• મનપાંચમનો મેળો : સુખદુ:ખ છે સન્મુખ !
  આર્ટિકલ 22-9-2022 12:25 PM
  લેખક: નીલેશ ધોળકિયા
   બીજાઓનું સુખ જોઈને સંતોષ થાય છે ? જો “હા” તો સમજવું કે આપણે પરમાનંદી છીએ, પોતાના સિવાય બીજાના સુખો જોઈને રાજી થવામાં જે આનંદ મળે છે તે અનેરો આનંદ છે. આપણે પોતાની ઉચ્ચ સ્થિતિ અને કાલ્પનિક પવિત્રતામાં બીજા માણસો ભાગ ન પડાવે અને તેઓ મારા પોતાની સમાન ન થઈ જાય તેની ચિંતામાંથી દુર્ભાવ પ્રગટવા લાગે છે. 

  બીજાના સુખોને જોતા જ આપણું મન ઈર્ષાગ્નિમાં ભડભડ બળવા લાગે છે. પોતે ખૂબ મહેનત કરવા છતાં બીજા કોઈ આગળ નીકળી જાય ત્યારે મન ઉદાસ થાય છે પરંતુ સફળતાનો પોતાનો નિશ્ચિત સમય હોય છે. આપણાથી કોઈ વધારે પુરુષાર્થ કરે છે તો આગળ નીકળે એ તેનો સમય હોય છે, પહેલાં આપણો સમય હતો, ભવિષ્યમાં ફરી આપણો સમય આવી શકે એ સાદુ સત્ય સ્વીકારવું જોઈએ. આવો ભાવ રાખીએ તો જ પરમઆનંદ મળે છે.

  કામ-ક્રોધ-મોહ-મદ-ઈર્ષા માનવીમાં હોવી જોઈએ અને ન હોય તો તે જડ કે મૂંઢ ગણાય છે પરંતુ કુદરત એમ પણ કહે છે કે બધું મર્યાદિત હોવું જોઈએ અને કોઈનું અહિતકારી ન હોવું જોઈએ. હિતકારી હોય તો તે સર્વત્ર આવકાર્ય છે. આપણા ચહેરા પરનો ગુસ્સો, આપણી અકળામણ, આપણી ઉદાસી કે આપણી ગૂંચવણ અમૂક લોકો વાંચી શકતા હોય છે. જો આપણે આપણા હાવભાવ પર કાબૂ મેળવી લઈએ અથવા જાહેરમાં કે પછી બીજા સાથેના સંવાદ વખતે આપણે પોતે સ્થિતપ્રજ્ઞ રહીને આખી સ્થિતિને સંભાળી લેવાની છે એવું સમજી જઈએ તો એક સાથે આપણી સમસ્યા ઉકેલાઈ શકે છે.

  અમુક લોકો, ખાસ કરીને સંસ્થાના કે પેઢીના વડાને કે કોઈ પાર્ટીના આગેવાનોને છંછેડવા માટે તેમની સામે અમુક પ્રકારની વાતોનો વિશેષ ઉલ્લેખ કરાતો હોય છે અથવા અમુક પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય છે. તેમને કઈ વાત ખૂંચે છે અથવા ગમતી નથી કે તેમના મનમાં મુદ્દા કેવી અસર કરે છે એ જાણી લેવાનો પ્રયત્ન થતો હોય છે. આવી સ્થિતિમાં ચહેરાના ભાવ પર કોઈ અસર જ ન પડવા દઈએ તો ? સામેનો માણસ વિચારતો થઈ જાય છે કે આ માણસને ભેદવો કેમનો ? 
  આપણે પોતાના જીવનના ઉદ્દેશને સર્વદા પોતાના અંત:કરણ સમક્ષ પવિત્રતાથી વર્તીશું તો આપણે જે ક્ષેત્રમાં હોઈએ તેમાં આગળ વધીશું અને આપણા હાવભાવમાં ય એકસરખા રહીશું જેથી કોઈ આપણને તેમના મલિન ઈરાદાઓમાં મ્હાત ન કરી શકે.
  એવી દ્રઢતા સાથે જીવવું કે આપણું દિલ પણ બોલી ઉઠે કે, જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો ! પૂછ્યું મેં દિલને શું હાર કબૂલી લઈએ !? એણે કહ્યું હજુ થોડી હામ છે હૈયે, ચાલ ને થોડુ વધુ ઝઝૂમી લઈએ !
  બે કામ જિંદગીમાં ક્યારે ય ન કરતા, ખોટા સાથે પ્રેમ ને સાચા સાથે ગેમ !

  હારી ગયાનો એટલે જ રંજ નથી -
  જીતી ગયા જે એ કંઈ પારકા નથી.

  ઉજવણી કરવાની અને તમારી પાસે જે હાજર છે તેના માટે આભારી બનવાની ક્ષમતા તમારામાં વિપુલતાની ગુણવત્તા દર્શાવે છે, જે તમને દરેક વસ્તુમાં વધુ વિપુલ બનાવે છે.

  વિપુલતાની માનસિકતાની વિરુદ્ધ અછતની માનસિકતા એ એવી માનસિકતા છે જે તમને સતત અસંતોષની સ્થિતિમાં રાખે છે અને તમારા જીવનમાં દરેક વસ્તુના પ્રવાહને અવરોધે છે અને ઘણા કિસ્સાઓમાં તમારી પાસે જે કુદરતી રીતે છે તેને પણ છીનવી લે છે.

  તમારી પાસે જે છે તેની ઉજવણી કરો અને આભારી બનો. તમારી આસપાસની દરેક વસ્તુ અથવા સંબંધનો હંમેશા આભાર માનો અને આસપાસ અનંત સંભાવનાઓના પ્રવાહને અસ્ખલિત વહેવા દો.
અન્ય સમાચારો...
Image
કેરળના કોહિન્ડી નામના એક ગામમાં 400થી વધુ ટ્વિન્સ બાળકો
image
કેરળના કોચીથી લગભગ 150 કિમી દૂર આવેલા આ કોડિન્હી ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી 400 થી વધુ જોડિયા છે. આવી સ્થિતિમાં, તમને આ ગામમાં અને નજીકના બજારમાં પણ ઘણા દેખાવડા બાળકો જોવા મળશે. કોડિન્હી નાળિયેરીની હરોળો, નહેરો અને ચોખાના ખેતરો સાથે પથરાયેલું છે. ગામને ‘ટ્વીન ટાઉન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું એક ગામ છે, જ્યાં જોડિયા બાળકોનો જન્મ દર કદાચ ભારતમાં સૌથી વધુ છે. પ્રથમ નજરમાં, કોડિન્હી એકદમ સામાન્ય લાગે છે.