• શ્રીમદ ભગવદગીતાના ચૌદમા અધ્યાયનું માહાત્મય -વિનોદભાઇ માછી

  આર્ટિકલ 18-5-2023 12:55 PM
  લેખક: વિનોદભાઇ માછી
  શ્રી મહાદેવ કહે છે કે હે પ્રિય ! હવે હું સંસાર બંધનથી છુટકારો મેળવવા માટે શ્રીમદ ભગવદ ગીતાના ચૌદમા અધ્યાયનું માહાત્મય બતાઉં છું જેને તમે ધ્યાનથી સાંભળો.સિંહલ દ્વિપમાં વિક્રમ વેતાળનામના એક રાજા હતા.જે સિંહ સમાન પરાક્રમી અને કલાઓનો ભંડાર હતા.એક દિવસ તે શિકાર કરવા માટે રાજકુમારો તથા બે કૂતરીઓને લઇ વનમાં જાય છે.ત્યાં પહોંચીને તે તીવ્ર ગતિથી ભાગી રહેલ એક સસલાની પાછળ પોતાની કૂતરીઓને છોડી દે છે.તે સમયે તમામની નજર સામે સસલો અદ્રશ્ય થઇ જાય છે પરંતુ આગળ જતાં સસલો થાકી જવાથી એક કીચડથી ભરેલા ખાડામાં પડી જાય છે જેથી તે કૂતરાઓની પકડમાં આવતો નથી.

  આસપાસનું વાતાવરણ શાંત હતું.ત્યાં હરણો નિર્ભય થઇને વૃક્ષોની છાયામાં બેસી રહ્યા હતા.વાંદરાઓ પણ પોતાની જાતે નીચે પડેલા નારીયેલના ફળો અને પાકેલી કેરીઓ ખાઇને તૃપ્ત રહેતા હતા.ત્યાં સિંહ હાથીના બાળકો સાથે રમી રહ્યા હતા અને સાપ નીડર થઇને ફરતા હતા.રાજા જ્યાં શિકાર કરવા માટે ગયા હતા તે જગ્યાએ એક આશ્રમમાં વત્સ નામના મુનિ રહેતા હતા, જે જીતેન્દ્રિય અને શાંત-ભાવથી નિરંતર શ્રીમદ ભગવદ ગીતાના ચૌદમા અધ્યાયનો નિયમિત પાઠ કરતા હતા,તેમના શિષ્ય પણ ગીતાના ચૌદમા અધ્યાયનો પાઠ કરતા હતા.વત્સ મુનિના શિષ્યોએ આશ્રમ નજીક જ પોતાના પગ ધોયા હતા જેનાથી ત્યાંની માટી ભીની થઇ હતી,આ જગ્યાએ જ કીચડમાં સસલો ફસાઇ જાય છે અને આ કીચડના સ્પર્શમાત્રથી સસલો દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યો જાય છે. સસલાને પકડવા પાછળ આવતી કૂતરીઓ પણ કીચડમાં પડે છે જેના પ્રભાવથી કૂતરીઓ પણ પોતાના શરીરનો ત્યાગ કરીને દિવ્યાંગનાનું મનોહર રૂપ ધારણ કરીને સુશોભિત દિવ્ય વિમાનમાં બેસીને ગંધર્વ લોકમાં જાય છે આ જોઇને વત્સ મુનિના શિષ્યો હસવા લાગે છે.આ બંન્નેના પૂર્ણજન્મના વેરના કારણે તેમને નવાઇ લાગે છે,તે સમયે રાજાને પણ આશ્ચર્ય થાય છે.

  આશ્ચર્યચક્તિ થઇને રાજા પુછે છે કે વિપ્રવર ! નીચયોનિમાં પડેલ આ બે કૂતરીઓ અને સસલો જ્ઞાનહીન હોવાછતાં સ્વર્ગલોકમાં કયા કારણોસર ગયાં? તેની કથા મને સંભળાવો ત્યારે વત્સ મુનિના એક શિષ્ય કહે છે કે રાજન ! આ વનમાં વત્સ મુનિ નામના બ્રાહ્મણ રહેતા હતા,તે જીતેન્દ્રિય મહાત્મા હતા અને ગીતાના ચૌદમા અધ્યાયનો નિયમિત પાઠ કરતા હતા.અમે વત્સ મુનિના શિષ્યોના પગ ધોયેલા જળના સ્પર્શ થતાં સસલો અને કૂતરીઓને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઇ છે હવે હું મારા હસવાનું કારણ બતાવીશ.મહારાષ્ટમાં પ્રત્યુદક નામનું નગર છે ત્યાં કેશવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જે કપટી સ્વભાવ ના હતા.તેમની પત્નીનું નામ વિલોભના હતું.વિલોભના સ્વચ્છંદ વિહાર કરનાર સ્ત્રી હતી.એક દિવસ ક્રોધમાં આવીને આજન્મની દુશ્મનીને યાદ કરીને બ્રાહ્મણે પોતાની પત્નીને મારી નાખી અને આ પાપના કારણે મૃત્યુ પછી તેનો સસલાની યોનીમાં જન્મ થાય છે અને બ્રાહ્મણીનો પાપના કારણે કૂતરીની યોનિ મળે છે. હે રાજન ! ગીતાના ચૌદમા અધ્યાયનો પાઠ કરવાના કારણે આ શક્ય બન્યું છે તેમાં કોઇ શંકા નથી.શ્રીમહાદેવજી કહે છે કે આ તમામ કથા સાંભળીને શ્રદ્ધાળુ રાજાએ પણ ગીતાના ચૌદમા અધ્યાયનો નિયમિત પાઠ કરીને પરમગતિને પ્રાપ્ત થયા.

  ગીતાના ચૌદમા અધ્યાયનો સાર એ છે કે સંસાર બંધનથી છુટવા માટે સત્વ,રજ અને તમ- આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્‍ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે.ભગવાન કહે છે કે મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે અને હું એ યોનિમાં જીવરૂપી ગર્ભને સ્થાપું છું તેનાથી તમામ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે.જન્મ-મરણમાં પડેલો હોવાછતાં પણ જીવ મારો સનાતન અંશ છે તેની સધર્મતા,એકતા શરીર સાથે નહી પરંતુ મારી સાથે છે.જીવ જ્યાંસુધી મુક્ત થતો નથી ત્યાંસુધી પ્રકૃતિના અંશ કારણશરીર સાથે તેનો સબંધ ચાલુ રહે છે અને મહાપ્રલયમાં તે કારણશરીર સહિત પ્રકૃત્તિમાં લીન થાય છે.પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ ત્રણ ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે.

  સત્વગુણ સુખનીઆસક્તિથી,રજોગુણ કર્મોની આસક્તિથી અને તમોગુણ આળસ,પ્રમાદ અને નિદ્રા દ્વારા શરીર સાથે પોતાનો સબંધ માનવાવાળાને બાંધે છે.પ્રકાશ,પ્રવૃત્તિ તથા મોહ આ બધાં જ સારી રીતે પ્રવૃત થઇ જાય તો ૫ણ ગુણાતીત મનુષ્‍ય તેમનો દ્વેષ કરતો નથી અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની ઇચ્છા કરતો નથી.ગુણાતીત મનુષ્‍યનાં આચરણો કેવાં હોય છે તે સમજાવતાં ભગવાન કહે છે કે “જે ધીર મનુષ્‍ય સુખ-દુઃખમાં સમાન તથા પોતાના સ્વરૂ૫માં સ્થિર રહે છે..જે માટી,ઢેફા,પત્થર અને સોનામાં સમાન રહે છે..જે પ્રિય-અપ્રિયમાં તથા પોતાની નિંદા-સ્તુતિમાં સમાન રહે છે..જે માન-અપમાનમાં તથા મિત્ર-શત્રુના ૫ક્ષમાં સમાન રહે છે..

  જે તમામ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્‍ય ગુણાતીત કહેવાય છે..જે મનુષ્‍ય અવ્યભિચારી ભક્તિયોગના દ્વારા મારૂં સેવન કરે છે તે આ ગુણોનું અતિક્રમણ કરીને બ્રહ્મપ્રાપ્‍તિને પાત્ર બની જાય છે..ઉપાસના તો કરે ભગવાનની અને પાત્ર બની જાય બ્રહ્મપ્રાપ્‍તિનો આ કેવી રીતે..? આનો જવાબ આપતાં ભગવાન કહે છે કે બ્રહ્મ અવિનાશી અમૃત-શાશ્વત ધર્મ અને એકાંતિક સુખનો આશ્રય હું જ છું.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.