• એટલે જ તો પ્રમુખસ્વામી મહારાજને સૌ પરહિતકારી કહે છે... : કુંજન મહેતા
    આર્ટિકલ 29-4-2022 10:21 AM
    કુંજન મહેતા
    30 એપ્રિલ, 2022

    મને કોઈનું અહિત થાય એવો ક્યારેય વિચાર આવ્યો નથી. આ વાક્ય છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું. પ્રમુખસ્વામી મહારાજને જેમણે નજીકથી નિહાળ્યા છે તેમને પ્રમુખસ્વામી મહારાજના આવા પવિત્ર અને પરહિતકારી જીવનનો પરિચય થયો જ છે. ફક્ત મનુષ્યો જ નહીં, પણ પ્રત્યેક જીવનું હિત થાય તેનું ચિંતન પ્રમુખસ્વામી મહારાજે સદાય કર્યું છે.

    એવો સેંકડો પ્રસંગોની હારમાળામાંથી ચૂંટેલા પ્રસંગોનું અહીં રસપાન કરીએ...

    એકવાર પ્રમુખસ્વામી મહારાજ બોરસદ પાસેના બોચાસણ ગામમાં પધાર્યા હતા. વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. વૃક્ષરોપણ માટે ખોદાયેલા ખાડામાં તેમણે એક મકોડો જોયો. તુરંત જ સ્વામીજીએ કહ્યું, ‘મકોડાભાઈ! બહાર નીકળો, હલવાઈ જશો.’ પછી હળવેકથી તેમણે ઉપાડીને ખાડાની બહાર મૂકી દીધો. એક નાના જીવને પણ દુઃખ ન થાય તેની ચિંતા.

    સન 2008માં પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં હતા. સાંજે તેમણે સારંગપુર મંદિરના પ્રાંગણમાં જોયું તો કેટલાક મોર આમતેમ ચાંચો મારીને માટીમાંથી ચણી રહ્યા હતા. સ્વામીજીએ ઉપસ્થિત વ્યવસ્થાપકોને વાત કરી કે આમ એમનેમ મોર ચણે એના કરતા એમને કંઈક દાણા આપી દેવા. સ્વામીજીના આદેશ મુજબ દાણા લાવવામાં આવ્યા અને મોરને દાણા નાખવામાં આવ્યા. આ જોઈને સ્વામીજી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા.

    એવો જ એક પ્રસંગ યાદ આવે છે કે સન 2003માં પ્રમુખસ્વામીજી સારંગપુરમાં જ હતા. એક દિવસ તેઓ ત્યાં બદામના ઝાડ નીચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેઓએ નીચે બદામ પડેલી જોઈ. એક વ્યક્તિએ એ જોઈને સ્વામીજીને કહ્યું કે ‘પોપટ બદામ બહું ખાઈ જાય છે.’ સ્વામીજી કહે, ‘ભલે ને ખાય. તમારે એકને જ ખાવા જોઈએ? એમને ન જોઈએ...?’ તે વ્યક્તિએ કહ્યું ‘ખાય એનો વાંધો નહીં, પણ અડધી ખાય અને અડધી નાંખી દે છે.’ સ્વામીજી કહે, ‘ખાય તો પાડેય ખરા! ભગવાને એવું બધું કર્યું છે કે દરેકને હક્ક છે ખાવાનો...’  આમ, ધરતીની કુદરતી સંપત્તિને ભોગવવાનો હક એકલો માનવ જ લઈ બેઠો છે. માનવહક્ક માટે લડતો ઝઘડતો માનવ પોતાનાં સ્વાદ, સ્વાર્થ અને પ્રસાધન માટે સૃષ્ટિના સહજીવી એવાં પશુ-પંખી કે વનસ્પતિનો સર્વનાશ કરવામાં જરાય ખચકાતો નથી. પરંતુ, જીવપ્રાણીમાત્રમાં ભગવાન જોનારા પ્રમુખસ્વામીજી ભગવાનની પાલનપોષણ અને રક્ષણની સુવ્યવસ્થાને પૂર્ણ આદર આપી શકતા.

    એવો જ એક પ્રસંગ બન્યો સન 2002માં. પ્રમુખસ્વામી મહારાજ ગાંધીનગર બિરાજતા હતા. બાળકોના એક કાર્યક્રમ દરમ્યાન શાંતિદૂત સમાન બે સફેદ કબૂતરો સ્વામીજીના ખોળામાં આપવામાં આવ્યા. સ્વામીજી તેના પર પ્રેમાળ હાથ ફેરવવા લાગ્યા. કાર્યક્રમ પૂર્ણ થયો. બાળકો માટે વ્યવસ્થાપકોએ પ્રસાદની વ્યવસ્થા કરી રાખી હતી. સ્વામીજીએ પ્રસાદ જોયો એટલે તરત જ પૂછ્યું, ‘પેલા બે કબૂતરો માટે કંઈ લાવ્યા છો...?’ તુરંત જ વ્યવસ્થાપકોએ કબૂતર માટે દાણાની વ્યવસ્થા કરી દીધી. 

    માનવે કેવળ માનવજાતનું જ ધ્યાન ન રાખતાં સૃષ્ટીના સહચારી એવા પશુ-પક્ષીનું પણ ધ્યાન રાખવું જોઈએ. એવી માર્મિક ટકોર સ્વામીજીના આ જ પ્રશ્નાર્થમાં પડધાય રહી હતી...!

    એટલે જ તો આવા મહાપુરુષ કહી શકે – મને ક્યારેય કોઈનું અહિત થાય એવો વિચાર આવ્યો નથી. તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન...

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!