• જડ બનતા રોકી અને પ્રેમરૂપી જળથી પાવન કરો!  
    આર્ટિકલ 22-3-2023 12:03 PM
    લેખક: ફાલ્ગુની વસાવડા
     ચૈત્રી નવરાત્રીમાં મા જગદંબા ને પ્રાર્થીએ કે આપણું જડ બની ગયેલું જીવન જળ જેમ તરલ અને તૃપ્તિ કરાવનારું બને. 
    હે‌ મા જગત જનની જગદંબા.
    આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ ગયો, અને આજે ચૈત્રની બીજી પ્રભાતે મા જગદંબાને સકલ વિશ્વનાં કલ્યાણાર્થે પ્રાર્થના કરતાં કહ્યું કે  હે “મા” તું જ તારનારી છે, અને તું જ મારનારી છે, અને તું જ અમારી બુદ્ધિને સંચાલિત કરનારી છે, તો અમારી બુદ્ધિમાં નિર્મળ સ્વરૂપે બિરાજમાન થઈને અમારી આંતર બાહ્ય જડ ચેતન સમસ્ત સૃષ્ટિને ફરી પાછી નવ પલવીત કરો. ગઈકાલે જળ દિવસ હતો તો અમને જડ બનતા રોકી અને પ્રેમરૂપી જળથી પાવન કરો!  આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ છે, સરહદ પર જઈને શહીદ થવું એવું સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું નથી, પરંતુ રાષ્ટ્ર માટે હંમેશા સમર્પણની ભાવના સર્વોપરી રહે એવી બુદ્ધિ આપો. હિન્દુ સનાતન સંસ્કૃતિની ધજા સદાય ઉંચી લહેરાતી રહે એવું અમારાથી કર્મ થાય, અને આપેલા દ્રવ્યનો અન્યની ઉપયોગીતા માટે ઉપયોગ થાય એવી મૈત્રીની નિર્મળ ભાવના સદાય અમારા હૃદય કમળમાં વહેતી રહે.આપણે ગઈકાલે વાત કરી હતી કે ક્રિયા, દ્રવ્ય, અને જ્ઞાન આ માનવ જીવનના મુખ્ય ત્રણ પરિબળ છે, અને એના થકી એનું જીવન સુંદર કે ખરાબ બની શકે છે. પરંતુ આપણે ચૈત્રી ઉપાસના કરી મા જગદંબાની કૃપા પ્રાપ્ત કરી આ ત્રણ પરિબળો થકી આપણા જીવનની ચૂંદડી ને સુંદર બનાવવાની છે. બાળક જન્મે અને જેમ જેમ એના શરીરની વૃદ્ધિ થાય એમ એનો પહેલો પરિચય ક્રિયાથી થાય છે એટલે કે હસવું, રડવું, જમવું, ઉઠવું, ચાલવું, સૂવું! પછી જેમ જેમ મોટો થતો જાય એમ દ્રવ્યની માંગ તેની વધતી જાય પ્રાથમિક જરૂરિયાતો વિશે તેને સમજ પડતી જાય, અને કયા દ્રવ્યની એને કયા સમયે જરૂર પડે છે, એને વિશે એ સમજતો થાય. જેમ જેમ સંબંધો વધતા જાય, એમ આ સમય દરમિયાન તેને કોની સાથે કઈ રીતે વ્યવહાર કરવા, બોલવું, ચાલવું, આપવું, લેવું. આ બધું જ તેની સમજણ કે જ્ઞાન થકી તે કરતો થાય છે. પરંતુ આપણે હવે એ સ્ટેજ ચુકી ગયાં, અને ક્રિયા કે દ્રવ્ય વિશેની સમ્યકતા વાળી સમજણ આપણને સમયે પ્રાપ્ત થઈ નહીં. અથવા તો જીવનના સંજોગો કે પરિસ્થિતિને કારણે એવું થયું. તો આપણે બાકીના જીવન માટે હવે સૌ પ્રથમ સરસ્વતીની ઉપાસના કરી અને આપણી સમજને શુદ્ધ કરીએ, આપણા જ્ઞાનને પરિપક્વ કરીએ, અને પછી આપણી પાસે રહેલા દ્રવ્યનું આયોજન કરીએ, જરૂરતથી વધારે નાં દ્રવ્યોનું ક્રિયામાં રૂપાંતર કરી સમાજના છેક સુધીનાં લોકો સુધી વિચારી તેનું વિતરણ કરીએ, તો આપણે આ ચૈત્રની ઉપાસના સાચી રીતે થઈ એમ કહી શકાય.
    ગઈકાલે આપણે શક્રાદયની સ્તુતિના પાંચ શ્લોકનો ભાવાનુવાદ કર્યો અને એ પૂર્ણપણે શાસ્ત્રોત છે.  આપણે જોયું કે શક્ર એટલે કે ઇન્દ્ર મા જગદંબાની સ્તુતિ કરી રહ્યા છે. પુરાણોના જે કોઈ દેવી-દેવતાઓના પાત્રો વિશેની આપણને જાણકારી છે, એમાંથી એટલું તો તારવી શકાય કે ઈન્દ્ર દેવતાઓનો રાજા હતા, અને એ સૌથી વધુ ભોગી અને કામુક વૃત્તિ ધરાવતા હતાં, તેમજ તેને પોતાના સ્વર્ગલોકના આધિપતિ હોવાનું અભિમાન હતું, ખેર છોડો એ ભોગના વિષયમાં આપણે નથી જવું . આપણે તો ફક્ત એટલું જ વિચારીએ કે જો ઇન્દ્રની સ્તુતિ સાંભળી મા જગદંબા પ્રસન્ન થતાં હોય તો આપણી તો એ જરૂર સાંભળશે.
    * શક્રાદય સ્તુતિ*
    * હેતુઃ સમસ્તજગતાં ત્રિગુણાપિ દોષૈ
    ર્નજ્ઞાયસેહરિહરાદિભિરપ્યપારા ।
    સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂત,
     મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા ॥૬॥
    તમે જ સૌનો આશ્રય છો,આ સમસ્ત જગત તમારું અંશભૂત છે. તમે સૌની આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો, અને આ જગત તમારા આશ્રયે છે. (૬)
    *યસ્યાઃ સમસ્તસુરતા સમુદીરણેન
    તૃપ્તિં પ્રયાતિ સકલેષુમખેષુદેવિ ।
    સ્વાહાસિ વૈપિતૃગણસ્ય ચ તૃપ્તિહેતુ, 
    રુચ્ચાર્યસેત્વમત એવ જનૈઃ સ્વધા ચ ॥ ૭॥
    હે દેવિ! સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે, તે સ્વાહા તમે છો. આ ઉપરાંત તમે અમારાં પિતૃઓની તૃપ્તિનું કારણ પણ છો તેથી સૌ તમને સ્વધા પણ કહે છે.(૭)
    *યા મુક્તિહેતુરવિચન્ત્યમહાવ્રતા ત્વં
    અભ્યસ્યસેસુનિયતેન્દ્રિયતત્ત્વસારૈઃ ।
    મોક્ષાર્થિભિર્મુનિભિરસ્તસમસ્તદોષૈ,
    ર્વિદ્યાસિ સા ભગવતી પરમા હિ દેવિ ॥ ૮॥
    હે દેવિ!જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત,જીતેન્દ્રિય, તત્વને જ સાર વસ્તુ માનનાર તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરા વિદ્યા તમે જ છો. (૮)
    શબ્દાત્મિકા સુવિમલર્ગ્યજુષાં નિધાનમુદ્ગીથરમ્યપદપાઠવતાં ચ સામ્નામ્।
    દેવી ત્રયી ભગવતી ભવભાવનાય
    વાર્ત્તાચ સર્વજગતાં પરમાર્ત્તિ હન્ત્રી ॥ ૯॥
    તમે શબ્દસ્વરૂપા છો અને ઋગ્વેદ,યજુર્વેદ તથા ઉદ્ગીથના મનોહર પદોનો આધાર એવો સામવેદ તમે જ છો.તમે દેવી,વેદત્રયી અને ભગવતી-છ ઐશ્વર્યથી યુક્ત આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે વાર્તા-આજીવિકા રૂપે પ્રગટ છો.તમે જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો.(૯)
    મેધાસિ દેવિ વિદિતાખિલશાસ્ત્રસારા
    દુર્ગાસિ દુર્ગભવસાગરનૌરસઙ્ગા ।
    શ્રીઃ કૈટભારિહૃદયૈકકૃતાધિવાસા
    ગૌરી ત્વમેવ શશિમૌલિકૃતપ્રતિષ્ઠા ॥ ૧૦॥
    હે દેવી! જેના થકી સઘળા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે મેઘા તમે જ છો. દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકા રૂપ દુર્ગા પણ તમે જ છો. તમારી કશામાં ય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષ:સ્થળ માં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. (૧૦)
    તું આવી છો! એવું કહેવાની બદલે મા જગત જનની જગદંબા ને તું મારી છો!; અને હું  જેવી છું એવી તારી છું! માત્ર એટલું કહીએ તો પણ આપણી સ્તુતિ માતા સ્વીકારી લેશે, જેને પોતાના ગણ્યા હોય તેના ગુણદોષ આપણે જોતા નથી, એમ માતા તો આપણને આપણા સમજે જ છે માટે જ તે આપણું પરી પાલન અને ભરણપોષણ કરી રહી છે. પરંતુ આપણે તકવાદી છીએ એટલે સ્વરૂપ બદલાય ત્યારે ઘડીકમાં મારી અને ઘડીકમાં તારી એમ કહેતા હોઈએ છીએ! તત્વતઃ પરમ અને ચૈતન્ય શક્તિ એક જ છે, બાકી બધા તો એના સ્વરૂપો છે. જેમ ઊર્જા શક્તિના કેટલા સ્વરૂપો છે અને રસાયણશક્તિ જ્યાં કામ કરે ત્યાં યાંત્રિક શક્તિને લગાડવામાં આવે તો એનું પરિણામ જેમ વિપરીત આવે અથવા તો પરિણામ ન મળે, એમ આપણે પણ આપણી જરૂરિયાત મુજબ શક્તિના સ્વરૂપને પૂજતા હોઈએ છીએ, પરંતુ મૂળ શક્તિ સ્ત્રોત તો દુર્ગા જ છે, અને એ દુર્ગા સૌના જન્મોજનમના શુભ મંગલ માટે જ હંમેશા ક્રિયાશીલ રહે છે એ ભરોસો આપણે એના પર રાખવો પડે, કે મા એટલે મા. જેના કોઠામાં આપણે ઉછર્યા હોઈએ, જેના અંકમાં આપણે નિશ્ચિત થઈને સુતા હોઈએ, એવી મા વિશે તો દરેકની સ્વતંત્ર અનુભૂતિ હોય જ! બસ જ્ઞાન દ્રવ્ય અને ક્રિયા એ રીતે મા જગદંબાની ઉપાસના કરવામાં આવશે તો એ સ્વરૂપ એટલું નજીક અનુભવી શકાશે. આપણી સૌ ચૈત્રી નવરાત્રી આપણા માનસમાં સંગ્રહ કરી રાખેલા વિકારોને છોડી અને પ્રકૃતિની જેમ નવ પલવીત થઈ શકીએ એવી એક અન્ય પ્રાર્થના રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!