• 2000 ની સાલમાં શરૂ થયેલ કેબીસી એટલે અમિતાભ કે અમિતાભ એટલે કેબીસી એવું એનું સજ્જડ પ્લેટફોર્મ બન્યું! -ફાલ્ગુની વસાવડા
  આર્ટિકલ 10-10-2023 12:08 PM
  લેખક: ફાલ્ગુની વસાવડા
  આજે 11 ઓક્ટોબર, આ દિવસ સાથે સૌની ગમતી યાદ જોડાયેલી છે.લાખો લોકોનાં ચાહક અને લગભગ પચાસ સાઠ વર્ષથી સૌનાં દિલો પર રાજ કરવા વાળા, અને કેટલાય એવોર્ડથી સન્માનિત એવાં આજે પણ એક યુવાનને શરમાવે એવી સ્ફુર્તિથી કામ કરનારા,અને આપણાં સૌના લોક લાડીલા એવાં શ્રી અમિતાભ બચ્ચનને એમનાં 82 મા જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! ઈશ્વર તેમને સદાય આમ જ સ્વસ્થ અને આનંદિત રાખે. આજે પણ કેબીસીના મંચ પર આવે ત્યારે એમની આંખોમાં કેટલી ચમક હોય છે! એ ચમક એમણે કમાયેલી છે, માત્ર રુપિયા નથી કમાયા, લોકોની ચાહના કમાવી એ બહુ અઘરું કામ છે અને એ તેણે કરી બતાવ્યું છે. 
  યુગો યુગોથી માનવી અન્યના ગુણ અવગુણ થી પ્રભાવિત થઈ અને એ મુજબ જીવન જીવી પોતે પણ અન્યને પ્રભાવીત કરવા કોશિશ કરે છે. આંતરિક ગુણોને પહેલા મહત્વ આપવામાં આવતું, જ્યારે આજનો યુગ બાહ્ય એટીટ્યુડને માનનારો હોવાથી લોકો સેલિબ્રિટીની નકલ કરતા દેખાય છે. સેલિબ્રિટી જેવા ચશ્મા, સેલિબ્રિટી જેવા કપડાં, એમના જેવા જૂતાં, કે ચપ્પલ એમના જેવી બોલી વિગેરેથી તેઓ પણ અન્ય પર પોતાનો પ્રભાવ વધારવા કોશિશ કરતા હોય છે. એક યુગ હતો, જ્યારે સૌને રામ કૃષ્ણ અત્યંત પ્રિય હતાં, અને એમના જેવું જીવન બનાવવા સૌ પ્રયત્ન કરતાં. એટલે કે ગુણ સર્જન કરી પોતાની જાતને પણ એવી બનાવતાં. સમય બદલાઈ ગયો, અને લોકોના શોખ બદલાઈ ગયાં, તેમજ લોકોના રોલ મોડલ પણ બદલાઈ ગયા. એવું નથી કે લોકો આજે રામ કૃષ્ણને પસંદ કરતા નથી, કે તેને મહત્વ આપતા નથી. પ્રિય તો બધાને છે, પરંતુ એના જેવા આદર્શ જીવન માટે કષ્ટ ભોગવવું પડે, અને આજકાલ યુવાનોમાં સહનશીલતા ઘટતી જાય છે, એટલે એવી ઉપાધિમાં હાથે કરીને પડવું શું કામ!! એવી વિચારધારા પણ ખરી.આજે તો પદ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ બધું જ રુપિયાથી મળી જાય છે, અરે સભા સરઘસમાં ભીડ પણ ખરીદાય છે, અને ચૂંટણીમાં પણ દાવેદાર વેંચાય કે ખરીદાય છે. એટલે એમ કહી શકાય કે રુપિયાથી બધું જ થાય! પણ એક વસ્તુ રુપિયાથી ખરીદી શકાતી નથી અને એ છે લોકપ્રિયતા! 
  અમિતાભ બચ્ચનનું નામ એક એવું નામ છે જેણે વિશ્વના નકશામાં ભારતને પ્રસિદ્ધી અપાવી છે, એ સૌ  કોઈએ સ્વીકારવું પડે. લંડનના તુસાદ મ્યુઝિયમમાં સૌથી પહેલાં ઈન્ડિયનનું સ્ટેચ્યુ મુકાયું હોય તો એ અમિતાભ બચ્ચન છે. કોઈ એવી હસ્તી કે જેને ઈન્ડિયન સિવાય પણ વિશ્વમાં કેટલાય પસંદ કરનાર, અને એને ફોલો કરવા વાળા છે, તો એ માત્ર અમિતાભ બચ્ચન છે. તે પુરુષાર્થ વાદી છે, અને આજે પણ ખૂબ મહેનત કરે છે,એ નવી નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ચાલે છે,એ માને છે,યુગ પરિવર્તન થઈ ગયું છે, આપણે જો આપણા જૂના વિચારોને પકડીને બેસીશું તો આપણે સમય સાથે ચાલી નહીં શકીએ. એક બાળક જેમ એને બધું જ શીખવું હોય છે, અને શીખવનાર કોઈ પણ હોય તો એ એમાં પોતાની મોટાઈ વચ્ચે લાવતા નથી. એની એક એક અદા પર માત્ર મહિલા નહીં પુરુષ આજે પણ પણ વારી  જાય છે! જેને કહેવાય રીયલ હીરો ! એવી એમણે ઈમેજ ઊભી કરી છે. ફિલ્મના હીરો તરીકે એ કદાચ કોઈ ફિલ્મમાં ફ્લોપ ગયા હોય શકે, પણ લોક માનસમાં એની લોકપ્રિયતામાં કોઈ દિવસ આંચ આવી નથી.  
  દેશના જાણીતા કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનના પુત્ર, પત્ની તરીકે સુંદર અને સંસ્કારી જયા બચ્ચન ભાદુરી, પુત્ર અભિષેક બચ્ચન અને પૂત્ર વધૂ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન.  પુત્રી શ્વેતા નિખીલ નંદા, એમનાં બે સંતાન નવ્યા નંદા અને અગસ્ત્ય નંદા, આ એમનો અંગત પરિવાર છે, પરંતુ આપણે જોઈએ છીએ તેમ એ સૌ સાથે પોતાના અંગત સ્વજન હોય એમ જ મળે છે, અને એકદમ ભાવવાહી કે લાગણીશીલ સ્વભાવ ધરાવે છે. 
  સદીના મહાનાયક, બીગ બી, એન્ગ્રી યંગ મેન, અને સુપરમેન, તરીકે જાણીતા એવા શ્રી અમિતાભ બચ્ચન એક એવું વ્યક્તિત્વ છે, જે ભારતની સાથે-સાથે વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, દરેક વર્ગના માણસો, બાળક હોય કે વૃદ્ધ, બધા જ તેમને ખૂબ પસંદ કરે છે. તેના ચાહકો અસંખ્ય છે, દરેક લોકો તેમની શૈલી, તેમના અવાજ અને તેમના અભિનયના દિવાના છે. આટલું જ નહીં, તેમનો સ્વભાવ ૫ણ ખૂબ સરળ છે  અંગ્રેજીની સાથે સાથે તેમનું હિન્દી જ્ઞાન પણ ખૂબ જ સારું છે, જો આપણે એમ કહીએ કે તેઓ બોલિવૂડના એવા સ્તંભ છે કે બોલિવૂડની શરૂઆત તેમનાથી થાય છે, તો પણ કંઇ અતિશયોક્તિ નથી. તેઓ એક ખૂબ જ સારા અભિનેતા, ગાયક, લેખક, એન્કર, દિગ્દર્શક અને તેનાથી પણ વધુ સારા વ્યક્તિ છે. તેમની પ્રથમ આવક માત્ર ત્રણસો રૂપિયા હતી જે આજે કરોડોમાં ફેરવાઈ ગઈ છે.
  શ્રી અમિતજીને અભ્યાસમાં રસ હતો, તેઓ ખૂબ જ સ્માર્ટ હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ જ્ઞાન પ્રબોધિની, બોયઝ હાઈસ્કૂલ, અલ્હાબાદમાંથી મેળવ્યું હતું. તે પછી તેમણે શેરવુડ કોલેજ, નૈનીતાલથી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યું. આ પછી તેમણે દિલ્હીની કિરોરી મલ કોલેજમાંથી તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું, જ્યાં તેમણે વિજ્ઞાન અને કલામાં સ્નાતકની ડિગ્રી મેળવી. ડિગ્રી મેળવી લીધા બાદ દરેકના જીવનમાં જેમ શરૂ થાય છે, તેમ તેના જીવનમાં પણ કારકિર્દીનો એક મહત્વનો મોડ આવ્યો, અને જ્યાં તેમના સંઘર્ષ ધીરજ અને લોકપ્રિયતાને કારણે તેઓ આજ સુધીનાં મુકામે પહોંચ્યા. તેમણે 1969ની સાલમાં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તેમણે સૌ પ્રથમ વર્ષ 1969 માં “ભુવન શોમ” નામની ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મને ઘણા એવોર્ડ ૫ણ મળ્યા હતા. આ સાથે તેની કારકિર્દીની શરૂઆત મુખ્યત્વે સાત હિન્દુસ્તાનીથી થઈ હતી તેમણે 1969થી 1972 સુધી ખૂબ જ મહેનત કરી, પરંતુ એક પણ હિટ ફિલ્મ ન આપી શક્યા. વર્ષ 1973 માં, તેમણે ફિલ્મ ઝંજીરમાં કામ કર્યું, જેમાં તેમણે એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વિજય ખન્નાની ભૂમિકા ભજવી હતી, અને તેથી જ કહેવાય છે કે જંજીર ફિલ્મે તેમના નસીબની જંજીર પણ ખોલી નાખી, અને એ પછી તેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મ આપી.
  પરંતુ સેલિબ્રિટીઓના જીવન પણ કંઈ સીધેસીધા જતા નથી, અને એમના જીવનમાં પણ એક એવો મુકામ આવ્યો કે નેવુંના દાયકામાં તેમના પર ઘણું દેવું હતું, તેમની મોટાભાગની ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. ત્યાર ૫છી વર્ષ 2000 માં, એક ટેલિવિઝન શોમાં હોસ્ટ તરીકે ઓફર આવી, જે તેમણે સ્વીકારી લીઘી, શો હતો “કૌન બનેગા કરોડપતિ”. આ શોની લોકપ્રિયતા એ તેમનું જીવન ફરી બદલી નાખ્યું, અને ત્યારથી આજ સુધી તેઓ આ શોને હોસ્ટ કરી રહ્યા છે.  કેબીસી એટલે અમિતાભ કે અમિતાભ એટલે કેબીસી એવું સજ્જડ પ્લેટફોર્મ! 
  1982 માં કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના માટે તેમના ચાહકોએ ખૂબ પ્રાર્થના કરી અને તેઓ ઠીક થઈ ગયા, તેમણે ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું, ત્યારબાદ તેમને વર્ષ 1984માં સંસદમાં બોલિવૂડ સ્ટારડમ સીટ માટે પ્રસ્તાવ મળ્યો, અને તેમણે તે સ્વીકારી લીધો, પરંતુ કોઈ વિવાદમાં ફસાઈ જવાને કારણે તેમણે 1987 માં આ સીટ છોડી દીધી.
  4 માર્ચ 2022 માં તેમની ઝુંડ નામની એક ફિલ્મ રજૂ થઈ અને વિજય બારસે નામના એક વ્યાયામ શિક્ષકના જીવન ચરિત્ર પરથી આ ફિલ્મ બની છે, જે ગંદી વસ્તીમાં રહેતા યુવાનોના સ્પિરિટ અને આત્મવિશ્વાસને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જાય છે.
  તો આ છે સદીના મહાનાયકનું જીવન ચરિત્ર! એમણે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય ત્રણ પારિતોષિક પ્રાપ્ત કર્યા છે અને 14 ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત થયા છે.  આ ઉપરાંત એ એક પાશ્વ ગાયક પણ છે,એ ભગવાનમાં બહુ શ્રદ્ધા ધરાવે છે, પૂર્ણ પણે શાકાહારી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી સાવ નિઃશુલ્ક આરબીઆઈના બ્રાંડ એમ્બેસેડર પણ બન્યા છે. આ ઉપરાંત ગુજરાત ટુરિઝમના પણ એ બ્રાંડ એમ્બેસેડર છે. બહુ ઓછાં લોકો હોય છે, જેમને એમનાં જીવતા જ લોકપ્રિયતા સાંપડે છે! અને એ છે અમિતાભ બચ્ચન! જરા વિચારો! આપણે એક એવા ઈતિહાસનાં સાક્ષી કહેવાઈશું, કે આપણે એને જીવતાં જોયાં છે, અને એ વિચારીને પણ રોમાંચ થાય છે! અને એ આપણી વચ્ચે જ જીવતાં અને સૌની સાથે હળતા મળતાં જોયાં છે. પણ લોકપ્રિયતા એમ નેમ મળતી નથી અને એ પણ આ યુગમાં! તો આપણે એમનાં જીવનમાંથી સફળતા સંઘર્ષ વગર પ્રાપ્ત નથી એ સૂત્રને ગ્રહણ કરી અને જીવી શકીએ એવું જીવન બનાવવાના સંકલ્પ સાથે એમનો જન્મ દિવસ ઉજવીએ.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!