• અંધકારથી પરિચય નહીં થાય ત્યાં સુધી અજવાળાની કદર નહીં થાય - આરતી રામાણી ‘એન્જલ’

    ભ્રષ્ટાચાર, અશાંતિ, ધર્મના દંગા, ખાડાખબડા, ક્યાંક સૂકી ધરતી તો ક્યાંક લીલો દુષ્કાળ,  ક્યાંક ડ્રેનેજ  સિસ્ટિમમાં ખરાબી તો ક્યાંક સત્તામાં, અસલામત સ્ત્રીઓ, બાળકો. પોતાના ભારત દેશ વિષે આવું બોલવાવાળા દેશપ્રેમીઓને ભારતની પ્રતીતિ કરાવવા બીજા એક એવા દેશની સફર કરાવીએ જેના વિષે સાંભળતા જ ભારત પ્રત્યેનું એમનું ગુમાન પાછું આવી જશે, પરંતુ એમને લઈ જવા ત્યાંના રાજાની પરવાનગી મળવી જોઈએ.      આપણે જે દેશની વાત કરીએ છીએ એ રહસ્યમયી છે. દેશનું નામ અહીં ટાળીશું. આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દના જેટલા સમાનાર્થી થાય તેનાથી ઓછી ત્યાં હેઅર સ્ટાઇલ છે! પુરુષો માટે ૧૦ અને સ્ત્રીઓ માટે ૧૮! એ સિવાયની હેઅર સ્ટાઇલ રાખે એ દુનિયાથી ગયાં! જે હેઅર સ્ટાઇલ રાજાએ રાખી હોય એ કોઈ બીજું રાખી ના શકે અને જો રાખે તો અસંખ્ય ગોળીઓનો શિકાર બને! ત્યાં ખુલ્લાં મનથી બોલવાનો અધિકાર પ્રજાને નથી. ભારતમાં કોઈપણ ધર્મ અને ભગવાનને અનુસરી શકાય ત્યાં એકેય ધર્મ પાળવાની છૂટ નથી, ફક્ત નાસ્તિક રહેવું પડે. ત્યાં એક જ ભગવાન છે, રાજા! આપણે લગ્ન કરીને દેવી-દેવતાને પગે લાગીએ ત્યાં રાજા અને એના પૂર્વજોની પ્રતિમાને માથું ટેકાવું પડે! એકવાર કોઈ મહિલાએ પોતાનાં ઘરમાં બાઇબલની પ્રેયર બોલી તો એને ગોળીઓથી વીંધી દેવામાં આવી! આપણે ઘરની દીવાલ મનમરજીથી શણગારીએ ત્યાં દરેક ઘરમાં મુખ્ય ખંડની મુખ્ય દીવાલ પર ફક્ત રાજા અને એમના પૂર્વજોનો ફોટો, આપણી ઊંચાઈથી ઊંચો લગાવવો ફરજિયાત છે પછી એ દીવાલે બીજુ કંઈ ના લગાવી શકાય! આપણે ભગવાનને દરરોજ તાજાં ફૂલો ચડાવીએ એમ ત્યાં એ ફોટાઓ પર રોજ તાજા ફૂલો ચડેલા, ફોટા ધૂળરહિત હોવા જોઈએ. ૨૦૧૫માં બનેલા એક કિસ્સા આધારિત એક ઘરમાં આગ લાગતા માતાએ પોતાનાં ત્રણ સંતાનોને બચાવવાનો પ્રયાસ કર્યો જેમાં એક સંતાનને ના બચાવી શકી. પોતાના બે સંતાનોને લઈ એ બહાર નીકળી, પોલીસ પકડી ગયાં અને ૧૦૦ વર્ષની જેલની સજા ફટકારી. કારણ હતું; સ્ત્રીએ સંતાનને બચાવ્યાં, રાજા અને એમના પૂર્વજોના ફોટાને નહીં! ભારતમાં નાના-મોટા ગુનાહો અને તેની સજા કેવડી હોય? આજીવન કે અમુક વર્ષોની જેલ, ફાંસી, નાણાકીય દંડ? ત્યાં થ્રી જનરેશન પેનલ્ટી છે. ગુનો દાદા કરે તોય દાદા, દાદી, પુત્ર, પુત્રવધૂ, પૌત્ર, પૌત્રી સહિત ત્રણ પેઢીઓ પર ગોળીબાર અથવા જેલ! ફેશનના નામે આપણે કંઈપણ પહેરીએ ત્યાં જીન્સ, વિદેશી ગીત, પોશાક, ખાનપાન વર્જિત છે ઉપરાંત ટીવીમાં ત્રણ ચેનલો આવે જેમાં ફક્ત રાજાના ગુણગાન હોય. પ્રજાને પોતાના દેશ સિવાયની જાણકારી નથી મળતી. ઇન્ટરનેટ વર્જિત છે. અમુક અધિકારીઓ અમુક સાઇટ્સ જ વાપરી શકે. બધાં વ્યક્તિ કાર ના લઈ શકે વળી જે કાર રાજા ખરીદે એ પ્રજા પાસે હોય તો તેને સરકારને હસ્તગત કરવાની. આપણે સંતાનનાં જન્મ થતાં નવાંનવાં નામ શોધીએ, ત્યાં જે નામનું લીસ્ટ સરકાર આપે એમાંથી નામ રાખવાનું. રાજાનું નામ કોઈ ના રાખી શકે. રાજાના શાસનકાળમાં આવ્યા પહેલા જેનું નામ રાજાના નામ પર હોય એણે નામ બદલવું પડે! આપણે દર તારીખે કોઈ દિવસ ખુશીથી ઊજવીએ ત્યાં બે તારીખે સાચું રૂદન પ્રજાએ કરવું પડે! એ છે રાજાના પૂર્વજોના દેહાંતની તારીખ. એ તારીખે કોઈનો જન્મ થાય તો એ વ્યક્તિ આજીવન પોતાનો જન્મદિવસ ના મનાવી શકે, કેમ કે એ દિવસે હસવાની છૂટ નથી! આપણે કોઈપણ શહેરમાં વસવાટ કરી, વ્યવસાય કરી શકીએ ત્યાં દેશ છોડવાની મનાઈ હોવાની સાથે વ્યવસાય સરકાર કહે એ કરવાનો. સ્ત્રીઓની દુર્દશા માટે અલગ લેખ લખવો પડે.     ભારતમાં માનવતા છે ત્યાં ક્રૂરતા છે. ભારતમાં ખાનપાન, રહેણીકરણી, ધર્મધ્યાન, ધંધારોજગાર, બોલવુંચાલવું, પહેરવેશની છૂટ છે ત્યાં બધામાં પ્રતિબંધ અને સજા છે. આપણા રસ્તા ખાડાવાળા હશે, પરંતુ શાસકનું મન ફોરેનના રસ્તાથી પણ સારું છે. ધર્મના દંગા થાય છે મતલબ અહીં દરેક ધર્મ પાળવાની છૂટ છે. ધર્મના પુસ્તકો વાંચવાથી કોઈએ મૃત્યુને ભેટવું નથી પડતું. ગુનો કરવાથી દંડ એકને ભોગવવો પડે, ત્રણ પેઢીને નહીં. ગંદકી છે, પરંતુ હૃદય સાફ છે. ક્યાંક તંત્ર નબળું પડતું હશે, કેમ કે એણે ઢીલ મૂકવી પડે જેથી આપણે શાંતિથી જીવીએ, એ દેશની જેમ આપણે ઇચ્છાનુસાર બોલવાથી જેલની સજા નથી વેઠવી પડતી.
         ભારતની મહાનતા ગણાવવા બીજા દેશને નીચો પાડવાની મનસા નથી, પરંતુ અંધકારથી પરિચય નહીં થાય ત્યાં સુધી અજવાળાની કદર નહીં થાય. જ્યારે ભારત વિષે ફરિયાદ જાગે ત્યારે આ દેશમાં આંટો મારી આવવો. મનમાં ભારત અને ભારતમા પ્રત્યે આદર આપોઆપ જાગી જશે પછી મોઢામાંથી ફક્ત નીચેની પંક્તિઓ જ સરશે.
    આંખથી વહેતા અશ્રુ કહે, ધરતી પરનાં ફૂલ કહે;નભના તારલિયા કહે, સંગીતથી રેલાતા સૂર કહે,સાવજની ગર્જના કહે, સરિતાના વહેતાં નીર કહે,ભારતવાસીની નસનસનું ધગધગતું રુધિર કહે,ભારત જેવો બીજો દેશ નહીં આભથીય ઈશ્વર કહે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.