• સફળતા શોર્ટકટથી નહિ માત્ર અથાગ મહેનતથી જ મળે છે : દિનેશકુમાર જાંગિડ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 11:27 AM
    • છેલ્લા 20 વર્ષથી તેઓ સમાજ સેવા સાથે સંકળાયેલા છે અને વિવિધ સામાજિક સંગઠનોમાં યોગદાન આપી રહ્યા છે
    • વિવિધ લોક ગીતો અને લોક ભજનો ક્યાંય લખાઇને સચવાયેલા નથી માટે હું તેમને લિપિબ્ધ કરવા માગું છું 
    અમદાવાદ

    સફળતા મેળવવા માટે  કોઈ શોર્ટકટ કામ આવતો નથી અને માત્ર અથાગ મહેનતથી જ મળે છે. સકારાત્મક વિચારસરણી સાથે કરવામાં આવેલો પરિશ્રમ જ તમારી સફળતાને સુનિશ્ચિત કરે છે એવું દિનેશ કુમાર જાંગિડે જણાવ્યું હતું. 

    આઈઆરએસ આૅફિસર અને હાલમાં કૃષિ મંત્રી ભારત સરકારના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી દિનેશ કુમાર જાંગિડે ‘સારંગ’ ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર વર્ષ 1979માં રાજસ્થાનના નાગૌર જિલ્લાના ફરડોદ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ ધો.6થી 12 સુધીનો અભ્યાસ દેશના પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલય, કુચામન સિટીમાં કર્યો હતો. ધો.10માં સીબીએસઈ બોર્ડમાં ટોપર બનતા ભૂગોળમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પસંદગી થઈ હતી જેમાં મેં દૂરબીન બનાવ્યું હતું જેને સાર્ક દેશોમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ મેં જોધપુર અને જયપુરમાંથી બીએસસી, પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી, બીએડ અને એમએડ વગેરે ડિગ્રીઓ મેળવી હતી. હાલમાં હું એલએલબીનો અભ્યાસ કરી રહ્યો છું. આજ સુધીમાં જુદી જુદી સાત સરકારી નોકરીઓ કરી છે જેમાં તલાટી, સ્કૂલમાં શિક્ષક, કાૅલેજમાં અધ્યાપક, રાજસ્થાન એકાઉન્ટસ સેવા, ડેપ્યુટી કલેકટર, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) પાસ કર્યા બાદ કસ્ટમ આૅફિસર વગેરેનો સમાવેશ થાય છે. 

    બહુમુખી પ્રતિભા ધરાવતા દિનેશ કુમારે જણાવ્યું કે મને કવિતા લખવાનો પ્રવાસે જવાનો અને ગીતો ગાવાનો પણ શોખ છે. મેં પત્રકાર તરીકે પણ કામગીરી કરી છે. જોધપુરમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે ‘યુનિવર્સિટી ટાઇમ્સ’ નામના અખબારનું પ્રકાશન અને સંપાદન કર્યું હતું. આ ઉપરાંત સામાજિક મેગેઝીન અંગિરા જ્યોતિનું પ્રકાશન અને સંપાદન, સાહિત્યિક મેગેઝીન મરૂ ગુલશનનું સંપાદન તથા અન્ય સંખ્યાબંધ મેગેઝીનમાં હાસ્ય વ્યંગ લેખો અને કવિતાઓ લખી છે. હું કેટલાક પુસ્તકો લખી રહ્યો છું જેમાં બાકી સબ ઠીક હૈ (હાસ્ય વ્યંગ કવિતા સંગ્રહ), મેં અરજ કરૂં ગુરૂ થાને (ભજન સંગ્રહ), હમારે લોકગીત (રાજસ્થાની લોક ગીતોનો સંગ્રહ), કહાવતોં પર કવિતાએં (રાજસ્થાની ભાષાની કહેવતો પર કવિતાઓ)નો સમાવેશ થાય છે. રાજસ્થાની ફિલ્મ ‘માં’માં મહેમાન કલાકર તરીકે અભિનય કર્યો હતો. છેલ્લા 20 વર્ષથી હું સમાજ સેવા સાથે સંકળાયેલો છું અને વિવિધ સામાજિક સંગઠનોમાં સક્રીય યોગદાન આપી રહ્યો છું. અમદાવાદમાં વિશ્વકર્મા યુવા મિત્ર મંડળની રચના કરી છે. 
    મારા પરિવારમાં પિતા રાધાકિશન જાંગિડ, માતા ભંવરી દેવી, પત્ની પુષ્પાબહેન, પુત્રી દિવ્યા અને પુત્ર દર્શનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે જીવનમાં હમેંશા આશાવાદી દૃષ્ટિકોણ રાખવો જોઈએ. મન અને વચનથી કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ ન વિચારવું જોઇએ અને પોતાના કર્તવ્યપથ પર સતત આગળ વધતા રહેવું જોઇએ. જીવનમાં હમેંશા સંતુલિત દ્રષ્ટિકોણ રાખવો જોઇએ. પૈસો સર્વસ્વ નથી. પોતાનું આરોગ્ય, પરિવાર, મિત્રો, વ્યવસાય અથવા નોકરી તથા પોતાના શોખને યોગ્ય સમય આપવો જોઇએ. આપણે અન્ય લોકોને ત્યારે જ પ્રસન્ન રાખી શકીએ કે જ્યારે આપણે પોતે જ પ્રસન્ન રહેતા હોઇએ. આથી આપણે હમેંશા એવા વિચારો અને વ્યક્તિઓને આપણી પાસે રાખવા જોઇએ જે આપણને પ્રસન્ન રાખી શકે. સંતુલિત વિચારસરણીની સાથે મસ્ત રહેવાનું અને આપણી યોગ્યતા મુજબ લોકોની મદદ કરતા રહેવામાં જ જીવનમાં સાચો આનંદ રહ્યો છે. 

    તેમણે જણાવ્યું કે હું લોક સંસ્કૃતિનું રક્ષણ કરવાના ક્ષેત્રમાં કામ કરવા માગું છું. લેખન કાર્યના માધ્યમ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરાઓને ઉજાગર કરવાની ઇચ્છા રાખું છું. વિવિધ લોક ગીતો અને લોક ભજનો ક્યાંય લખાઇને સચવાયેલા નથી માટે તેમને લિપિબ્ધ કરવા માગું છું. તેની સાથે લેખન, પ્રવાસ અને સંગીતના મારા શોખનો વિકાસ કરવાની સાથે જીવનનો આનંદ લેવામાં માનું છું.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!