• જીવનમાં ઘણા સેટબેક્સ આવ્યા જોકે મેં ક્યારેય હિંમત ન હારી : ઇન્દ્રજિત મિત્રા
    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:32 AM
    • અમે અમદાવાદ, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સીડેકની તાલીમ આપતા ચાર કેન્દ્રો શરૂ કર્યા હતા
    અમદાવાદ

    ગમે તેવા કપરા સંજોગોમાં પણ નાસીપાસ ન થતા અને મજબૂત મનોબળ ધરાવતા, સમયપાલનના ચુસ્ત આગ્રહી ગેટવે  ગ્રૂપના સ્થાપક અને બોર્ડ મેમ્બર ઇન્દ્રજીત મિત્રાએ ગુજરાતમાં ગણીગાંઠી આઇટી કંપનીઓ પૈકીની એક કંપની સ્થાપી છે. 

    ઇંગ્લીશમાં કહેવત છે ‘એવરી બ્લેક ક્લાઉડ હેઝ એ સિલ્વર લાઇનીંગ’. આ કહેવતને ચરિતાર્થ કરતા ઇન્દ્રજીત મિત્રાએ ‘ગુજરાત મેઇલ’ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા જીવનમાં ઘણા સેટબેક્સ આવ્યા છે, જોકે મેં ક્યારેય હિંમત હારી નથી. મારી માતૃભાષા બંગાળી છે, જોકે મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે અમે બંગાળમાં એક પ્રસંગમાં ગયા હતા ત્યારે અચાનક મારા પિતાનું અવસાન થયું હતું. એ વખતે મારા કુટુંબ પાસે બે વિકલ્પ હતા કોલકાતા કે અમદાવાદમાં સ્થાઇ થવું. જોકે, મારી માતાએ અમદાવાદમાં જ સ્થાઇ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે ટિચીંગ કરીને મારો અને મારા નાના ભાઇનો ઉછેર કર્યો છે. ખૂબ જ કપરા સંજોગોમાં મારી માતાએ અમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું છે. મેં બીએસસી કર્યું અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના રોલવાલા સેન્ટરમાંથી એમસીએ કર્યું છે. સિમેન્ટીક કંપનીમાંથી લાઇવ પ્રોજેકટસ માટે હું અવારનવાર અમેરિકા અને ઇંગ્લેન્ડ જતો હતો. એ વખતે પણ ઘણા યુવાનો વિદેશમાં સેટલ થતા હતા, જોકે મેં અમદાવાદમાં જ સ્થાઇ થવાનો નિર્ણય કર્યો હતો. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારા બાળપણના મિત્ર નિરજ ગેમાવતે સીડેકની તાલીમ મેળવી હતી. અમારી પાસે અનુભવ કે કોઇ મુડી નહોતી તેમ છતાં વર્ષ 1996-97માં અમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું જોખમ લીધું હતું. એ વખતે મારો પગાર મહિને રૂ.40 હજાર હોવા છતાં મેં જોબ છોડવાનો અઘરો નિર્ણય લીધો હતો. અમે અમદાવાદ, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સીડેકની તાલીમ આપતા ચાર કેન્દ્રો શરૂ કર્યા હતા જેમાં અંદાજે 400 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવતી હતી. અમે કોમ્પ્યુટર્સ પણ ભાડે લીધા હતા. 

    પ્રથમ છ મહિના સુધી ખાસ કોઇ આવક થઇ નહોતી અને પાંચમાંથી ત્રણ પાર્ટનર છોડીને જતા રહ્યા હતા. અમે નાના કામો મેળવીને અમારૂં ગાડુ ગબડાવ્યે રાખ્યું હતું. અમે વર્ષ 2009 સુધી પગાર સિવાય કંઇ લીધું નહોતું અને તમામ આવકનું કંપનીમાં જ રોકાણ કર્યું હતું. વર્ષ 2015 સુધીમાં અમારી કંપનીએ ઘણા વિકાસ કર્યો હતો. નેધરલેન્ડ સાથે અમે બિઝનેસ શરૂ કર્યો હતો અને દર વર્ષે ટર્નઓવરમાં 100 ટકાનો વધારો થતો હતો. આજે 17 દેશોમાં અમારી કંપનીની સેલ્સ ઓફિસ છે અને 1200થી વધુનો સ્ટાફ છે. અમે એન્જીનીયરીંગ કન્સલ્ટન્સી, સોફટવેર ડેવલપમેન્ટ, આઉટસોર્સિંગ સર્વિસીસ વગેરે સેવાઓ પૂરી પાડીએ છીએ. 

    મિત્રાએ જણાવ્યું કે વર્ષ 2015માં અમે કંપનીનું બ્રાન્ડીંગ શરૂ કર્યું હતું અને આગામી વર્ષ 2022માં અમે અમારી કંપનીનું શેર બજારમાં લિસ્ટીંગ કરાવવાની મહેચ્છા ધરાવીએ છીએ. હાલમાં અમારી કંપની બે કોન્સેપ્ટ પર ફોકસ કરી રહી છે જેમાં સાયબર સિક્યુરીટી અને કારમાં ઓટોમોટીવ. ભારતની સરખામણીમાં વિદેશમાં સાયબર સિક્યુરીટી અંગે જાગૃતિ વધી છે. આઇટી ક્ષેત્રમાં ભારતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ છે, જોકે હવે ઇકોસિસ્ટમ સુધરી હોવાથી ત્રણથી ચાર મોટી આઇટી કંપનીઓ રાજ્યમાં સારૂ કામ કરી રહી છે. ભારતમાં બેંગાલુરૂ, હૈદરાબાદ, પૂને, ચેન્નાઇ, ગુરૂગ્રામ, ચંદીગઢમાં આઇટી ઇન્ડસ્ટ્રી જામી છે. જ્યારે વિદેશમાં અમેરિકા ઉપરાંત જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને નોર્ડીક દેશોમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં સારી જોબ્સ છે. ભારતમાં લાખોની સંખ્યામાં યુવાનો આઇટી સેકટરમાં કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં જોબ્સની શક્યતા છે આ પ્રશ્નના ઉત્તરમાં મિત્રાએ કહ્યું કે આઇટી ઉપરાંત એરોનોટીકસ, સ્પેસ, જેનેટીક્સ, બાયોટેકનોલોજીમાં રોજગારીની વધુ તકો પેદા થશે. સતત વિકસતી ટેકનોલોજીને કારણે નોકરીની વ્યાખ્યા બદલાઇ જશે. હજુ પણ ઇ-કોમર્સમાં પણ ઘણી તકો છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!