• વિદ્યાર્થીઓની લાગણી એ જ મારું શિક્ષણક્ષેત્રમાં વાવેલું વ્યાજ છે ઃ વર્ષા જાની
    આર્ટિકલ 26-5-2022 12:10 PM
    વર્ષા જાની


    આજે સવારે આગિયારેક વાગે ક્લાસીસમાંથી હિરેનભાઈનો ફોન આવ્યો, “ બહેન, આ તમારો એક સ્ટુડન્ટ અહીં આવ્યો છે, તમારી સાથે વાત કરવાં માંગે છે, એનું નામ છે, મિત, મિત મહેતા “

    વાત સાંભળતા સાંભળતા જ ક્ષણભર હું વિચારમગ્ન થઈ ગઈ!કોણ હશે મિત?  “  હા, આપો, મિતને..  નમસ્તે મેમ, હું મિત બોલું છું, માન્યાનો ભાઈ, યાદ આવ્યું મેમ?

    મારી બહેન પ્રાચી, ઉર્ફે માન્યા... “  અરે, હા.. હા, યાદ આવ્યું.., મિત કેમ છે? બેટા, શું કરે છે, બહેન? “ ક્ષણિક કાંઈ જ પ્રત્યુત્તર ન મળ્યો. પછી કહે, મેમ, આ તમે મને એક નિબંધમાળા આપેલી, હું sscમાં હતો ને ત્યારે! એ હું પાછી આપવા માટે સાથે લઈને આવ્યો છું..મેમ, પણ મારે તમને મળવું છે. તમારો કોન્ટેક્ટ નંબર મેળવવાની હું એક વીકથી ટ્રાય કરુ છું. ત્રણ ચાર દિવસ પહેલાં સ્કૂલે ગયો, મને એમ કે ત્યાંથી તમારો કોન્ટેક્ટ નમ્બર મળી જાય! But પ્રિન્સિપાલે એવું કહ્યું કે જુના સ્ટાફનાં નંબર અમારી પાસે ન હોય!!, એટલે યાદ આવ્યું કે તમે જે ક્લાસીસમાં  ભણાવો છો ત્યાંથી નંબર મળી જ જશે, એટલે અહીં આવ્યો.  હા, બેટા, તો આવ, મળીએ. “  ફોન મુક્યો ને પાંચ મિનિટમાં મિત મને મળવા માટે હાજર થઈ ગયો.

    મેં એને ખૂબ પ્રેમ પૂર્વક આવકાર્યો. વિદ્યાર્થીઓની લાગણી એ જ મારું શિક્ષણક્ષેત્રમાં વાવેલું વ્યાજ છે. હું હંમેશા વિદ્યાર્થીપ્રિય શિક્ષક રહી છું. વિદ્યાર્થીઓના હિતચિંતક રહીએ, એટલું જ નહીં પણ એ માટે એને આપણાથી બની શકે એટલી મદદ કરીએ,એવો મારો સ્વભાવ છે.  મિત આવ્યો, એ પ્રેમપૂર્વક બન્ને પગને રીતસર સ્પર્શ કરીને ભાવવિભોર થઈને પગે લાગ્યો. મોટાંભાગના વિદ્યાર્થીઓની જેમ માત્ર કાટખુણીયો નમાવી પગે લાગવાની એક્ટિંગ ન કરી.એક વખતનો ખૂબ તોફાની મિત આટલો ગંભીર અને ડહાપણ ભર્યો બની ગયો! ખૂબ ગમ્યું.

                મેં પૂછ્યું “ માન્યા શું કરે છે? “
      “ એ તો ગઈ 14 એપ્રિલનાં ગુજરી ગઈ! “ પૂરું બોલી પણ ન શક્યો.   “  હેં.. કેવી રીતે? શું થયું હતું એને? “

     મારાં પ્રશ્નોની હારમાળાનું શમન કરવાં માટે એણે સ્વસ્થ થઈને વાત શરુ કરી.  “ એને ડાયેરિયા થઈ ગયા હતાં. પણ ખાસ એવું કાંઈ જ લાગતું ન હતું કે આવું કાંઈ બની જશે!પણ અચાનક બીપી લો થઈ ગયું, અને...!  હજી એક મહિનો પણ નથી થયો.  બહેન, બી.કોમ. ની સાથે સાથે CA. નું પણ ભણતી હતી. ખૂબ મહેનત કરતી હતી. દિવસરાત જોયાં વિના..

    હા, મને ખબર છે, માન્યા ખૂબ જ મહેનતુ છોકરી, એ મનમાં ધારે તે હાંસિલ કરીને જ રહે તેવી.. હાઈસ્કૂલમાં ઈંગ્લીશ મીડીયમમાં મારી પાસે ત્રણ વર્ષ એ ભણી હતી. દસમાં ધોરણમાં પણ ખૂબ સારુ પરિણામ લાવેલી. ખૂબ ખંતિલી એ દીકરી.   મિત એનાં કરતાં સાવ ઉલટો, ભણવામાં આળસુ, અક્ષર સાવ ખરાબ..દસમાં ધોરણમાં બોર્ડમાં પાસ થવામાં પણ તકલીફ પડે એવો ! આવા ભાઈની એ ખૂબ ચિંતા કરતી, મિતને પણ એણે મારી પાસે ભણવા મોકલ્યો. મેં સખત મહેનત કરાવી ને મિતનું બોર્ડ સુપેરે પસાર થયું.એ વખતે મેં મિતને સ્કૂલમાં ગુજરાતી નિબન્ધમાળા આપેલી હશે, એ મને પણ યાદ ન હતું!       મિત આજે બીસીએનાં ત્રીજા વર્ષમાં ભણે છે.આજે લગભગ પાંચેક વર્ષ થયા હશે.એ પુસ્તક આપ્યાને.             
     માન્યાનાં અવસાન પછી, એમનાં ટેબલના ખાનાંમાંથી આ ગુજરાતી નિબંધમાળા મળી આવી , એમાં ઉપર એક નાનકડી ચિઠ્ઠીમાં લખેલું હતું

      “ વર્ષામેમને પાછી આપવાની બુક”    મિતે વાતવાતમાં કહ્યું કે, મેમ,બહેન મને ઘણીવાર તમારી આ બુક તમને પાછી આપવા માટે કહ્યા કરતી. પણ હું આળસુ એની વાત માનતો નહીં. ને એને ટાઈમ મળતો નહીં. બહેન તમને ખૂબ જ યાદ કરતી. કહેતી કે એનાં લીધે જ તું દસમું પાસ થયો છે.એ CA પૂરું થાય પછી તમને રુબરુ મળવા આવવાની વાત કર્યા કરતી હતી.! એટલે એ વખતે કદાચ એણે આ બુક આપને પાછી આપવા માટે નક્કી કરીને લખી રાખ્યું હશે “ પણ એને ક્યાં ખબર હતી કે એ તો એક દિવસ આમ ફોરમ છોડીને ઊડી જવાની હતી!    મારું પુસ્તક મને પરત કરવાની બહેનની ઈચ્છા પૂર્ણ કરવાં આજે ભાઈ મારાં સુધી પહોંચીને જ રહ્યો.   મિતની વાત સાંભળતા સાંભળતા હું હૃદયથી પુરેપુરી ઓગળી ગઈ અને એ પીગળેલું હૃદય આંખ વાટે વહેતું થયું. મન ભરાઈ ગયું..      આવી વ્યવહારુ મારી વ્હાલી વિદ્યાર્થીને મેં અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી.       કદાચ ઓછું જીવન હશે એટલે જઆ દીકરીને ભગવાને આટલી વ્યવહારુ, શાણપણ ભરેલી સુગન્ધી બનાવી હશે!     
    ઈશ્વર એનાં દિવ્ય આત્માને શાંતિ બક્ષી ઉત્તમ જન્મ આપે એવી ઈશ ચરણોમાં પ્રાર્થના.. મંગલ મંદિર ખોલો.. દયામય..
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!