• સત્યનો દીપક સ્વયંભૂ પ્રગટતો હોય છે
    આર્ટિકલ 22-3-2023 12:04 PM
    લેખક: પ્રતાપસિંહ ડાભી
     કશું એવું કે, કોરી સાવ કોરી આંખ છલકાવે,
    કશું એવું કે , ચાહો ખૂબ ને ડુંસકું ય ના આવે.
    કશું એવું કે , ટોળા માં નયુઁ એકાંત આપી દે,
    કશું એવું કે ,ખેંચી જાય ટોળા માં ને શરમાવે.
    કશું એવું કે ,સંતાડી શકો ના આપ દુનિયાથી,
    કશું એવું કે ,આવે હોઠ પર ને કોઈ ધરબાવે.
    કશું એવું કે , પ્રગટી જાય સાચું જેમ કે દીવો,
    કશું એવું કે ,કેવળ જૂઠ ને સત્કારે -અપનાવે.
    કશું એવું કે , છેટા સાવ છેટા , દૂર બેસે સહુ,
    કશું એવું કે , બેસો સાવ પાસે તો જ બસ ફાવે.
    કશું એવું કે , જે નિશ્ચય કરાવે કે નથી લખવું,
    કશું એવું કે ,દઇ ને લાગણી નિશ્ચય ને અજમાવે.– નીરવ વ્યાસ
    કાળના ગર્ભમાં શું છે એની ભલે આપણને જાણ ના થતી હોય પરંતુ એ ઘટનાઓને ધારણ કરે છે એના ગર્ભમાં એટલે ગર્ભધારણ કરાવનારું તો કોઈ છે જ છે એ તો નક્કી. ઘટનાઓનો નિરંતર પ્રસવ થતો જ રહે છે આ ગર્ભમાંથી ! મોટે ભાગે તો આ પ્રસવન કડીરૂપે થતું રહેતું હોય છે. એક ઘટનાને ને એનાં પ્રભાવને જોડતું- પોષતું અને એમ ઘટનાઓને નદીનાં વહેણ જેમ વહાવતું ! રસ્તા પર સર સર જતી લાંબા અંતરની બસના પ્રવાસીઓ જેવા છીએ આપણે સૌ .એકધારી ગતિએ ચાલતી બસમાં નીરાંતે માથું ટેકવી મજાની નીંદર ખેંચતા હોઈએ અને અચાનક ઝટકા સાથે બસ ઊભી રહી જાય ત્યારે એકી સાથે ઝબકીને બધાં જાગીને ઊભા થઈ જઈએ છીએ. જીવનની ઘટમાળમાં જૉડાયેલા આપણે નિરંતર ઘટતી ઘટનાઓ પરત્વે ખાસ પ્રતિક્રિયાઓ આપતાં હોતાં નથી. હા,એમાં વળી આપણને યશ અપાવનારી કોઈ બાબત હોય ત્યારે મોટે ઉપાડે એનું છોગું તુરતજ માથે બાંધી લઈએ છીએ. તો વળી મોં કાળું કરે એમ હોય તો ઠાગાઠૈયા કરતાં કરતાં ચહેરો સંતાડવાની વેતરણમાં લાગી જઈએ છીએ. ઘટનાઓનું આમ બનતાં રહેવું, ક્યાંક કોઈનું તો ક્યાંક કોઈનું એના ઊંડળમાં ચકરાયા કરવું, એ જ તો કદાચ કાળને ઉત્તેજીત કરતું રહે છે. નવી નવી ઘટનાઓના સર્જન માટે. કડીરૂપ ઘટતી ઘટનાઓમાં ઉથલપાથલનું તત્વ ખાસ હોતું નથી અને જો હોય તો એના આંચકા જીરવી જવાય એવા હળવા હોય છે . કુટુંબ કે ગામ,શહેર, પ્રદેશ કે સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતી, એમ સમૂહ સ્તરે અસર નિપજાવતી ઘટનાઓ પણ ઘટતી રહે છે. એ વખતે અસર હેઠળનાં જે તે સમૂહ એનાં સારાં - નરસાં પ્રભાવમાંથી પસાર થતાં એની હળવી કે ભારે પ્રતિક્રિયા આપતા રહે છે.
    ઘટનાઓની આ ઘાટઘૂટસભર લીલામાં તો સામાન્યથી લઈને પ્રજ્ઞાવાન સુધીના મનુષ્યો માણતા - જાણતા -સંતાપાતા કે ખિલખિલાતા રહી  લીલાતા કે સુકાતા રહે છે. પરંતુ લીલાના કોઈ એવા સ્વરૂપે આ કડીઓ તૂટીને વેરવિખેર થઈ જાય છે.  પ્રતિક્રિયાની અનિશ્ચિતતા ખુદ ગવાહી પૂરે કે કશુંક એવું છે જે એ હદે અજીબોગરીબ છે - હચમચાવનારું છે -શૂન્યમનસ્ક કરી દેનારું છે કે અનિશ્ચિતતા જ જાણે નિયમ બની જાય. આવી અનિશ્ચિતતા જ્યારે વિકરાળતાભરી અરાજકતા સર્જે ત્યારે ભીતર થતી ઉથલપાથલનો ભોગ સૌથી પહેલી આંખ બને છે. પંચેન્દ્રિય પૈકીની એક એવી આ આંખ કે જેને જોવાનું કામ સોંપાયું છે એ જોતાં જોતાં કે કશુંયે જોયા વગર કે બંધ રહ્યે રહ્યે જ  અચાનક બીજું જ કામ કરવા લાગી જાય છે. એ બીજું કામ તે આંસુથી છલકાઈ જવાનું . રોજ રોજ બનતી અનેક ઘટનાઓની કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર લાંબા સમય સુધી પડતર પડી રહેલી સાવ જ કોરી રહેલી આંખમાંથી અચાનક ધધૂડો થાય છે. અનિશ્ચિતતાભરી પરિસ્થિતિએ જ એને વિવશ કરી છે આમ અનિશ્ચિત વલણ તરફ જવા માટે ! આંખ તો આમ જ વર્તે એવી ધારણાના ભાંગીને ભુક્કા થતા હોય એમ આવી જ કોઈ કે ભયાવહતા વખતે આંખની મદદે ગળું પણ નથી આવતું ! એવી સ્થિતિ  ઊભી થાય છે કે ગળામાં ભરાયેલા સેંકડો ડૂસકાંઓનું શમન થયાં વિના જ વિસર્જન થાય છે્. આવા શમ્યા વિનાનાં ડુસકાઓ જ વળી ક્યારેક કોઈ કારણ વગર આંખને છલકાવવા ને ધોધ વહાવવા કારણભૂત થવાનાં છે.
    આ ગઝલ  મુસલસલ છે અને એમાં સંવેદાતી ભીતરી પળો પણ કડીરૂપ બનીને અસંમજસતા અને અનિશ્ચિતતાનો સળંગ તાર રચે છે.  આવી અનિશ્ચિતતા જ આપણને, ટોળામાં હોઈએ તો પણ કોઈ એવી એકાંતની ક્ષણોમા ખેંચી જાય એવું પણ બને ને વળી એમ પણ બને કે ટોળામા જઈએ તો ખરા પરંતુ ત્યાં જઈને કોઈ અજીબ કારણસર શરમાઈ પણ જઈએ. આજ અનિશ્ચિતતા ને અવઢવ ગોપનીય રાખવા જેવી ચીજને પણ ગોપનીય ન રહેવા દે. આમ તો સત્યનો દીપક સ્વયંભૂ પ્રગટતો હોય છે પરંતુ પેલી અનિશ્ચિતતા સ્વયંભૂ પ્રગટેલા દીપકને છૂમંતર કરાવી દઈ તેની જગ્યાએ આવી ચડેલા જૂઠને હારતોરા કરવા લાગી જાય. કયા માણસો જોડે આપણને ફાવે એની પરિપાટીનો પણ કચ્ચરઘાણ નીકળી જાય ક્યારેક આ સ્થિતિમાં તો !
    આ અનિશ્ચિતતામાં જ્યારે કોઈ કવિ ઘેરાય ત્યારે શું બને? એના મનમાં નિશ્ચય  થાય કે :હવે બસ કાંઈ લખવું નથી. આ લખવું એ તો નિરર્થક પ્રક્રિયા છે જાણે! ભૌતિકતાના યુગમાં શબદ પદારથની કોને પડી છે?’ પરંતુ 
    એમ કવિને કાંઈ છુટકારો છે? એ ક્યાં કાંઈ લખે જ છે?એને લખાવનારો હાથ તો કોઈ બીજો જ હોય છે ને એમ એ લખ્યા વગર રહી નથી શકતો.
     કૉવિડકાળના  અવઢવતાભર્યા અને હાલકડોલક થતાં સમયમાં લડી લેવાના મુડ સાથે ફરનારા કંઈક જોદ્ધાઓને કવિ નીરવ વ્યાસની આ ગઝલ જેવો અનુભવ થયો જ હશે. કવિની આ ગઝલ આજના સમયને તાકીને હમણાં જ લખાયેલો ગઝલ નથી. કવિ તો આર્ષદ્રષ્ટા છે .એની કહેવાયેલી પંક્તિઓ કાળના કોઈને કોઈ ખંડને ક્યારેક ને ક્યારેક તો લાગુ પડતી જ હોય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!