• ફિલ્મોમાં કામ કરવા પુરૂષાર્થની સાથે  આત્મવિશ્વાસ હોવો જોઈએઃ શ્રધ્ધા ડાંગર
    સક્સેસ સ્ટોરી 23-2-2022 12:23 PM
    • અમે 32 દિવસ 46 ડિગ્રી ગરમીમાં ધગધગતા રણમાં ચપ્પલ વગર12 કલાક શુટીંગ  કર્યું હતું 
    અમદાવાદ

    ગ્લેમર વર્લ્ડ તરફ નવી પેઢી વધારે આકર્ષાય છે કારણકે તે એવું માને છે કે ઓછી મહેનતે નામ અને દામ બન્ને આ ફિલ્ડમાં મળે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે કોઇ પણ ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં આકરી મહેનત અને બલિદાન આપવાની તૈયારી હોય તો જ સફળતા મળે. તેનું લેટેસ્ટ ઉદાહરણ છે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં આ પ્રથમ ફિલ્મ છે જેને શ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હોય. મજાની વાત તો એ છે કે હજુ સુધી વુમન ઓરીએન્ટેડ  ફિલ્મ ‘હેલ્લારો’ રીલીઝ પણ નથી થઇ.  

    ‘હેલ્લારો’ ફિલ્મની એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગરે ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મારો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે અને મેં સીવીલ એન્જીનીયરીંગ કર્યંુ છે. મને નાનપણથી ગીત, નૃત્ય વગેરે કળાઓનો શોખ છે અને ખાસ કરીને જેમાં એક્સપ્રેશન્સ વ્યક્ત કરી શકાય એવી કલા મને વધારે ગમે છે. કેટલાક વર્ષ પહેલા રાજકોટમાં ગુજરાતી ફિલ્મનું ઓડીશન હતું ત્યારે મારી મમ્મીએ મને તેમાં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું. પછી મેં બે ફિલ્મોમાં કેરેકટર રોલ કર્યા હતા, જોકે મને પ્રથમ બ્રેક દર્શન રાવલે હિન્દી આલ્બમ ‘સારી કી સારી’માં આપ્યો હતો. વર્ષ 2017માં રીલીઝ થયેલી ‘પપ્પા તમને નહિ સમજાય’ ફિલ્મમાં લીડ રોલ મળ્યો હતો. ત્યારબાદ મચ્છુ, હેલ્લારો અને લવની લવસ્ટોરીઝ ફિલ્મો કરી છે. મેં કુલ 7 ફિલ્મો, 4 આલ્બમ અને બે વેબસીરીઝમાં કામ કર્યું છે. હું ક્યારેય પ્લાનિંગ કરતી નથી અને મને જેમ તકો મળે છે તેમ તેને ઝડપી લઉં છું. ભવિષ્યમાં કોઇ પણ ભાષામાં કોઇ પણ સ્ટેજમાં સારી વાર્તા અને સારૂ કામ મળશે તો ચોક્કસ હું કામ કરીશ. હું માનું છું કે ફિલ્મોમાં કામ કરવા માટે દેખાવ અને સ્થળ મહત્ત્વનું નથી પરંતુ અથાગ પુરૂષાર્થ કરવાની ક્ષમતા હોવી જોઇએ અને તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઇએ. શિખવું બહુ જરૂરી છે અને હંમેશા શિખતા રહેવું જોઇએ. 

    શ્રધ્ધા ડાંગરે જણાવ્યું કે કચ્છમાં ભુજથી 90 કિલોમીટર દૂર પાકિસ્તાનની બોર્ડર નજીક કાળા ડુંગર પાસે એક ગામ ઊભું કરવામાં આવ્યું હતું. જ્યાં અમે સતત 32 દિવસ સુધી 46 ડિગ્રી ગરમીમાં દરરોજ ધગધગતા રણમાં ચપ્પલ વગર 12-12 કલાક શુટીંગ  કર્યું હતું. શુટીંગ દરમિયાન પગમાં કાંટા વાગતા હતા, કેટલીક મહિલાના પગમાંથી લોહી નીકળ્યું હતું તો કેટલીક મહિલા બેભાન પણ થઇ ગઇ હતી. અમને દરરોજ માત્ર અઢી કલાક ઊંઘ મળતી હતી. દરરોજ મધરાતે 2.30 વાગ્યે અમારે ઊઠી જવું પડતું અને પછી સવારે 6 વાગ્યા સુધીમાં છુંદણા, મેકઅપ, ભારેખમ ઘરેણાં, કચ્છી વેશભૂષા સાથે તૈયાર થઇ જવું પડતું હતું. 

    સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી સતત 12 કલાક શુટીંગ કર્યા બાદ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી અમારે ગરબાનું રીહર્સલ કરવું પડતું હતું. રાત્રે 11 વાગ્યે ભોજન કર્યા બાદ રાત્રે 12 વાગ્યે ભૂંગામાં સૂઇ જતા અને પાછું 2.30 વાગ્યે અમારે ઊઠી જવું પડતું હતું. ભારેખમ વર્કલોડને લીધે અમે ઘણીવાર રડ્યા પણ હતા. જોકે, આટલી મુશ્કેલીઓ પડતી હોવા છતાં એક પણ વ્યક્તિએ એક વખત એવું નહોતું કહ્યું કે હવે મારાથી કામ નહિ થાય, આવું કમિટમેન્ટ હોવાથી જ અમે આ ફિલ્મનું શુટીંગ માત્ર 32 દિવસમાં પૂરૂં કરી શક્યા હતા. ફિલ્મનું શુટીંગ શરૂ કરતા પહેલા અમે બે મહિના વર્કશોપ કરી હતી જેમાં કચ્છી શૈલીમાં વાતચીત કરવા સહિત અનેક પ્રકારની તાલિમ લીધી હતી. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2018ની શરૂઆતમાં ‘હેલ્લારો’ ફિલ્મ માટે પાંચ ઓડિશન લેવામાં આવ્યા હતા. પસંદગી થયા બાદ અમને ફિલ્મની વાર્તા અને કેરેકટરની જાણ કરવામાં આવી હતી. મારું પાત્ર ‘મંજરી’ છે. ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ સહિત 55 વર્ષ સુધીની કુલ 13 મહિલા પાત્રો છે અને તમામને બેસ્ટ એક્ટ્રેસનો સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ રજત કમળ એનાયત કરવામાં આવશે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 13 મહિલાને રજત કમળ એનાયત કરાશે. જ્યારે ફિલ્મને શ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ સુવર્ણ કમળ એનાયત કરવામાં આવશે. આમ આ ફિલ્મને બે એવોર્ડ મળ્યા છે. ફિલ્મમાં ગરબા મહત્ત્વનું પાસુ છે અને વર્ષ 1975માં કચ્છના નાનકડા ગામની વાર્તા છે અને નવરાત્રી પછી ‘હેલ્લારો’ રિલીઝ થશે. આ ફિલ્મના ડાયલોગ અને ગીત સૌમ્ય જોશીએ લખ્યા છે, ગરબાની કોરીયોગ્રાફી સમીર અને અર્ષ તન્નાએ કરી છે અને તેનું ડિરેકશન અભિષેક શાહે કર્યું છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!