• લક્ષ્મીની પવિત્રતા
    આર્ટિકલ 4-2-2023 11:58 AM
    લેખક: કે. વી. લકુમ
    (ગતાંકથી ચાલુ...)
    શાખાનાં મેનેજર નવા હતા. તેણે ખાતાની વિગત કમ્પ્યુટરમાં જોઈ અને જાણ્યું કે, ખાતામાં નોમીની તરીકે તેજલ ઉદાણીનું નામ છે. મેનેજરે આવેલ ભાઈને પૂછ્યું, “ તેજલ ઉદાણીને તમે ઓળખો છો?” આગંતુકે કહ્યું, “ ના, મને જાણ નથી.” પછી મેનેજરે સ્ટાફ ક્લાર્ક તેજલ ઉદાણીને બોલાવી અને બંન્ને ખાતાઓ વિષે જાણ કરી. તેજલ ઉદાણીએ સવાલો પૂછીને પૂરી હકીકત જાણી. નિલેશભાઈની પાસબૂક અને ફિક્સની રસીદ લાવનાર જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના મેનેજર કિરીટભાઈ હતા. તેમણે નિલેશભાઈ વિષે પૂરી વાત કરી. નિલેશભાઈ વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી કિરીટભાઈ તથા બીજાની સાથે પોતાના ઘરની વાતો કરતા. તેમને દીકરા અને દીકરી તરફથી ઘણો અસંતોષ હતો. કોઈવાર લાગતું કે તેમને દીકરા-દીકરી પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એકવાર વાત-વાતમાં નિલેશભાઈએ કહેલું કે, “ જો મારૂ અવસાન થાય તો પણ દીકરા-દીકરીને જાણ કરતાં નહી. મારી કોઈ વસ્તુ તેઓને આપતા નહીં.” નિલેશભાઈની તબિયત સારી રહેતી હતી પણ ચિંતા અને ઉદાસીનતા તેમના મનને કોરી ખાતી હતી. એક સવારે તેઓ પથારીમાંથી ઉઠ્યા જ નહીં અને ઊંઘમાં જ એમને હૃદયરોગનો હુમલો થયેલો. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરડા લોકોનું જો મૃત્યુ થાય તો તેમની સ્મશાનવિધિ અંગે સંસ્થા કોઈ જવાબદારી સ્વિકારતી નહીં પણ કિરીટભાઈને નિલેશભાએ જે અંગત વાતો કહેલી તેનાથી પ્રભાવિત થઈને કિરીટભાઈએ નિલેશભાઈના અંતિમ સંસ્કાર કર્યા. નિલેશભાઈનો સામાન તપાસતા તેમાંથી બેન્કની પાસબૂક-રસીદ મળતા તે બેન્કમાં આપવા આવ્યા હતા. ખરી કામગીરી હવે બેન્કના મેનેજર અને તેજલે કરવાની હતી. તેજલે કિરીટભાઈ પાસેથી નિલેશભાઈનું ડેથ સર્ટિફિકેટ મંગાવી લીધું. તેજલે નવા મેનેજરને, નિલેશભાઈના ખાતામાં પોતાનું નામ કેવી રીતે દાખલ થયેલું તે હકીકત જણાવી. ફિક્સ ડિપોઝિટ ત્રણ વર્ષ માટે મૂકવામાં આવી હતી તેથી તે એક વર્ષ પછી પાકવાની હતી. એક વર્ષ પછી નિલેશભાઈની ફિક્સ ડિપોઝિટ પાકી ત્યારે તેની તથા સેવિંગ ખાતાની રકમ તેજલે પોતાના ખાતામાં જમા કરાવી. તેજલને ખ્યાલ હતો કે નિલેશભાઈ આ રકમ કોઈ દાનના હેતુ માટે વાપરવા ઈચ્છતા હતા. તેથી તેણે કયા પ્રકારનું દાન કરવું તેનો વિચાર કર્યો. તેને થયું કે કોઈ નિશાળમાં ગરીબ વિદ્યાર્થીઓને આ રકમમાંથી દાન આપી શકાય. એક દિવસ તેજલ પોતાનાં ઘરની બાજુમાં આવેલ સર્વોદય શાળામાં ગઈ. ત્યાં તેની મુલાકાત શ્યામલ ચાવડા નામના એક શિક્ષક સાથે થઈ. શ્યામલ ચાવડા એમ.એ.બી.એડ. ભણેલ શિક્ષક હતા. તેમના પિતા કરસનભાઈની ચપ્પલની દુકાન હતી. જાતે સીવેલા તથા અન્ય કંપનીની ચપ્પલ તેઓ વેચતાં. દીકરો શ્યામલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતો. કરસનભાઈ, તેમના પત્નિ ગોદાવરીબેન અને શ્યામલ શહેરના છેવાડેની વસાહતમાં, પોતાના નાના મકાનમાં રહેતા હતા.કરસનભાઈને ભજનો ગાવાનું ગમતું. તે ભગત તરીકે જાણીતાં હતા. તેમણે દીકરાને કર્મ અને ઈશ્વરભક્તિના સંસ્કાર આપ્યા હતા. 

    તેજલ જ્યારે પહેલીવાર શ્યામલને મળી ત્યારે તેણે શ્યામલની આંખોમાં સંસ્કારનું તેજ જોયું હતું. તેજલે શ્યામલને પૂછ્યું હતું, “આ નિશાળમાં ગરીબ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો અમારી પાસે ફંડ છે તેમાંથી અમે ફાળવી શકીએ.”

    શ્યામલની શાળામાં ગરીબ કુટુંબોના બાળકો ભણતા હતાં. તેમાં કોઈને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો, નોટબૂકો તથા અન્ય જરૂરિયાતો માટે મદદની જરૂર રહેતી.તેજલે પોતાની પાસે દાન આપવાની રકમ કેવી રીતે આવી તેની હકીકત જણાવી ત્યારે અનાયાસે મળેલી રકમનો ઉપયોગ પોતાને માટે કરવાને બદલે અન્યને મદદ કરવામાં તે વાપરવી એવી તેજલની ભાવનાથી શ્યામલ પ્રભાવિત થયો. બંને વચ્ચે રકમના ઉપયોગ વિશે ઘણી ચર્ચા થઈ. તેઓ વારંવાર મળ્યા. તેજલની ઊંમર ત્રીસ વર્ષની થઈ હતી. તેને માટે લગ્નના મૂરતિયા જોવામાં તેજલની દ્રષ્ટિ ફ્કત સુસંસ્કાર શોધવાની હતી. પોતાની જ્ઞાતિના જેટલા ઉમેદવારો જોયા તેમાં તેને પોતાને ગમતું સંસ્કારનું સ્તર જોવા ન મળ્યું. તેને તે સંસ્કાર શ્યામલમાં દેખાયા. 

    તેજલને પોતે જો શ્યામલ સાથે લગ્ન કરે તો નિલેશભાઈએ નિચલી જ્ઞાતિમાં દીકરીએ લગ્ન કર્યા પછી તેની સાથે કરેલો વર્તાવ યાદ આવ્યો. “પોતાના મા-બાપ પણ આમ જ કરશે તો ?” એવો પ્રશ્ન તેને થયો. પણ તેજલના ઘરની સ્થિતિ જૂદી હતી.તેજલે પોતે શ્યામલમાં યોગ્ય સંસ્કાર જોયા છે તે વાત મા-બાપને ગળે ઉતારી. ત્યાર પછી તેજલ અને શ્યામલના લગ્ન થયા. તેજલ શ્યામલના શહેરમાં છેવાડે આવેલા નાના મકાનમાં રહેવા ગઈ. ત્યારે શ્યામલ અને તેજલના મનમાં તો જરૂરિયાતવાળા લોકોની સેવા કરવાની ભાવના જીવનમંત્રરૂપે હતી. તેથી નિલેશભાઈના બે લાખ રૂપિયામાં તેઓ દર મહિને પોતાના પગારમાંથી થોડી રકમ ઉમેરતા રહ્યાં. 

    ગોદાવરીબેન સામાન્ય ઘરમાંથી આવેલા પણ તેમનામાં કોઠાસૂઝ ઘણી હતી. આસપાસના લોકોમાંના શરીર-સંકેતો (બોડી લેંગ્વેજ) જલદી જાણી લેતા. તેમને થયું કે તેજલ વહુ મોટા રહેણાંકમાંથી આવી હોવાથી નાના, પૂરતી સુવિધા વિનાના, ઘરમાં તેને અકળામણ થાય છે. જોકે તેણે એ માટે ક્યારેય ફરિયાદ કરી નથી. ગોદાવરીબેને એકવાર શ્યામલને કહ્યું, “તમે બન્ને કમાવ છો તો હવે આપણે બહારના ભાગમાં નવું મકાન લેવું જોઈએ.” આ વાત પછી નવા મકાનના ખર્ચ વિ.ની ચર્ચા ચાલી ત્યારે ગોદાવરીબેને, કરસનભાઈને કહ્યું, “આપણે આ જૂનું મકાન વેચી દઈએ તો તેમાંથી જે રકમ મળે તે શ્યામલને નવું ઘર લેવા માટે અપાય.” આ વાત જ્યારે તેજલે સાંભળી ત્યારે તેણે કહ્યું, “ના બા, આ જૂનું મકાન તો બાપ-દાદાની નિશાની છે.” તેને આપણે વેચવું નથી. અમે તો લોન લઈને મકાન કરીશું અને આપણે બધાં તેમાં રહેવા જઈશું.” આ વાત કહેતી વખતે તેજલને નિલેશભાઈ યાદ આવી ગયા. તેમના દીકરા અને વહુએ જબરદસ્તીથી નિલેશભાઈનું જૂનું મકાન વેચાવ્યું ત્યારે અશાંતિનો જૂવાળ ઊભો થયો હતો.  તેજલને થયું કે નિલેશભાઈએ સંસ્કારોથી સીંચેલી મૂડી તેની પાસે છે ત્યાં સુધી તે કોઈ ગલત કામ નહીં કરે......લક્ષ્મીની પવિત્રતાના પ્રભાવને તે માણી રહી. તેના મનમાંથી એક અવાજ ઉઠતો અને જાણે નિલેશભાઈને કહેતી હતી, “તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો તમારૂ ધન તમારી ઈચ્છા પ્રમાણે જ વાપરીશ તેની ખાત્રી રાખજો.”
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!