• વિશેષ ઃ એકાધિકાર
    આર્ટિકલ 11-10-2022 12:11 PM
    લેખક: રીટા મેકવાન
    નીતા અને અમિતના પ્રેમ લગ્ન હતા. અમિત એમ.બી.એ. થયેલો, લાડકોડમાં ઉછરેલો તેના માબાપનો એકનો એક દીકરો હતો. લગ્નના પાંચ વર્ષમાં અમિત અને નીતા એક દીકરી અને એક દીકરાના મા બાપ બન્યા. નીતા બાળકોની સંભાળમાં, સાસુસસરાની સેવામાં અને પોતાની શિક્ષિકાની નોકરીમાં વ્યસ્ત રહેતી. અમિત પાણીનો ગ્લાસ પણ ન ઉઠાવે. બધું જ તૈયાર આપવાનું. અમિતના માબાપનો નીતાને ખૂબ ટેકો હતો. ધીરે ધીરે નીતાનું શરીર ઘસાતું ચાલ્યું.

    ખૂબ જ દેખાવડા અમિતને પોતાની સાથે ઓફિસમાં કામ કરતી વિધવા પ્રિયા ગમી ગઈ. અમીતને નીતામાંથી રસ ઉઠી ગયો. એક દિવસ એણે ઘરમાં કહી દીધું કે હું પ્રિયાને પ્રેમ કરું છું. અમિતના મા બાપે વિરોધ કર્યો તો અમિત બેગમાં કપડાં ભરી પોતાની પત્ની અને બે બાળકોને છોડીને ઘરની બહાર નીકળી ગયો. નીતા આંસુ ભરી આંખે એને જતો જોઈ રહી.

    15 વર્ષના વહાણા વીતી ગયા. 25 વર્ષની નીતાની દીકરી સી.એ. બની એક કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટ બની. 22 વર્ષનો દીકરો ગ્રેજ્યુએટ થઈ બેંકમાં નોકરી કરતો હતો અને નીતા પ્રિન્સિપાલ બની ગઈ હતી.

    એક દિવસ રજાના દિવસે સાંજે ઘરમાં બધા સાથે બેઠા હતા અને અચાનક ઘરનો ડોરબેલ વાગ્યો.નીતાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર અમિત ઉભો હતો. વર્ષો પછી નીતા કોઈ અજનબી ને જોતી હોય એમ અમિતને જોઈ રહી. યુવાન થયેલા બાળકો મમ્મીની પાછળ આવ્યા. પોતાના પિતાને ઓળખી ગયા અને નીતા બાળકોને લઈને અંદર આવી.

    સોફા પર બેઠેલા અમિતના પિતા અમિતને જોઈ ઉભા થયા અને અમિતને પૂછ્યું,” કોણ છો ભાઈ?” અમિત ઝંખવાયો અને બોલ્યો,” પપ્પા, હું અમિત!? વર્ષો પહેલા થયેલી મારી ભૂલ સુધારવા આવ્યો છું. હું તમને અને મારા બાળકોને લેવા આવ્યો છું.

    નીતાએ કહ્યું, કયા અધિકારથી આવ્યો છે? મારા પરિવાર પર મારો અધિકાર છે. નીકળી જા અહીંથી  કહીને અમિતને દરવાજા તરફ ધક્કો માર્યો. અમિત બોલ્યો,” આ મારા મા બાપ છે. મારા બાળકો છે. હું કોર્ટમાં લડીશ અને  એ લોકોને અહીંથી લઈ જઈશ.

    નીતા બોલી,”અમિત, કોર્ટમાં જવાની જરૂર નથી.મારા પરિવારને હું તમાશો બનાવવા નથી માંગતી. હું અંદર જાઉં છું. તું,બાબાપૂજી, અને બાળકો નક્કી કરી લો. તમે જે નક્કી કરશો એ હું સ્વીકારીશ કહીને અંદર રૂમમાં જવા લાગી.

    અમિત ઉંબરાની બહાર નીકળતો જ હતો ને અમિતના પપ્પા બોલ્યા,” ઉભો રે મારા દીકરા!!” અમિત ખુશ થતો અંદર આવ્યો અને જોયું તો તેના પપ્પા નીતાનો હાથ પકડીને ઊભા હતા.

    અમિતના પપ્પા બોલ્યા,” તું કેમ પાછો અંદર આવ્યો? મેં તો મારી વહુ દીકરાને કહ્યું કે “ઉભો રે મારા દીકરા.”

    અમિતના પપ્પા બોલ્યા,” અમિત, એક વાત સાંભળી લે.” આ ઘર મારું છે અને તારા મા બાપ અને આ બાળકો પર નીતાનો અધિકાર છે.  બીજી એક વાત, અમારા મૃત્યુ પછી અમને અગ્નિદાહ આપવાનો “એકાધિકાર”  અમે નીતાને આપીએ છીએ. આજ પછી તારું મોં અમને બતાવીશ નહીં.

    નીતાના સાસુએ નીતાના માથે હાથ ફેરવ્યો ને ભેટી પડ્યા. તેના બંને બાળકો નીતાની પાછળ આવીને વીંટળાઈ ગયા. અમિત પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!