• અર્થપૂર્ણ જીવન : યોગ્ય શબ્દો અને શબ્દોનો યોગ્ય ઉપયોગ આવડી ગયો તો ફાવી ગયા
     ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે મનમાં જે આવે તે સામેવાળાને કહી દેવાનું. ભલે તે સારું હોય કે ખરાબ, તે બાબત તે વ્યક્તિના સારા માટે હોય કે પછી પોતાના વ્યક્તિગત મંતવ્યો હોય. અમુક લોકો કહેતી વખતે સ્થળ, કાળ અને સ્થિતિ નથી જોતા. તેમને બસ કહેવા જોઈએ છે. આ બાબત સારી પણ છે અને નથી પણ.

    આ બાબત સારી એટલા માટે છે કારણ કે, અમુક વખત જીવનમાં એવો સમય હોય છે કે જ્યારે સમય બગાડ્યા વગર અને ગોળ ગોળ ફેરવીને કીધા વગર સીધુ કહેવું જરૂરી હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ વેચવા માંગતી હોય અને બીજી વ્યક્તિ તેને “આજે નહિ”, “અઠવાડિયા પછી” એમ કહીને ઢળતી હોય તો તે વ્યક્તિને આશા રહે છે કે આ બીજી વ્યક્તિ તેની વસ્તુ લેશે. પરંતુ આ આશા ખોટી છે અને તે તૂટે છે અને ત્યારે વધુ દુઃખ થાય છે અને ત્યારે એમ જ થાય છે કે આવુ ટાળવા કરતા મોઢા પર કીધુ હોત કે “નથી જોઈતુ” તો વધુ સારું હોત. તો આવા સંજોગોમાં ખોટી આશા આપવા કરતા પ્રેમથી અને પ્રામાણિકતાથી સાચુ કહેવું યોગ્ય છે.

    હવે આ બાબત અયોગ્ય કેમ છે તે જોઈએ. કોઈને કંઈ પણ મોઢા પર કહેવું એ દરેક વખતે લોકો હકારાત્મક રીતે નથી લેતા. સામેવાળી વ્યક્તિ તેના માટે તૈયાર છે કે નહિ તે પણ મહત્વનું છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચું અને યોગ્ય કહેતું હોય પરંતુ સામેવાળી વ્યક્તિ તે માટે તૈયાર ન હોય તો તેને દુઃખ થાય છે.

    સત્ય એ અરીસો છે અને જ્યારે કોઈ વ્યક્તિ મોઢા પર સાચું કહે છે ત્યારે તે બાબત તે વ્યક્તિને અરીસો બતાવવા જેવી લાગે છે. ભલે કહેનારનો ઉદ્દેશ્ય સારો હોય પરંતુ સામેવાળી વ્યક્તિને સત્યરૂપી અરીસામાં પોતાનો પ્રતિબિંબ જોવું જ ના ગમે તો શું થાય?
    એટલા માટે જો કંઈ કહેવું જરૂરી હોય તો તે કહેવું જોઈએ પણ સમય, સંજોગો જોઈને. 

    સાચું જો પ્રેમથી કહીએ અને યોગ્ય રીતે કહીએ તો તે સામેવાળાને ગળે ઉતરી જાય છે. પરંતુ જો કોઈની ભલાઈ માટે સાચું કહીએ પરંતુ જો કહેવાની રીત યોગ્ય ના હોય તો તે સાચું અને યોગ્ય હોવા છતાં સામેવાળુ અપનાવી નથી શકતું અને બીજી મહત્ત્વની બાબત એ છે કે, દરેક સમયે દરેક વ્યક્તિને સાચું કહેવું યોગ્ય પણ નથી. 

    જ્યારે સમય યોગ્ય હોય ત્યારે જ બોલવું જોઈએ. એવું કહેવાય છે કે, બુદ્ધિશાળી મનુષ્યને એ ખબર છે કે કેટલું બોલવું, જ્યારે મહાન વ્યક્તિને એ ખબર છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું. 

    દરેક જગ્યાએ આપણું બોલવું યોગ્ય નથી હોતું. ગાંધીજીએ પણ કહ્યું છે કે, આપણે ત્યારે જ બોલવું જોઈએ જ્યારે આપણા શબ્દોનું મહત્ત્વ આપણા મૌન કરતા વધુ હોય.

    આજના સમયમાં લોકો પાસે સમયની કમી છે અને એટલે લોકો પણ ઘણી વાર એવુ ઇચ્છે કે તમે જે હોય તે સીધુ કહી દો. પરંતુ કહેનારમાં એ સમજ હોવી જરૂરી છે કે, ક્યારે, ક્યાં, કેટલું અને કેવી રીતે કહેવું. યોગ્ય રીતે કહેવામાં આવે તો એક નાની વાત પણ કોઈના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવી શકે છે અને અયોગ્ય રીતે કહેવામાં આવે તો મોટામાં મોટી અને મહત્ત્વની વાત પણ વ્યર્થ બની જાય છે. યોગ્ય શબ્દોનો ઉપયોગ અને શબ્દોનો યોગ્ય ઉપયોગ ધ્યાનમાં રાખવું જોઈએ. તેનાથી જીવનના અર્થમાં પણ મહત્ત્વનું પરિવર્તન લાવી શકાય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!