• સંબંધો વિકસાવવાની સાથે કામ કરતા રહેશો તો સફળતા મળશે જ : પ્રવીણ બવાડિયા
    સક્સેસ સ્ટોરી 23-3-2022 12:19 PM
    • ભવિષ્યમાં સિરિલની શાખાઓ અમેરિકા, લંડન, દુબઇ અને સિંગાપોરમાં ખોલવાની ઇચ્છા છે
    • સિટી એસ્ટેટ મેનેજમેન્ટમાં 70 અને સિરિલમાં 400 વ્યક્તિનો સ્ટાફ કામ કરી રહ્યો છે
    અમદાવાદ

    જો તમે કામ કરતા રહેશો તો સફળતા મળશે જ અને તેની સાથે પ્રમાણિકતાથી સંબંધો પણ વિકસાવતા રહો એવું પ્રવીણ બવાડિયાએ જણાવ્યું હતું. 

     સિટી એસ્ટેટ મેનેજમેન્ટના ચીફ મેનેજિંગ ડિરેકટર પ્રવીણ બવાડિયાએ ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિવ પાસે ઉનાની બાજુમાં મારું ગામ જરગલી આવેલું છે જેની વસ્તી 3000 છે અને મારા પિતા ખેડૂત છે જેમની પાસે 15 વીઘા જમીન છે. કુટુંબમાં સૌથી મોટો હું પછી મારી બે બહેનો અને સૌથી નાનો ભાઈ પ્રકાશ છે. મેં ધો.1થી7 ગામમાં અભ્યાસ કર્યો અને પછી ધો.11 સુધી જાફરાબાદની હોસ્ટેલમાં અને ધો.12 ઉનામાં અભ્યાસ કર્યો હતો. ધો.12 પછી અમદાવાદમાં સ્વામીનારાયણ ગુરૂકુળમાં પ્રવેશ લીધો અને એચ.કે. આર્ટસ કોલેજમાં એફવાય બીએમાં પ્રવેશ મેળવ્યો હતો. મારું સપનું વકીલ બનવાનું હતું. ભણતી વખતે મારી પાસે નાણા નહોતા એટલે મેં એક મિત્ર સાથે વર્કીંગ પાર્ટનર બનીને ટ્રાન્સપોર્ટનો વેપાર કર્યો હતો અને એ માટે અમે એક રૂમ ભાડે રાખી હતી, જોકે એમાં મારું ભણવાનું એક વર્ષ બગડ્યું હતું. ત્યારબાદ એસ.જી. હાઈવે પર ઘનશ્યામ ટીમ્બર્સમાં મહિને રૂ.800ના પગારવાળી નોકરી કરી હતી. ટીવાય પાસ કર્યા પછી વેકેશનમાં વર્ષ 1997માં પ્રથમવાર એક મકાન ભાડે અપાવતા મને રૂ.5000 દલાલી મળી હતી. 

    તેમણે જણાવ્યું કે ટીવાયમાં મને 71 ટકા આવતા મેં એલ.એ.શાહ લાૅ કાૅલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 1998માં રથયાત્રાના દિવસે ડ્રાઇવ ઇન રોડ પર એક બંગલામાં ભાડેથી આૅફિસ રાખી હતી અને મારી કંપનીનું નામ સિટી એસ્ટેટ મેનેજમેન્ટ રાખ્યું હતું. અગાઉ ભણતો હતો ત્યારે મારી પાસે વાહન નહિ હોવાથી મેં ઘણા લોકો પાસે લીફટ માંગી હતી અને તેમના વિઝીટીંગ કાર્ડ લીધા હતા. હવે એ સંગ્રહી રાખેલા 40 વિઝીટીંગ કાર્ડવાળા લોકોને ફોન કરીને મેં ભાડેથી મિલ્કતો આપવાની શરૂઆત કરી હોવાની જાણ કરી હતી. આ બિઝનેસમાં મને એક ભાગીદાર મળ્યો હતો અને હું જે કમાતો તેમાંથી 80 ટકા રકમ પાછી બિઝનેસમાં રોકતો હતો. મેં અખબારમાં મકાન ભાડે આપવાની અનેક જાહેરાતો આપી હતી. એક એનઆરઆઈનો ફ્લેટ વેચ્યો હતો તેમાંથી મને એક સેકન્ડ હેન્ડ સ્કૂટર મળ્યું હતું. મેં મારા કઝીનને બિઝનેસમાં જોડાવા માટે બોલાવ્યો હતો. વર્ષ 2000માં મારી સગાઈ થઈ હતી. વર્ષ 2001માં ભૂકંપ આવ્યા બાદ ભાડેથી બંગલા લેવા માટે માંગ ઘણી વધી ગઈ અને મેં ઘણું કામ કર્યું હતું. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2001માં મારા લગ્ન થયા અને એ જ વર્ષે કર્ણાવતી ક્લબ સામે મેં મારો પોતાનો પ્રથમ ફ્લેટ લીધો  હતો. 2BHK ફ્લેટ માત્ર રૂ.3.50 લાખમાં લીધો હતો અને તે માટે શૈલેશભાઈ મિસ્ત્રીએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. મારી કંપનીએ સતત વિકાસ કર્યો અને વર્ષ 2003માં 10 વ્યક્તિનો સ્ટાફ હતો. વર્ષ 2004માં અમે કોમર્શિયલ પ્રોપર્ટીમાં કામકાજ શરૂ કર્યું હતું અને વર્ષ 2005માં નાનો ભાઈ પ્રકાશ મારી સાથે બિઝનેસમાં જોડાયો હતો. મારી કંપનીની અમદાવાદમાં ડ્રાઇવ ઇન, બોપલ, ગોતા, ચાંદખેડા, મણિનગર, નિકોલ, ચાંગોદર ઉપરાંત ગાંધીનગર અને સુરતમાં શાખાઓ આવેલી છે. વર્ષ 2014માં મેં બીજી એક કંપની સિરિલની સ્થાપના કરી હતી જેની શાખાઓ હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પુને, ભુવનેશ્વર, કોચી અને નાગપુરમાં આવેલી છે. હાલમાં સિટી એસ્ટેટ મેનેજમેન્ટમાં 70 અને સિરિલમાં 400 વ્યક્તિનો સ્ટાફ કામ કરી રહ્યો છે. આજ સુધીમાં 250થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. ભવિષ્યમાં સિરિલની શાખાઓ અમેરિકા, લંડન, દુબઈ અને સિંગાપોરમાં ખોલવાની ઇચ્છા છે. 
    પ્રવીણ બવાડિયાએ જણાવ્યું કે હવે 80 ટકા બ્રોકર માર્કેટ છે અને તે વેલ ઓર્ગેનાઇઝડ સેકટર બની ગયું છે. અમદાવાદમાં 50 મહિલા બ્રોકર્સ છે અને મારી કંપનીમાં પાંચ યુવતિઓ કામ કરી રહી છે. મારા પરિવારમાં પત્ની નિશાબહેન હાઉસવાઇફ છે અને પુત્ર મિત ધો.11માં અભ્યાસ કરે છે. મારો કઝિન મુકેશ વસાની સીઈઓ છે અને ભાઈ પ્રકાશ બોપલ શાખા સંભાળે છે. વર્ષ 2009માં મેં અમદાવાદ રીયલ્ટર એસોસિએશનની સ્થાપના કરી હતી કે જેનો હું ફાઉન્ડર પ્રેસિડન્ટ છું અને પછી નેશનલ રીયલ્ટર એસોસિએશનની સ્થાપના કરી હતી અને તેનો પણ હું ફાઉન્ડર છું. તેમણે સંદેશો આપતાં જણાવ્યું કે હંમેશાં ટાર્ગેટ ઓરીએન્ટેડ બિઝનેસ કરો અને પ્રમાણિકતાથી આકરી મહેનત કરો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!