• વિશેષ : તમે જ તેમનાં મનમાં એક દેવ જેટલું સ્થાન પામી જાઓ છો 
    આર્ટિકલ 18-10-2022 11:30 AM
    લેખક: આરતી રામાણી (એન્જલ)
    દિવાળી એટલે લક્ષ્મી પૂજનનો અને ચોપડા પૂજનનો દિવસ. યોગ્ય મુહૂર્ત જોઈ દુકાનો ‘ને ઑફિસમાં ચોપડાનુ પૂજન કરવામાં આવે છે સાથે મા લક્ષ્મીજીની સ્થાપના કરી, આવતાં વર્ષની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, કારણ મા લક્ષ્મી ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનાં દેવી છે. ખરેખર, ખૂબ આનંદનો દિવસ એટલે દિવાળી! ઘણાં પરિવાર પોતાનાં  ઘરમાં મા લક્ષ્મીજીનું સ્થાપન કરી, તેમની પૂજા કરે છે સાથે પોતાની પાસે રહેલાં ધન અને દાગીનાની પણ પૂજા કરે છે. મા લક્ષ્મીજીની આરતી ઉતારી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, આ દિવસે મા લક્ષ્મીજીનો ઘરમાં પ્રવેશ થશે અને કાયમ માટે નિવાસ રહેશે તેવી ભાવના મનમાં ધારણ કરે છે. 

    શું કદી કોઈ પરિવારમાં મા લક્ષ્મીજીની સાથે તેમનાં ઘરની ગૃહલક્ષ્મીની આ રીતે પૂજા થઈ હશે? લગભગ બહુ જ ઓછાં પરિવારમાં આ રીતે ઘરની ગૃહલક્ષ્મી; જે આખાં ઘરને સંભાળે, પરિવારનાં સભ્યોનું ધ્યાન રાખે, ભીતર ગમે તેટલી દુઃખી હોય, પરંતુ ઘરમાં કઈ રીતે ખુશી આવે એ માટે સદા કાર્યરત રહેતી હોય, એન કેન પ્રકારે બચત કરી ઘરની સુખ સમૃદ્ધિ માટે જરૂરિયાતનાં સમયે એ તમામ બચત પરિવાર પર ન્યોછાવર કરતી હોય, જેનાં પરિણામે ઘર હંમેશાં સુખી અને સમૃદ્ધ રહે છે, તેની કદી પૂજા કેમ નહીં થતી હોય? આ લક્ષ્મી તો સાક્ષાત્ છે ને! જે હંમેશાં હાજર રહેવાવાળી; વગર માંગે બધું હાજર કરવાવાળી છે, તો આ લક્ષ્મીની પૂજા કેમ નહીં? 

    જે ઘરમાં પતિ નારાયણ બની પોતાની લક્ષ્મીરૂપી પત્નીને કપાળે કંકુનો ચાંદલો કરી; પગનાં અંગૂઠાને મા લક્ષ્મીજીનાં પગનાં અંગૂઠાની જેમ દૂધથી અને પાણીથી ધોઈ, સ્વચ્છ કરી, કંકુ-ચોખાથી લગાવી, આરતી ઉતારે અને મા લક્ષ્મીજીની જેમ જ તેનું પણ પૂજન કરે છે, તે ઘરમાં પતિમા સાક્ષાત્ નારાયણનો અને પત્નીમાં મા લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરમાં હંમેશાં લક્ષ્મી-નારાયણ વિરાજમાન રહે છે. પછી એ ઘરમાં સમૃદ્ધિ અને સુખ મેળવવા માટે કદી મા લક્ષ્મીજીને પ્રાર્થના પણ કરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ જે ઘરમાં એક સ્ત્રીને માન મળતું હોય એ ઘરમાં બીજી સ્ત્રી પોતાને આપમેળે જ સુરક્ષિત અનુભવે છે અને ત્યાં નિવાસ કરવા માટે તત્પર રહે છે. ઘરમાં સ્ત્રીનું કોઈપણ રૂપ હોય તેનું આ રીતે પૂજન કરવાથી મા લક્ષ્મીજી પણ એ ઘર પર ખૂબ જ પ્રસન્ન રહે છે. 

    આ વાતને ઘણાં લોકો હાંસી ઉડાવી ફગાવી દે છે, “કોઈ સ્ત્રીની મા લક્ષ્મીજીની જેમ પૂજા કંઈ થતી હશે? આમ કરવાથી તો મા લક્ષ્મીજીની જગ્યાએ તેને સ્થાન આપ્યું કહેવાય! મા લક્ષ્મીજીની જગ્યા કદી કોઈને અપાતી હશે?” આ વાત તો જેણે ઘરની સ્ત્રીઓને પૂજ્ય ગણી હોય તે જ જાણી શકે, કે ખરેખર ભગવાનની જગ્યા કોઈ વ્યક્તિ લઈ જ નથી શકતું. એટલે મા લક્ષ્મીજીનું સ્થાન કોઈ સ્ત્રીને આપવાનો સવાલ જ નથી; વાત છે ફક્ત મા લક્ષ્મીજી સાથે ઘરમાં કાયમ માટે છેલ્લાં શ્વાસ સુધી સ્થાયી રહેલી પત્ની, મા, દીકરી કે બહેન રૂપી લક્ષ્મીને પણ માન આપવાની. તેની પૂજા કરવાથી કદી કોઈ પુરુષ નીચો નથી થઈ જતો, ઊલટું ઘરની બધી જ સ્ત્રીઓનાં મનમાં તેનું સ્થાન ભગવાન જેટલું થઈ જાય છે. તાત્પર્ય, ઘરની ગૃહલક્ષ્મીની પૂજા કરવાથી તેને ભગવાનનું સ્થાન નથી આપતાં અલબત્ત, તમે જ તેમનાં મનમાં એક દેવ જેટલું સ્થાન પામી જાઓ છો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!