા દુકાનદારોની સંખ્યા પણ વધવા લાગી. હવે મોપેડ પર વેફર્સ સપ્લાય કરવાનું મુશ્કેલ બન્યું છે. તેથી પ્રથમ રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં માંગ વધુ વધતાં ટેમ્પો લોન પર લેવામાં આવ્યો હતો.

    1982થી 1989 સુધી ધંધામાં તેજીનો માહોલ હતો પરંતુ નફો બહુ થતો ન હતો. બાદમાં બેન્કમાંથી લોન લઈને આજી જીઆઈડીસીમાં 1000 ચોરસ મીટરનો પ્લોટ ખરીદ્યો હતો અને ત્યાં પ્લાન્ટની સ્થાપના કરી હતી. આ સાથે સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

    વર્ષ 1992 બાદમાં વિરાણી પરિવારના દીકરી ભાવનાબેન યુકે સ્થાયી થયા હોવાથી ભીખુભાઈ લંડન ગયા અને વેફર્સ બનાવવાના ઓટોમેટિક મશીન અંગે જાણકારી મેળવી હતી. બાદમાં 40 લાખના ખર્ચે પુણેની મેથર એન્ડ પ્લેટ કંપની પાસેથી મશીનની ખરીદી કરી હતી. બાદમાં મશીન ચાલ્યું જ નહીં અને ત્રણે ભાઈઓને ટેકનીકલ નોલેજ ન હોવા છતાં કોઠાસૂઝથી મશીન ચાલુ કર્યું. 1995માં અલગ અલગ દેશોમાંથી સારી મશીનરી ઇમ્પોર્ટ કરી ઓટોમેટિક પ્લાન્ટની સ્થાપના કરી. દરમિયાન આ સેક્ટરમાં અન્ય કંપનીઓએ પણ ભારતીય બજાર પર કબજો જમાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

    આ સમયમાં હરીફાઈ વચ્ચે બાલાજી વેફર્સ અડગ રહી હતી. સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવના કારણે ગ્રાહકોમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક 20-25%ના વિકાસ દરે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે. 1999માં 2000 કિગ્રા પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતાનો ઓટોમેટિક પ્લાન્ટ અને 2003માં 5000 કિગ્રાની ક્ષમતા સાથે રાજકોટ ખાતે FMC પોટેટો પ્રોસેસિંગ મશીનરી (PPM) સ્થાપિત કરવામાં આવી હતી.

    બાલાજી વેફર્સને વધુ આગળ લઈ જવા નમકીનને ધંધામાં સામેલ કરવાના વિચાર  આવતા ફરાળી ચેવડો, ચણાદાળ સહિતથી શરૂઆત કરી હતી. બાદમાં  સીંગ ભુજિયાનો ઉમેરો કર્યો હતી. ભુજિયા સંપૂર્ણપણે ભારતીય ઉત્પાદન હતું. તવાથી શરૂઆત કરી. પરંતુ ઓટોમેટિક પ્લાન્ટના વિચાર સાથે ઓસ્ટ્રેલિયાની એક કંપનીને કામ અપાયું અને એક એન્જિનિયરે તેને પડકાર તરીકે લીધો અને ભુજિયા બનાવવા માટે ઓટોમેટિક મશીન બનાવ્યું હતું.

    નમકીનના ક્ષેત્રમાં પગ મૂક્યા પછી, સેવ, ચણાની દાળ, વટાણા તેમજ સીંગ ભુજિયા સહિત તમામ પ્રકારની નમકીન વેચવાનું શરૂ કર્યું. સ્વાદ અને ગુણવત્તા તેમજ પોષણક્ષમ ભાવે બાલાજી વેફર્સને આકરી સ્પર્ધામાં પણ જીવંત રાખી છે. બાલાજી વેફર્સ પાસે રાજકોટ ઉપરાંત વલસાડ અને ઈન્દોર પ્લાન્ટમાં બટાકાની ચિપ્સ અને નમકીન બનાવવાની ક્ષમતા સાથે ત્રણ ઉત્પાદન પ્લાન્ટ છે. તેમની પાસે 1250થી વધુ ડિલર્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. બાલાજી વેફર્સ જાણીતી અન્ય કંપનીઓ જેવી મોટી બ્રાન્ડ્સને સખત સ્પર્ધા આપી રહી છે. બાલાજી નમકીન ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટકા, છત્તીસગઢ જેવા અનેક રાજ્યોમાં સારો એવો કબજો ધરાવે છે.

    ઉત્તર પ્રદેશમાં બનાવવા જઈ રહી છે નવો પ્લાન્ટ
    ઈન્દોરમાં ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો. હવે બીજો પ્લાન્ટ ઉત્તરપ્રદેશમાં કાનપુર-લખનઉ નજીક બનાવવા વિચાર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કંપની દ્વારા 100 એકરની વિશાળ જગ્યામાં અંદાજીત 600 થી 700 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવવા વિચાર ચાલી રહ્યો છે.

    યુકે, USA, કેનેડા સહિત 25થી વધુ દેશમાં નિકાસ
    બાલાજી વેફર્સ નામ કે પ્રોડક્ટ માત્ર ગુજરાત કે ભારત પુરતી મર્યાદિત ન રહેતા આજે વિશ્વના દેશમાં પણ પહોંચી છે. યુકે, યુએસએ, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા સહિતના 25થી વધુ દેશમાં વેફર્સ, ચિપ્સ અને નમકીન સહિતની નિકાસ થઈ રહી છે.

    એક લાખથી વધુ ખેડૂતો પાસેથી બટાકાની ખરીદી
    બાલાજી વેફર્સ આજે ઉત્તર ગુજરાત સહિતના 1 લાખથી વધુ ખેડૂતો પાસેથી બટાકાની ખરીદી કરી છે. કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોને વેફર્સ માટેના બટાકાનું ઉત્પાદન કરવાની માહિતી આપી વાવેતર કરતા કર્યાં છે.તેમની પાસેથી કંપની ખરીદી કરી રહી છે. નાના બટાકામાંથી પોટેટો ફ્લેક્સ બનાવવાનો પ્લાન્ટ પણ શરૂ કરાવ્યો છે. જેથી ખેડૂતોને નુકસાન જતંક અટક્યું છે. કંપની દ્વારા ખેડૂતોને સમજાવીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ શરૂ કર્યું છે. 

    મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, 70% સ્ટાફ મહિલા
    બાલાજી વેફર્સએ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમાજને ઉપયોગી પ્રવૃતિમાં ક્યારેય પાછળ ન હટતી કંપનીમાં આજે 70 ટકા સ્ટાફ મહિલાઓ છે. મહિલાઓની મહેનતથી કંપની સફળતાની ટોચે છે તો કંપની પણ સ્ટાફ મેમ્બર્સ મહિલા કર્મચારીઓની તમામ જરૂરિયાતનું ધ્યાન રાખે છે. સારા, નરસા પ્રંસંગોમાં કંપની હંમેશા કર્મચારીઓની સાથે ઊભી રહે છે. આજે કંપનીમા તમામ પ્લાન્ટમાં મળીને કુલ 7 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

    વિરાણી પરિવારની પ્રગતિની હારમાળા
    • 1981 ઘરમાં જ બટાકાની વેફર બનાવવાની શરૂઆત અને એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં વેચાણનો પ્રારંભ
    • 1984 વેચાણ વધતાં આસપાસની દુકાનો, શહેરભરમાં સપ્લાઇની શરૂઆત
    • 1988 વેફર્સનું નામ બાલાજી આપ્યું
    • 1989 બેન્ક પાસેથી લોન લઈને રાજકોટમાં સેમી-ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપ્યો
    • 1995 બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી
    • 2004 રાજકોટમાં ઓટોમેટિક પ્લાન્ટની સ્થાપના
    • 2008 વેફર અને અન્ય નમકીન બનાવવા માટે વલસાડમાં બીજો પ્લાન્ટ
    • 2013 બાલાજી વેફર્સનું ટર્નઓવર રૂ. 1000 કરોડને પાર પહોચ્યું
    • 2015 ગુજરાત બહાર મધ્યપ્રદેશના ઈન્દોરમાં ~400 કરોડનો પ્લાન્ટ બનાવ્યો
    • 7000થી વધુ કર્મચારીઓ કંપનીમાં, પરોક્ષ રીતે 1 લાખથી વધુ લોકોને રોજગારી
    સ્પર્ધા નહીં, હંમેશા સારૂ કરવાનો પ્રયાસઃ મિહિર વિરાણી
    બાલાજી વેફર્સએ સહિયારા પ્રયાસનું બીજું નામ છે. સંયુક્ત પરિવારે ઊભા કરેલા એમ્પાયરથી અનેક લોકો બોધ લઈને આગળ વધી રહ્યાં છે. વિરાણી પરિવાર શરૂઆતથી આજ સુધી ક્યારેય સ્પર્ધામાં માનતો નથી. હંમેશા સારૂ આપવાનો પ્રયાસ કરે છે. બીજાએ શું કરવું તેના કરતા પોતાએ શું કરવું અને કેવી રીતે કેવુ કરવુ તેવા માત્ર પોઝિટિવ વિચાર સાથે આગળ વધે છે. આજનો યુવા વર્ગ પણ માત્ર પોઝિટિવ વિચારસરણી સાથે આગળ વધે તો દુનિયાની કોઈ તાકાત તેને સફળ થતો અટકાવી શકે નહીં. 

    બાલાજી વેફર્સના પ્લાન્ટ અને ક્ષમતા
    બાલાજી વેફર્સ આજે ત્રણ પ્લાન્ટ ધરાવે છે. 1981માં ઘરેથી બટાકા વેફર્સ બનાવવાની શરૂઆત કરી હતી. 1989માં રાજકોટમાં સેમિ ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપ્યો હતો. બાદમાં વર્ષ 2008માં વલસાડ ખાતે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપ્યો હતો. 2015માં 400 કરોડના ખર્ચે જે તે સમયે દેશના સૌથી આધુનિક પ્લાન્ટની સ્થાપના કરી હતી. બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ આજે રોજનું 9 લાખ કિલોનું પ્રોડક્શન કરે છે. દરેક પ્લાન્ટ 24x7 કાર્યરત હોય છે.

    બાલાજી હનુમાનથી પ્રેરિત બ્રાન્ડનું નામ
    વિરાણી પરિવારને રાજકોટમાં આવેલા બાલાજી હનુમાનમાં ખાસ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેના કારણે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી વેફર્સને બાલાજી નામ આપવામાં આવ્યું હતું. આ બ્રાન્ડનું નામ આજે વિશ્વમાં ગૂંજી રહ્યું છે.

     

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!