• જીવનમાં ક્યારેય હાર ન માનો : શેફ પ્રણવ જોશી
    સક્સેસ સ્ટોરી 23-2-2022 11:58 AM
    • પ્રથમ વખત ગુજરાતીમાં બોલતા મેલ શેફને લોકોએ ટીવી પર જોયો હતો
    • ભવિષ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરી તેમાંથી ઓર્ગેનિક  રેસ્ટોરન્ટ શરૂ કરીશ
    અમદાવાદ

    આજકાલ હોટલ મેનેજમેન્ટ અને ફાઇવ સ્ટાર હોટલમાં શેફ બનવાનો ક્રેઝ યંગસ્ટર્સમાં વધુ જોવા મળે છે તો એની ક્રેડીટ જાય છે પ્રથમ ગુજરાતી મેલ શેફ પ્રણવ જોશીને.

     જીવનમાં કોઇ શોર્ટકટ નથી અને ક્યારેય હાર ન માનવી જોઇએ એવી ફિલોસોફી ધરાવતા શેફ પ્રણવ જોશીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારો જન્મ અમદાવાદમાં થયો છે અને ધો.12 સુધીનું શિક્ષણ મેં જીએલએસ સ્કુલમાં લીધું છે. સ્કુલનું શિક્ષણ પૂરૂં કર્યું ત્યાર સુધી મને ખબર નહોતી કે મારે શું કરવું છે. એ વખતે હું મિત્રો સાથે રાતના 4 વાગ્યા સુધી રખડતો હતો અને બપોરે 3 વાગ્યે ઉઠતો હતો. જોકે ધો.12 પછી મારા પિતાએ મને એક મહિનાનો સમય આપ્યો કે તું નક્કી કરી લે કે, તારે હવે શું કરવું છે?  એ વખતે મારો એક મિત્ર ઓસ્ટ્રેલિયા હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા જવાનો હતો એટલે મેં પણ ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય કર્યો. મારા અભ્યાસ માટે પિતાએ લોન લીધી હતી. 

    પ્રણવ જોશીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં એક ઘરમાં અમે ચાર છોકરા રહેતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ એક હોટલમાં પ્રથમ દિવસે મેં ડીશ વોશ કરવાનું કામ કર્યું. જોકે બીજા દિવસે મને બારમાં કામ કરવાનું કહેવામાં આવ્યું. ત્યાં મેં એક સપ્તાહ કામ કર્યા બાદ કુકીંગ ચાલુ કર્યું અને છ મહિનામાં હું ઘણું શિખ્યો. વર્ષ 2001માં હોટલ હયાતમાં ઇન્ટર્નશિપ શરૂ કરી અને 9 મહિનામાં નાઇટ ઓડીટરની કામગીરી બજાવતો થઇ ગયો હતો. ત્યારે મને કોઇએ કહ્યું કે જો શેફ બનો તો 60 ક્રેડિટ પોઇન્ટ મળે અને તેથી ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેવા મળે. એટલે મેં બેન્ટલી ટાફેમાં એક વર્ષ કોમર્શિયલ કુકીંગ શરૂ કર્યું અને 6 મહિના પછી હું હાઇએસ્ટ પેઇડ શેફ બની ગયો હતો. વિશ્વમાં સૌથી વધુ સ્ટ્રેસવાળી જોબ આઇટી અને શેફની છે. મેં પર્થમાં પર્સનલ લોન લઇને હોટલ શરૂ કરી પણ ન ચાલી અને ઘણું નુકસાન કર્યું.

    તેમણે વધુમાં જણાવ્યું કે મેં ફરી જોબ શરૂ કરી અને ભારત આવીને લગ્ન કર્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં પોર્શ એરિયામાં ફરીથી પાર્ટનરશીપમાં હોટલ શરૂ કરી, જોકે પાર્ટનરે છેતરીપીંડી કરી અને તેની સાથે વિવાદ થતાં છુટો થયો. જોકે મેં લોન લીધી હોવાથી બીજી વાર ઘણું નુકસાન કર્યું દરમિયાન મારી પત્ની પ્રેગનન્ટ થતાં ફરી જોબ શરૂ કરી. વર્ષ 2007માં પુત્રના જન્મ બાદ હું ભારત પાછો આવ્યો અને ભારતમાં બે વર્ષ જોબ કરી. એ વખતે ઇ ટીવી ગુજરાતીએ મને ઓફર કરી કે અમારે રેસીપી અંગેનો કાર્યક્રમ કરવો છે એટલે પ્રથમ વખત ગુજરાતીમાં બોલતા મેલ શેફને લોકોએ ટીવી પર જોયો. આથી મને ઘણી પબ્લીસિટી મળી. વર્ષ 2009માં કુકીંગ વર્કશોપ કર્યો અને મીડિયામાં મને ઘણું એક્સપોઝર મળ્યું. મારા પરિવારે સંઘર્ષમાં મને હંમેશાં પૂરો ટેકો આપ્યો છે અને તેથી જ સફળતા મળી છે. 

    પ્રણવ જોશીએ વધુમાં જણાવ્યું કે મુંબઇમાં ફૂડ ચેનલમાં સંજીવ કપુરના શોની સ્પર્ધામાં મેં ભાગ લીધો અને તેમાં હું પાંચમા ક્રમાંકે આવ્યો હતો અને ત્યારબાદ લોકોએ મને ઘણો આવકાર આપ્યો હતો. હાલમાં હું પાંચ રેસ્ટોરન્ટ મેનેજ કરું છું, યુ ટ્યુબ પર શો આવે છે, અદાણી વિલ્મરના બોર્ડની આરએન્ડડી ટીમમાં છ વર્ષથી ફરજ બજાવું છું. મેં અમદાવાદમાં ‘માધુર્ય’ હોટલ શરૂ કરી હતી. ટાઇમ્સ શેફ ઓફ યરનું ટાઇટલ પણ મેળવ્યું છે. અખબારોમાં મારા આર્ટિકલ્સ પ્રસિદ્ધ થાય છે અને એક બુક પણ લખી રહ્યો છું. ભવિષ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે અને તેમાંથી ઓર્ગેનિક રેસ્ટોરન્ટ પણ શરૂ કરવી છે. આ ઉપરાંત સમાજમાં શું ચાલી રહ્યું છે એ અંગે સ્ક્રીપ્ટ લખી રહ્યો છું અને મુવી ડિરેકટ કરવાની ઇચ્છા છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!