• બિઝનેસમાં નીતિમત્તા અને ગુણવત્તા જાળવી રાખો તો ચોક્કસ સફળતા મળશે : વિનીત શાહ 

    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:49 AM
    • સાગા લાઇફસાયન્સીસ 45 દેશોમાં દવા નિકાસ કરે છે અને અમારે ત્યાં કુલ 350 વ્યક્તિઓનો સ્ટાફ છે
    • વર્ષ 2021માં 55થી 60 દેશોમાં દવાની નિકાસ કરીને દેશમાં માર્કેટીંગ શરૂ કરવા માંગીએ છીએ
    અમદાવાદ


     બિઝનેસમાં ચડ-ઉતર આવ્યા કરે પરંતુ ફોક્સ જાળવીને મહેનત કરો, નીતિમત્તા અને ગુણવત્તા જાળવી રાખો તો સફળતા ચોક્કસ મળશે એવું વિનીત શાહે જણાવ્યું હતું. 

    સાગા લાઇફસાયન્સીસના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેકટર વિનીત શાહે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વર્ષ 1979માં એમએસ યુનિવર્સિટીમાંથી મેં બીફાર્મ કર્યું હતું અને અમદાવાદમાં કેડિલામાં જોબ મળતાં હું જોડાઈ ગયો હતો. મારું વતન અમદાવાદ હોવાથી મને અત્રે જોબ મળતાં હું ખુશ થયો હતો. એ વખતે ભલે હું નોકરી કરતો હતો પરંતુ મારો ધ્યેય અનુભવ લઈને છેવટે બિઝનેસ કરવાનો હતો. વર્ષ 1981માં માત્ર રૂ.5000ની મૂડીથી મેં સાગા ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની ચાલુ કરી હતી અને લોન-લાઇસન્સથી દવા બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. જોકે, તેમાં નુકસાન થતાં પોતાની ફેકટરી હોવી જોઈએ એવો વિચાર આવ્યો હતો. વર્ષ 1986માં વટવામાં જમીન લઈને વર્ષ 1987માં સાગા લેબોરેટરીઝ નામે ફેકટરી ચાલુ કરી હતી. મારા પિતા અરવિંદભાઈ શાહ બૅંકમાં જોબ કરતા હતા અને વર્ષ 1986માં તેમણે વીઆરએસ લઈને મારી સાથે બિઝનેસમાં જોડાયા હતા. એ વખતે ભારતમાં જીએમપીના સિદ્ધાંતોનો દવાઉદ્યોગમાં અમલ નહોતો થયો અને તેથી ભારતમાં સસ્તા ભાવની દવાઓ વધારે વેચાતી હતી. જોકે, અમારે સારી ગુણવત્તાવાળી દવાઓ બનાવવી હતી અને દવાની નિકાસ કરવાનો પ્રયત્ન કરવો હતો માટે ફેકટરીનું અપગ્રેડેશન કરવું પડે અને એ માટે સારી મશીનરી અને સારા મેનપાવરની જરૂર પડે. વર્ષ 1993માં મારા ભાઈ વિરંચીભાઈ બિઝનેસમાં જોડાયા હતા. 

    તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવા માટે WHO-GMP સર્ટીફિકેટની જરૂર હતી અને અમે વર્ષ 1996માં આ સર્ટીફિકેટ મેળવ્યું હતું. આ સર્ટીફિકેટ મળવા ઉપરાંત જે તે દેશના ઇન્સ્પેકટરો કંપનીના પ્લાન્ટને ચેક કરીને મંજૂરી આપે પછી જ અમે દવા નિકાસ કરી શકીએ. પાંચ વર્ષમાં અમે 6થી 7 દેશોમાં દવાની નિકાસ ચાલુ કરી દીધી હતી. વર્ષ 2009માં અમે ચાંગોદરમાં નવી ફેકટરી બનાવી જે અદ્યતન સ્ટાન્ડર્ડવાળી છે. યુરોપમાં દવાની નિકાસ કરવા માટે આ ફેકટરી બનાવી હતી. હાલમાં અમે 45 દેશોમાં દવા નિકાસ કરીએ છીએ અને અમારે ત્યાં કુલ 350 વ્યક્તિઓનો સ્ટાફ છે. વર્ષ 2016માં અમે યુરોપનું જીએમપી લીધું જે એક મોટી સિદ્ધિ છે કારણ કે અમને યુરોપ, કૅનેડા, આૅસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં દવા નિકાસ કરવાની પરવાનગી મળી ગઈ. 

    તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં અમારે નવી ફેકટરીઓ સ્થાપીને અમેરિકા સહિત વધુ દેશોમાં વિસ્તરણ કરવું છે. હાલમાં 10 દેશોમાં વિસ્તરણની પ્રક્રિયા ચાલી રહી છે અને વર્ષ 2021માં 55થી 60 દેશોમાં દવાની નિકાસ કરવી અને દેશમાં પોતાનું માર્કેટીંગ શરૂ કરવા માંગીએ છીએ. વર્ષ 2019માં સાગા લેબોરેટરીઝને સાગા લાઇફસાયન્સીસ લિમિટેડમાં કન્વર્ટ કરી હતી. અમારી કંપની એન્ટીબાયોટિકસ, ડાયાબિટીસ, હૃદયરોગ, જુદા જુદા વિટામિન્સની દવાઓ તૈયાર કરે છે. અમે હંમેશાં સફળતા મેળવવા માટે ફોક્સ રાખ્યું હતું અને માર્કેટિંગ માટે નવા રસ્તા શોધ્યા તથા ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કર્યું. અમારું વિઝન રહ્યું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ વ્યાજબી ભાવે લોકો સુધી પહોંચાડવી, વધારે દેશોમાં દવા પહોંચાડવી. અમારા કુટુંબમાં રહેલી એકતા અને બધાના ટેકનિકલ જ્ઞાનનો ફાયદો પણ અમને થયો છે. 

    તેમણે જણાવ્યું કે અમારા કુટુંબમાં મારા પિતા અરવિંદભાઈ, માતા હંસાબહેન, મારી પત્ની બેલાબહેન, ભાઈ વિરંચીભાઈ, ભાભી અમીબહેન, ભત્રીજો ઋત્વિક(જે હજુ અભ્યાસ કરે છે)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિઝનેસમાં અમારી સાથે મારો પુત્ર રૂચીર વર્ષ 2009માં જોડાયો હતો, તેણે એમફાર્મ અને એમબીએ કર્યું છે. પુત્રવધૂ હિરલ બીફાર્મ અને એમબીએ છે અને તે પણ બિઝનેસમાં સાથ આપી રહી છે અને પૌત્ર રેયાંશ છે. મારો બીજો પુત્ર રૂષભ એન્જિનીયર છે અને 
    અમારો એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. પુત્રવધૂ ક્રિષ્ના ઇ-કાૅમર્સનું કામ કરે છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!