• જીવનમાં ક્યારેય હાર ન માનો : સૌરભ જૈન 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 09:42 AM
    • પેટીએમમાં 2018માં વાઇસ પ્રેસિડન્ટ તરીકે જોડાયો : ભવિષ્યમાં ઉદ્યોગસાહસિક બનવું છે
    • ટૅક્નાૅલાૅજી અને સ્ટાર્ટઅપ વગેરે વિષયો પર પાંચ વર્ષમાં મેં 205 બુક્સ વાંચી હતી 
    અમદાવાદ

     ગમે તેવા સંજોગોમાં પણ આપણે ક્યારેય જીવનમાં હાર ન માનવી જોઈએ એવું સૌરભ જૈને જણાવ્યું હતું. 

     પેટીએમના વાઇસ પ્રેસિડન્ટ સૌરભ જૈને ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ દિલ્હીમાં થયો હતો અને મેં બીકોમ ઓનર્સ સુધીનો અભ્યાસ દિલ્હીમાં કર્યો હતો અને પછી સીએ કર્યું હતું. મારા પિતા સ્વ.એસ.કે. જૈન સીએ હતા અને તેમની ઇચ્છા હતી કે હું કમ્પ્યૂટર એન્જિનિયર બનું. જોકે, મને કમ્પ્યૂટર પ્રત્યે પહેલેથી લગાવ હતો માટે ધો.7માં મેં કમ્પ્યૂટર શિખવાની શરૂઆત કરી હતી અને સી લેન્ગ્વેજ શિખ્યો હતો. ધો.8માં કમ્પ્યૂટર ગેમ બનાવવાનું મારું સપનું હતું. હું ધો.10માં અભ્યાસ કરતો હતો ત્યારે એક અકસ્માતમાં મારા પિતા અને ભાઈનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ માતા અલકાબહેને કહ્યું કે તું સીએ કર જેથી પિતાની આૅફિસ ચાલુ રાખી શકાય અને તેથી મેં સીએ કર્યું. જોકે, મેં જાતે કમ્પ્યૂટરની બુક્સ વાંચીને જ્ઞાન મેળવવાનું ચાલુ રાખ્યું હતું. હું જ્યારે સીએનો અભ્યાસ કરતો હતો ત્યારે બે મહિના સીએનું વાંચન અને નવ મહિના કમ્પ્યૂટર ભણતો હતો. મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો કે જ્યારે નોકિયા કંપનીએ મને મોબાઈલની ઇવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તે વખતે મેં મોબાઈલ ટૅક્નાૅલાૅજી પર ફોક્સ કર્યું અને મોબાઈલ ફોનનું પ્રોગ્રામીંગ શિખ્યો હતો. મને આમંત્રણ મળતાં હું રિલાયન્સ ધીરુભાઈ નોલેજ સિટીમાં ગયો હતો અને એ અનુભવ અદભૂત હતો. વર્ષ 2003માં મેં મોબાઈલ એપ્લિકેશન પર પ્રથમ બુક લખી હતી અને ત્યાર પછી લોકો મને કમ્પ્યૂટર એન્જિનિયર માનવા લાગ્યા હતા. 

    તેમણે જણાવ્યું કે મને ખાતરી હતી કે મોબાઈલનું ભવિષ્ય ઉજ્જવળ છે. વર્ષ 2004-05માં મેં મોબાઇલ ગેમ્સ બનાવીને રિલાયન્સને ફ્રીમાં આપી હતી. તાલિમ આપવા માટેની મેં ટ્રેનિંગ કિટ બનાવી હતી તેના નાણા તેઓએ મને આપ્યા હતા. મને દક્ષિણ ભારતમાંથી ઘણી આૅફરો મળી હતી અને વર્ષ 2005થી 08 સુધીમાં મેં 1000થી વધુ એન્જિનિયરોને ભણાવ્યું હતું જેમાં વિદેશી વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ ક્લાયન્ટસનો સમાવેશ થાય છે. વર્ષ 2009માં મેં સ્ટાર્ટઅપ એસ.કે.જે. ટૅક્નાૅલાૅજી શરૂ કર્યું હતું અને વર્ષ 2010માં ઓપન ક્લાસ શરૂ કર્યા હતા કે જેમાં સામાન્ય ફીમાં વિદ્યાર્થીઓને ભણવા મળતું હતું પરંતુ વિદ્યાર્થીઓ ઓછા આવ્યા હતા. વર્ષ 2010માં મેં સીએની ફર્મ બંધ કરી દીધી. વર્ષ 2011માં હું ક્લાઉડ કોમ્પ્યુટીંગ શિખવાડતો હતો. વર્ષ 2012માં મને બ્લેક બેરીએ અમેરિકા બોલાવ્યો હતો નવા પ્લૅટફાૅમમાં જોડાવા માટે અને આમ હું અમેરિકા ગયો હતો. બ્લેક બેરીએ ઓપન ક્લાસને ટેકો આપ્યો હતો અને તેની ઘણી કોન્ફરન્સોમાં મેં લેકચર્સ આપ્યા હતા. નોકિયાએ તેના આશા ફોનમાં મારી બનાવેલી એપ નાંખી હતી જે મારા માટે મોટી સફળતા હતી. વર્ષ 2014માં એજ્યુકેશનલ મોબાઈલ ગેમ્સ કંપનીમાં હું કો-ફાઉન્ડર બન્યો હતો. ત્યારબાદ તેના પાર્ટનર યુરોપ શિફટ થતાં મેં કંપની છોડી દીધી હતી. વર્ષ 2015માં મેં ટૅક્નાૅલાૅજી અને સ્ટાર્ટઅપ વગેરે વિષયો પર કુલ 57 બુક્સ વાંચીને જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વર્ષમાં મેં 205 બુક્સ વાંચી હતી. 

    તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ હું વર્ષ 2005માં પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માને મળ્યો હતો અને વર્ષ 2012માં મેં તેમને ગેમ બનાવીને આપી હતી. હવે વર્ષ 2017માં તેમણે મને ફરીથી બોલાવ્યો ત્યારે મેં તેમને કેટલાક આઈડિયા આપ્યા હતા અને  કન્સ્લ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ વર્ષ 2018માં પેટીએમ- બિલ્ડ ફોર ઇન્ડિયા પ્રોગ્રામ અને વાઈસ પ્રેસિડન્ટ તરીકે પણ જોડાયો હતો. આ ઉપરાંત મને સીએસઆર હેડ બનાવ્યો હતો. મેં આજ સુધીમાં આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ,  આઈઆઈટી રૂરકી, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ સહિત સંખ્યાબંધ ઓર્ગેનાઇઝેશનમાં લેકચર્સ આપ્યા છે. ભવિષ્યમાં મારે ફરીથી ઉદ્યોગસાહસિક બનવું છે અને એનજીઓની સ્થાપના કરવી છે જે સ્ટાર્ટઅપને મદદ કરે. મારા પરિવારમાં માતા અલકાબહેન, પત્ની મેઘાબહેન, પુત્ર શુભાંકિત જે છ વર્ષની વયથી પ્રોગ્રામીંગ કરે છે અને એક પુત્રી છે. ટૅક્નાૅલાૅજીના ભવિષ્ય અંગે તેમણે જણાવ્યું કે આપણો વર્ચ્યુઅલ વર્લ્ડમાં વધારે સમય પસાર થશે અને ઓટોમેશનને કારણે જોબ્સ બહુ ઘટશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શીયલ ટૅક્નાૅલાૅજીનું ચલણ ઘણું વધશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!