• વિશેષ : શું વંશ એટલે દીકરો જ?
     આપણાં સમાજમાં દીકરા કે દીકરીનાં લગ્ન થાય, ત્યારથી જ પરિવારના સભ્યો એક અપેક્ષા સેવે છે, કે જલ્દીથી મારાં પરિવારનો વંશ વધારનાર કુળદીપક આવી જાય! કુળદીપક સાંભળવામા કેટલુ સારું લાગે છે ને?કુળદીપક એટલે દીકરો અને દીકરો એટલે વંશ! કેટલી કમનસીબી છે ભારત દેશની, કે હજુ અહીંના લોકો દીકરાને જ વંશ ગણે છે. ભારત બહારની કોઈપણ માન્યતા, રિવાજોને ભારતનાં લોકો ખૂબ સરળતાથી અપનાવી લેશે; એ ભલે લીવઇનમાં રહેવાનું હોય, કે પછી માત્ર દેખાવ ખાતર મોર્ડન બનવાનું હોય, પરંતુ દીકરીઓને વંશ ગણવાની ત્યાંની વાત કદી નહીં અપનાવે! 

    નવાં નવાં નુસખાઓ અજમાવે, કે જેથી પુત્રવધૂ દીકરાને જ જન્મ આપે. કેમ ભૂલી જઈએ છીએ, કે આપણે પણ એક દીકરી છીએ. જો આપણાં માતા-પિતાએ પણ આવું જ વિચાર્યું હોત, તો શું આપણું અસ્તિત્વ હોત ખરાં? હજુ ભારત દેશના લોકો દીકરીને પથરો ગણે છે. જ્યારથી જન્મે ત્યારથી ફક્ત રસોડાં પ્રથામાં જ તેને જવા માટે તૈયાર કરવામાં આવે. શા માટે? એ દીકરી બની આવી એમાં શું કોઈ મોટું પાપ કર્યું છે તેણે? સરકાર ખૂબ મોટાં પ્રમાણમાં વીડિયો વાયરલ કરે છે, કે દીકરી પણ વંશ કહેવાય, પરંતુ આ વાતને મહત્તા કેટલાં ટકા લોકો આપે છે? આપણે ભ્રૂણ પરીક્ષણ કરાવવું કાનૂની ગુનો છે, જ્યારે ભારત બહારનાં ઘણાં દેશોમાં તે ગુનો નથી ગણાતો! જાણો છો શા માટે? ત્યાં દીકરીઓને જન્મ દેવો એટલે કોઈ ગુનો નથી. કોઈ માતાને મજબૂરીથી ગર્ભપાત કરાવો નથી પડતો. એટલે ત્યાં છૂટથી બધા લિંગ પરીક્ષણ કરાવી શકે છે અને પહેલેથી દીકરાના કે દીકરીનાં જન્મને વધાવવાની તૈયારી કરી શકે છે. જ્યારે અહીં ફક્ત ખબર પડે કે પુત્રવધૂને ચડતા દિવસો છે, ત્યાં જ દીકરાના જન્મ માટે માનતાઓ મનાવા લાગે! હજુ કેટલી દયનીય માનસિકતા છે આપણાં દેશના લોકોની! 

    દીકરી જન્મે એટલે તેનાં લગ્ન માટે જે પૈસા ભેગા કરવામાં આવે છે, તે જ પૈસા જો તેનાં ભણતર પર ખર્ચવામાં આવે, તો દીકરી તેનાં લગ્નનો ખર્ચો જાતે જ કાઢી લેશે અને પોતાનું ભવિષ્ય જાતે ઘડી શકશે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે (પાંચ) અનુસાર ભારતમાં ૧૦૨૦ પુરુષો સામે સ્ત્રીની સંખ્યા ૧૦૦૦ છે, જે પહેલાં કરતાં સારી કહેવાય, પરંતુ હવે પછી જે સર્વે થશે તેમાં પરિણામ શું આવશે કોને ખબર? કારણ બધાંને દીકરો જ જોઈએ છે, જેથી પુત્રવધૂ ઘરમાં આવે. પતિ, સાસુ, સસરા, ઘરનાં બીજાં સભ્યોની સેવા કરે, પરંતુ જો બધે જ દીકરા હશે તો પુત્રવધૂ આવશે ક્યાંથી એ વિશે વિચારવું જ રહ્યું! આપણે બધાં એમ માનીએ છીએ, કે હવે આ વિચારોમાં પરિવર્તન આવ્યું છે, પણ આ બાબતમાં તો દૂરથી ડુંગર રળિયામણા જ છે. જ્યારે થોડાં અંદર ઊતરી ચકાસીશું, તો દર ૧૦૦માંથી ૯૫ ઘર એવાં હશે, જ્યાં પુત્રવધૂને દીકરા માટે જોર દેવાયું હશે, બસ કુદરતની ઇચ્છા સામે તેમનું ચાલ્યું નહીં હોય. સરકાર પણ આ માટે કેટલું કરે? કેટલી યોજનાઓ કાઢે છે જેથી કમ સે કમ એ લાલચે તો દીકરીઓને પણ ન્યાય મળે! તેને પણ જન્મવાનો, ભણવાનો અધિકાર મળે, પરંતુ માનસિકતાને કોણ બદલી શકે? કારણ એક જ છે; બસ પોતાનો વંશ આગળ વધારવો, પરંતુ શું વંશ એટલે દીકરો જ? આપણે બધાં એ જ ભૂલી ગયાં છીએ, કે વંશની ભીતર પણ એક અંશ છુપાયેલો છે અને પોતાનો અંશ તો એક દીકરી પણ હોઈ શકે, કારણ અંશ વગર વંશનું કોઈ અસ્તિત્વ જ નથી!
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!