• આ સાચું કે પેલું સાચું?
  આર્ટિકલ 13-3-2023 12:32 PM
  લેખક: વિનોદ માછી
    હું એ વિચાર કરી પોતાને ભાગ્યશાળી માનું છું કે મારી પાસે સમરથ સદગુરૂ છે.પ્રભુ પરમાત્માએ કૃપા કરીને મને એવા સદગુરૂનો ભેટો કરાવ્યો છે જેમને કૃપા કરીને મને સમજાવ્યું છે કે પ્રભુ પરમાત્મા નિરાકાર છે અને તેમને જાણીને તેમની સાથે જોડાવવું એ સૌભાગ્યની વાત છે.અન્યથા તમામ લોકો અને તમામ ભૌતિક પદાર્થો દુનિયાના આ મેળામાં મળે છે અને તેનો વિયોગ પણ થઇ જાય છે.સદગુરૂ માર્ગદર્શક હોય છે તેમના માધ્યમથી એક પ્રભુ પરમાત્મા અને ગુરૂવચનો ઉપર વિશ્વાસ કરવાથી જગતની તમામ ચીજોમાં એક પ્રભુનાં જ દર્શન થાય છે.નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહા.આપણને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી જીવન જીવવાનો રસ્તો બતાવે છે પરંતુ ચાલવાનું કામ તો શિષ્યે પોતે કરવું પડતું હોય છે.
  પહેલાના સમયમાં રાજા જનક થઇ ગયા જે ગુરૂના યોગ્ય શિષ્ય હતા.એક દિવસ ઉનાળાના સમયમાં ભોજન બાદ જ્યારે તેઓ સૂઇ જાય છે ત્યારે તેમને એક સ્વપ્ન આવે છે.જ્યારે સ્વપ્‍ન પ્રતિકૂળ હોય છે તો બિસ્તર ગમે તેટલો નરમ કેમ ના હોય મન અશાંત જ રહે છે.તેઓએ સ્વપ્નમાં જોયું કે પાડોશી રાજાએ જનકપુરી ઉપર આક્રમણ કર્યું છે,તેઓ યુદ્ધમાં હારી જાય છે.મિથિલાનગરી ઉપર શત્રુઓ કબજો મેળવી લે છે.જનકરાજા જંગલમાં ભટકે છે,ભૂખની ભયંકર પીડાથી તે વ્યાકુળ છે.ફરતાં ફરતાં તે રાત્રીના સમયે એક નગરમાં પહોંચે છે,ભોજનની વ્યવસ્થા થતી નથી.તે સમયે કોઇકે કહ્યું કે આ નગરમાં એક ધર્મશાળા છે જ્યાં રાત્રી દરમ્યાન બહારથી આવનાર તમામને ભોજન કરાવવામાં આવે છે ત્યાં આપ જાઓ. વિચાર કરો ! જનકરાજા આટલા મોટા સમ્રાટ પરંતુ ભોજનના ફાંફા પડે છે..!
  તેઓ ત્યાં જાય છે જ્યાં ખિચડી વહેંચવામાં આવી રહી છે.અતિશય ભૂખ લાગી હોય તો ખિચડી પણ બત્રીસ પકવાન જેવી લાગતી હોય છે.ભોજન વહેંચનારે કહ્યું કે ખિચડી તો ખલાસ થઇ ગઇ હતી પરંતુ ભૂખથી વ્યાકુળ માણસને જોઇને તેને દયા આવે છે અને કહે છે કે ખિચડી તો ખલાસ થઇ ગઇ છે પરંતુ તપેલામાં બળેલા થોડા પોપડા પડ્યા હતા જો આપ કહો તો તે આપું !
  રાજા ભૂખથી બેહાલ હતા એટલે હા પાડે છે.ભોજન વહેંચનાર એક પતરાળામાં બળેલી ખિચડીના પોપડા આપે છે તે લઇને જ્યાં ખાવા જાય છે ત્યાં જ એક કૂતરા સાથે અથડાય છે અને પતરાળા સહિત ખિચડી નીચે પડી જાય છે જે કૂતરો ખાઇ જાય છે.પીડાની આ પરાકાષ્ટામાં રાજાની આંખ ખુલી જાય છે અને તેમને રાહત થાય છે.રાજા વિચારે છે કે મને કોઇ અભાવ નથી,ઘણા જ આનંદથી બિસ્તર ઉપર સૂઇ રહ્યો હતો પરંતું તેમના મનમાં એક પ્રશ્ન થાય છે.
  રાજા જનક સવારમાં સભામાં ઉપસ્થિત વિદ્વાન પંડીતોને પ્રશ્ન પુછે છે કે સ્વપ્નમાંની પીડા અને ભૂખ સત્ય છે કે આ સુખ-વૈભવ અને આરામના સાધન સત્ય છે? સભામાં કોઇ વિદ્વાન જવાબ આપી શકતા નથી.એકવાર સભામાં ઋષિ અષ્ટાવક્ર પધારે છે  ત્યારે રાજા જનક તેમને આ પ્રશ્ન પુછે છે.
  અષ્ટાવક્રજીએ સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને કહ્યું કે સ્વપ્નમાં આપ જંગલમાં હતા અને ઘોર દુઃખ અને ભયંકર ભૂખનો અનુભવ કરી રહ્યા હતા.અત્યારે આપ રાજમહેલમાં છો અને ભૂખની કોઇ સમસ્યા નથી.તેનો અર્થ એ થયો કે મહેલ,રાણીઓ,નોકર-ચાકર સત્ય નથી.જનકરાજા પહેલાંથી જ સંસારની નશ્વરતાને સમજતા હતા એટલે અષ્ટાવક્રજીની વાત સાથે સહમત થાય છે.
  અષ્ટાવક્ર ઋષિ કહે છે કે સ્વપ્નનું જંગલ કે ભૂખની આગ પણ સત્ય નહોતી, આ મહેલ પણ સત્ય નથી પરંતુ આપ જંગલમાં પણ હતા અને મહેલમાં પણ છો એટલે આપનું હોવું એ સત્ય છે,આપ સત્ય છો. રાજા જનક મહાત્માની વાતનો સાર સમજી ગયા કે તમામનું શરીર નાશવાન છે એટલે તે સત્ય નથી. મનુષ્યનું વાસ્તવિક અસ્તિત્વ છે તેની આત્મા..આ આત્મા જ સત્ય છે,તેના સિવાય જે કંઇ દેખાય છે, અનુભવાય છે તે ફક્ત ભ્રમ છે.
  જગતમાં સર્વ કંઇ પ્રભુ ૫રમાત્મા છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરો અને કોઇના ધન ઉ૫ર લલચાવું નહી.દ્દશ્યમાન જગત માયા છે,તે ક્ષણભંગુર છે,અસ્થાઇ છે.તેનો ત્યાગભાવથી પ્રભુનાં માનીને ઉ૫ભોગ કરો.બ્રહ્મજ્ઞાન બાદ જો જગત સત્ય લાગે તો સમજો કે નિર્મલ બ્રહ્મજ્ઞાન થયું નથી.જો સ્વપ્ન સત્ય લાગે તો સમજો કે હજુ જાગ્યા જ નથી.સ્વપ્ન અને જગતમાં ફરક જ નથી..જીવનો સંકલ્પ સ્વપ્નું છે અને બ્રહ્મનો સંકલ્પ આ જગત છે.આ બંન્નેમાં ફર્ક એટલો જ છે કે સ્વપ્ન ત્યારે પુરૂ થાય છે જ્યારે આંખ ખુલે છે અને જગત ત્યારે પુરૂ થાય છે જ્યારે આંખો બંધ થાય છે.જગત ૫ણ સ્વપ્નની જેમ જુઠું છે.સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્નુ છે.આ સ્વપ્ન જ જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે ત્યારે તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્ન) થી છુટકારો થઇ જાય છે. જીવ જાગ્યો છે તેની ઓળખાણ એ છે કે વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે.તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે, મિથ્યા છે, અસત્ય છે. તન મન ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિકમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્ય કર્મ કરતો રહે છે.
  સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે.મન જ સંસાર ઉભો કરે છે.સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે તેમ જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે.મન બગડે એટલે જીવન બગડે છે,મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે.તું તારી જાતને પુછ “હું કોણ છું?” તું શુદ્ધ આત્મા છે.જાગ્રત,સુષુપ્તિ અને સ્વપ્ન એ ત્રણે અવસ્થાનો સાક્ષી આત્મા છે.જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી પણ સંસારને કલ્પિત માને છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.