• ધગશ અને સખત પુરુષાર્થથી સફળતાની મંઝિલ પ્રાપ્ત કરી શકાય છે : અદિતી રાવલ 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:06 PM
    અમદાવાદ

    ઉદ્યોગ સાહસિક બનવા મેં રૅડિયોની ગ્લેમરસ દુનિયાને અલવિદા કહી દીધી છે એવું અદિતી રાવલે જણાવ્યું હતું. આરજે તરીકેની આઠ વર્ષની ઝળહળતી કારકિર્દીને તિલાંજલી આપીને હવે તેમણે પોતાની કંપની શરૂ કરી દીધી છે.

    સોશ્યલ મીડિયા અને બ્રાન્ડ કન્સ્લ્ટન્ટ અદિતી રાવલે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું સ્કૂલમાં હતી ત્યારે સ્પોર્ટ્સનો કિડો હતી. આર.જે. ટિબ્રેવાલ કાૅલેજમાં મેં સ્પોર્ટ્સ ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. હું મારી કાૅલેજની વાૅલીબોલ ટીમની કૅપ્ટન હતી. આ ઉપરાંત મેં ઘણા ફૅશન-શો, ડાન્સ-શો કાૅલેજમાં કર્યા હતા. મેં મોડેલિંગ પણ કર્યું હતું. મને બધું જ જાતે હાંસલ કરવું ગમે છે. ખિસ્સાખર્ચના બદલામાં હું મારા પિતાને મદદ કરતી હતી. સ્કૂલમાં વૅકેશનમાં હું અમારા ગામમાં જતી હતી અને પિતાને બિઝનેસમાં મદદ કરતી હતી અને તેના બદલામાં તેમણે મને પહેલી સાઇકલ લઈ આપી હતી. આજે મારી પાસે જે કાર છે તે મારી કમાણીમાંથી લાવી છું. મેં થર્ડ બીકોમની પરીક્ષા આપી હતી ત્યારે એક રૅડિયો ચેનલ આરજેની ભરતી કરી રહી હતી, આથી મેં પ્રયત્ન કર્યો અને ત્રણ રાઉન્ડ પછી હું સિલેકટ થઈ ગઈ. આરજે તરીકેની મારી આઠ વર્ષની કારકિર્દીમાં મેં આઉટડોર બ્રોડકાસ્ટર, મોર્નિંગ શો, ઇવનિંગ શો, પ્રાઇમ ટાઇમ શો, પ્રોડ્યુસર, સોશ્યલ મીડિયા મૅનેજર, સાઉન્ડ પ્રોડ્યુસર, ફિલ્મના રિવ્યુ કરવા જેવી વિવિધ પ્રકારની કામગીરી કરી હતી. આમ આરજે તરીકે મારી ભૂમિકા અદભૂત રહી હતી. 

    તેમણે જણાવ્યું કે હું આરજેની જોબ છોડવા માંગતી નહોતી પરંતુ સોશ્યલ મીડિયા માર્કેટીંગ અંગે વધુ શિખવા માંગતી હતી એટલે મેં ફરજ દરમિયાન સવેતન લાંબી રજા માંગી જોકે, પોલિસી મુજબ તે મંજૂર થાય તેમ નહોતું એટલે પછી મેં નાછુટકે જોબ છોડી. હાલમાં હું સ્વતંત્રપણે સોશ્યલ મીડિયા અને બ્રાન્ડ કન્સલ્ટન્ટ તથા મનોરંજન ઉદ્યોગ માટે ક્રિએટીવ એડવાઇઝર તરીકે કામ કરી રહી છું. 

    આ કંપની એક વર્ષમાં કામગીરી શરૂ કરશે. હું ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પ્રમોશન સાથે પણ સંકળાયેલી છું. મેં સુપરવાઈઝર પ્રોડ્યુસર તરીકે બોલિવુડના જાણીતા પ્રોડક્શન હાઉસ કે જેણે નેશનલ એવોર્ડ વિજેતા ‘ઓમકારા’ જેવી ફિલ્મ બનાવી છે તેની સાથે કામ કર્યું છે. આર.જે. ધ્વનિત અભિનિત ‘વિટામિન-સી’ ફિલ્મની ક્રિએટીવ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. ત્યારબાદ 2018માં ગુજરાતનો સૌપ્રથમ ક્રિયેટર સ્ટુડિયો મેં ખોલ્યો છે. જેમાં જાણીતા ગુજરાતી કલાકારો અને ફિલ્મી કલાકારોના ઇન્ટરવ્યૂ મેં લીધા છે જેમાં જેકી ભગનાની, અનન્યા બિરલા, અર્જુન કાનુંગો, સચીન-જિગર જેવા અનેક સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સંબંધો ઉપરનો સૌપ્રથમ પૌડકાસ્ટ ‘લવમાં લોચા’ શરૂ કર્યો હતો. આ ઉપરાંત કચ્છની સુંદરતાને રજૂ કરતો ટ્રાવેલ વીડિયો પણ મેં બનાવ્યો હતો જેને જોયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ્યો હતો. ભારતમાં મેં પ્રથમ સેલ્ફી વર્કશોપ યોજી હતી અને તેને ભારે સફળતા મળી હતી. અમે શોકેસ ઉત્તરાયણ કેમ્પેન આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યું હતું જેને ઘણી સેલિબ્રિટીએ ટેકો આપ્યો હતો. પ્રોજેરીઆથી પીડાતા નિહાલ બિટ્લાનો મેં ઇન્ટરવ્યુ કર્યો હતો અને પછી તેની મુલાકાત આમિર ખાન સાથે થઈ હતી. 

    તેમણે વધુમાં જણાવ્યું કે સુખ અને દુઃખ દરેકના જીવનમાં આવ્યા કરે છે. કેટલાક સમય પહેલાં હું અંગત કારણોસર હતાશ થઈ ગઈ હતી. જોકે તેમાંથી બહાર આવવા મેં પરિવાર અને મિત્રો સાથે વધુ સમય પસાર કર્યો હતો. આ ઉપરાંત ગરીબો તરફ નજર દોડાવી તો સમજાયું કે તેમની સરખામણીમાં હું ઘણી નસીબદાર છું. હું મોટાભાગે ફિલ્મોની સમીક્ષા કરું છું. હું જ્યારે રૅડિયોમાં કામ કરતી હતી ત્યારે ફિલ્મોની સમીક્ષા કરતી હતી અને જ્યારે હું કોઈ ફિલ્મ માટે નકારાત્મક ટિપ્પણીઓ કરતી હતી ત્યારે મારા રેડિયો હેડને ડિસ્ટ્રીબ્યુટર્સ સમીક્ષા બદલવા કોલ કરતા હતા અને એ માટે નાણાની ઓફર પણ કરતા હતા. જોકે, તેમણે મને ક્યારેય મારી સમીક્ષા બદલવા કહ્યું નહોતું. એક વર્ષમાં મેં પાંચ ગુજરાતી ફિલ્મોની સમીક્ષા કરી હતી જેમાંથી મને ત્રણ નહોતી ગમી. એટલે નકારાત્મક સમીક્ષા કરવા માટે મારી ટીકા કરવામાં આવી હતી અને મારી છબીને નુકસાન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું માનું છું કે આલોચના એ સરવાળે સારી બાબત છે. તમને ટીકામાંથી જ શિખવા મળે. ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા ચાલતી હોય ત્યારે સામાન્યપણે માતા-પિતા બાળકોને ટીવી અને રૅડિયોથી દૂર રાખતા હોય છે. પરંતુ એક વાર બોર્ડની પરીક્ષા ચાલતી હતી ત્યારે એક પિતાએ કોલ કરીને મને કહ્યું કે મારી દીકરીને મેં એક કલાક સુધી તમને સાંભળવાની છુટ આપી છે અને તમે તેને 90 ટકા લાવવા માટે પ્રોત્સાહન આપો એવી વિનંતી છે. મેં તેને પ્રોત્સાહન આપ્યું અને જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે તેણે 94 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. પિતા અને પુત્રી સીધા સ્કૂલથી સ્ટુડિયો પર આવી પહોંચ્યા હતા અને તેઓ બહુ જ ખૂશ હતા. આ મારી જિંદગીની એક યાદગાર પળ છે. 

    નાગરિકોને સંદેશો આપતાં તેમણે જણાવ્યું કે જો જિંદગીમાં તમારે કશું હાંસલ કરવું હોય તો બે વાર ન વિચારો અને તે હાંસલ કરવા કામે લાગી જાવ. જીવનમાં ક્યારેય પણ તમે કંઇ પણ હાંસલ કરી શકો છો અને વયને તેની સાથે કશું લાગતું વળગતું નથી. ધ્યેય પ્રાપ્ત કરવા માટેની તમારી ધગશ અને સખત પુરૂષાર્થ દ્વારા જ તમે સફળતા મેળવી શકશો. 

    અદિતી રાવલે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન વખતે સોશ્યલ મીડિયામાં કેમ્પેન કરીને મેં રૂ.12 લાખનું ભંડોળ ભેગું કર્યું હતું જેમાંથી 1000 પીપીઇ કિટ સિવિલ હાૅસ્પિટલને આપી હતી. જ્યારે 4000 સેફટી કિટ પોલીસ ડિપાર્ટમેન્ટને અને 1000 સેફટી કિટ અર્બન હેલ્થ સેન્ટર અને પેરા મિલિટરી ફોર્સને આપી હતી. આ ઉપરાંત લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ‘અદિતી બની આવાઝ’ પ્રોગ્રામ સોશ્યલ મીડિયા પર ચલાવ્યો હતો જેમાં કોઇને પ્લાઝમા ડોનર જોઇતા હોય તો મદદ કરી હતી. 

    હવે ટુંક સમયમાં હું ‘મ્યુઝીક ટોક વિથ અદિતિ’ ગુજરાતનો પ્રથમ પોડકાસ્ટ કરવા માંગુ છું જેમાં સચિન જીગર, આદિત્ય ગઢવી, દર્શન દોશી, દિલ્હીનું રોકબેન્ડ વગેરે જાણીતા કલાકારો વિશે વાત કરવામાં આવશે. હું સ્ટેચ્યુ ઓફ યુનિટિ પર ટ્રાવેલ ડાયરી રીલીઝ કરવા માંગુ છું. ‘લવમાં લોચો’ની બીજી સીરીઝ પણ રજૂ કરવા માંગુ છું. હું હમેંશા ગુજરાતી ભાષામાં જ પ્રોગ્રામ્સ તૈયાર કરું છું. ગુજરાતના ત્રણ સ્થળો સાપુતારા, ડાંગ અને દ્વારકાથી ગીર સુધીની રોડ ટ્રીપ પર કાર્યક્રમો તૈયાર કરવાની મારી ઇચ્છા છે. તેમજ ‘અમદાવાદ હિટ છે’ વીડિયો પણ તૈયાર કરવાની યોજના છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!