• પ્રણયની મસ્તી એને ક્યાં લઈ જાય છે જુઓ! 
    આર્ટિકલ 6-2-2023 11:37 AM
    લેખક: પ્રતાપસિંહ ડાભી
    આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના 
    મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ 
    દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
    આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
    જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
    મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં 
    મ્હોર્યા  છે  આજ આંખમાં આંબા વસંતના 
    ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ 
    હૈયે થયા છે આજ તો છાંટા વસંતના
     ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે 
    પાછા ફરી ના આવશે તડકા વસંતના
    -  મનોજ ખંડેરિયા

    શુકન અને શુભ મુહૂર્તમાં માનનારી આપણી સંસ્કૃતિના પૂજકો આડે દિવસે તો ભલે ચોઘડિયા જોવડાવતા હોય પરંતુ વગર જોયાનાં પણ કેટલાક મુહુર્ત છે જ! લાભપાંચમ, વસંતપંચમી અખાત્રીજ અને અષાઢી બીજ; આ બધા દિવસો કોઈ મૂહુર્તના મોહતાજ નથી. એના સાંસ્કૃતિક કારણો તો છે જ ને સાથે કુદરતી પણ ખરાં જ. આ બધા ઋતુપલટાના દિવસો છે. વસંતપંચમી પણ એ જ રીતે નવોઢાનો શણગાર ધારીને આવતી વસંત ઋતુના વધામણાં કરતી હોય છે. જોકે માણસ જાતની કુદરત વિમુખ જીવનશૈલીએ,  ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ નામના જે બે મહાદૈત્યો પેદા કર્યા છે એણે બધું ઉલટસુલટ કરી નાખ્યું છે. હમણાં જ વસંતપંચમી ગઈ. ગાત્રો થીજવતી ઠંડીની સાક્ષીએ આપણે સૌએ એના સામૈયાં કર્યા. કડકડતી ટાઢની ઐસી કી તૈસી કરીને નિયમ મુજબ વસંતપંચમીના વગર મૂહુર્તના લગ્નો પણ લેવાયાં. 

      આમ કુદરત રૂઠી હોય ત્યારે સાચી વસંતપંચમી કેવી હોય અને એ વખતે કુદરતનો કરિશ્મા કેવો હોય એ જાણવા ગિરનારી ગર્જનાના કવિ મનોજ ખંડેરિયાની આ બહુ જાણીતી ગઝલ પાસે જવું રહ્યું.

    વસંત આવી રહી છે એનાં પ્રમાણ વૃક્ષ અને વનસ્પતિ સિવાય બીજું કોણ આપી શકે?  પર્ણહીન થયેલ વૃક્ષો નવાં કલેવર ધારણ કરે ત્યારે ડાળી મારગે નજર દોડાવીએ તો સમજાશે કે એ મારગે થઈને જ વસંતના અસલી મુકામ સુધી જવાય છે. વિવિધ વૃક્ષ-વેલા-વનસ્પતિ પર ચમકતા- દમકતા હારબંધ ફૂલો જાણે કે એ મારગ પર પડેલાં વસંતના વૈભવી પગલાંનાં નિશાન જેવાં જણાય છે. દૂરસુદૂર હિમાલય પરથી વહીને આવતા હિતકારી વાયરા હોય કે વચમાં વિંધ્યનું વહાલ લઈને સરકી રહેલ સમીર હોય કે અહીં આપણા ગુજરાતના ઘર આંગણે અરવલ્લીનાં અરમાનોથી મઢેલ કે સાતપુડાના શૃંગારને સથવારે નીકળેલા પવને જાણે કે પીંછીનું રૂપ ધારણ કર્યું છે! અને પેલાં ફૂલોનાં ઘૂંટાયેલા રસમાંથી નીકળતા રંગોમાં ઝબોળાઈ ઝબોળાઈને એ પીછી અવનવા નકશાઓ ચીતરી રહી છે. એ જ તો છે વસંતના નકશાઓ! એ જ તો છે મન હૃદયનાં કેફને ઘૂંટી ઘૂંટીને બહેલાવવા માટે રચાયેલા સીમાડાઓની નિશાની! આ કેફ જ્યારે પ્રણયમસ્ત જુબાને ચડે ત્યારે ગઝલનો કેવો શેર નીકળે છે! પ્રણયની મસ્તી એને ક્યાં લઈ જાય છે જુઓ! આ વસંતના ઘેઘૂર રંગો એ છબીલાને પ્રિયતમાના અંગેઅંગ ચડેલા વરતાય છે. એક તરફ આ કેફી રંગે માનુનીને મદમસ્ત કરી છે ને વળી પેલા ચમનના તો ચોરે ને ચૌટે મસ્તી,મસ્તી, ને એકલી મસ્તી જ છે. જાણે કે વસંતના બે ફાંટા પડી ગયા છે! 
     વસંતનો નશો એક તરફ આનંદ હિલ્લોળમાં સૌને તરબોળ કરી રહ્યો છે તો ક્યાંક વળી કોઈક આંખોમાં આંસુની મંજરી મહેંકાવી રહ્યો છે.  એ નક્કી કોઈ પ્રીતવછોયાની આંખો જ હશે. કોઈ અગાઉની વસંતની મધુર યાદો એની આંખોમાં ઊભરાઈ હશે. તો વળી ક્યાંક આજ વસંત યાદનાં રંગબેરંગી અબીલ ગુલાલ પણ ઊડાડી રહી છે.  વાસંતી વ્યગ્રતા પ્રિયને જલ્દી જલ્દી મળવા માટે એને ઉશ્કેરી રહી હોય એવા વાવડ પણ મળી રહ્યા છે.

      ક્યાંક મસ્તી, ક્યાંક યાદો, ક્યાંક આંસું; આ બધાની વચ્ચે પણ વસંતની વાંસે આવી ચડેલા કુદરતના ખજાનાને લૂંટવાનું તો કેમ ભુલાય? વૃક્ષો નવાં કલેવર ધારણ કરી રહ્યાં છે તો પછી થીજીને ઠીકરુ થઈ ગયેલી કાયાને પણ તપાવવી પડશે ને હવે? ઘણાં દિવસો પછી વસંત એનાં માટેનો મોંઘેરો સામાન લઈને આવી ઊભી છે.ચાલો! ખેતરમાં કામ કરતા ને ફાંટ  વાળીને પાક ભરતા પેલા ખેડૂતની જેમ આપણે સૌ પણ મસ્ત મજાના તડકાને આપણી કાયારૂપી ફાંટમાં ભરી લઈએ. આ વસંતના તડકાનું તો રૂપ જ નોખું છે. એ પછી તો ગ્રીષ્મનો કાળઝાળ તડકો વેઠવાનો જ છે ને!
    વસંતના અને આ ગઝલના નશામાં રચાયેલી આ લખનારની એક તરહી ગઝલ મમળાવતા ચાલો! વસંતના ઘેનમાં ફરી એક ડૂબકી લગાવીએ.

    ઊભરાય ચારે કોર અહીં દરિયા વસંતના 
    ખોબો ભરીને પી લઉં મોજાં વસંતના 
    દાનેશ્વરીનો તોર હવા બહુ કરે છે પણ
    વિખરાઈ ગયા કીમતી પૂમડાં વસંતના
    આંખે ચડ્યો નશો ન જુવે રાહ રાતની 
    ખંજનમાં એના દોરતી શમણાં વસંતના 
    તલભાર ઝૂકી જાય તો અંદર ભરાઈ જઉ 
    વૃક્ષોની ડાળ પર ખુલ્યાં નળિયાં વસંતના 
    જાદુગરી અજબ થઈ ગઝલના ગોંદરે 
    ‘હાકલ’ ની હાકમાં ભળે ટહુકા વસંતના
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!