• હક્રેડિટ સુઈસને સંકટમાંથી ઉગારવા $ 3.25 અબજની મદદ કરવા UBS આગળ આવ્યું
    વ્યાપાર 21-3-2023 09:29 AM
    • યુએસ બેન્કિંગ કટોકટી બેંકિંગ શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.82,00,000 કરોડથી વધુનું ધોવાણ
    • સિલિકોન વેલી બેંકની નાદારી અને ક્રેડિટ સુઇસના ઘટનાક્રમે વિશ્વભરના રોકાણકારોને જંગી ફટકો
    • 10 દિવસમાં ક્રેડિટ સુઇસનો શેર 75 ટકા, ફર્સ્ટ રિપબ્લિક બેંક 85 ટકા તૂટયો
    મુંબઈ

    અમેરિકા, યુરોપની બેંકોના સંકટની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યુ છે. ટોચની બેન્કોમાં સામેલ યુબીએસ તેની હરીફ અને સંકટગ્રસ્ત બેન્ક ક્રેડિટ સુઈસ હસ્તગત કરશે. યુબીએસ આશરે $3.25 અબજમાં ક્રેડિટ સુઈસ હસ્તગત કરશે. આ ડીલ રેગ્યુલેટરના પ્રયાસોને કારણે થઈ છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વૈશ્વિક બેન્કિંગ ક્ષેત્ર સંબંધિત કટોકટી વધુ ઘેરી ન બને. સ્વિસ સત્તાવાળાઓએ યુબીએસને ક્રેડિટ સૂઈસ બેન્ક હસ્તગત કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. અગાઉ, લગભગ $54 અબજની લોન લેવાની ક્રેડિટ સુઈસની યોજનાને લઈને બેન્કમાં રોકાણકારો અને ગ્રાહકોનો વિશ્વાસ દેખાતો ન હતો. ફુગાવાને અંકુશમાં લેવા જતાં અમેરિકા, યુરોપના દેશોની સેન્ટ્રલ બેંકોના ધિરાણને અત્યંત મોંઘું બનાવી દેતાં વ્યાજ દરોમાં ટૂંકાગાળામાં તીવ્ર વધારાએ વૈશ્વિક બેંકિંગ, ફાઈનાન્શિયલ ક્ષેત્રને અસાધારણ કટોકટીમાં ધકેલી દેવા સાથે માર્ચ મહિનામાં ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે શેરોમાં રોકાણ મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર એટલે કે રૂ.82,૦૦,૦૦૦ કરોડનું જંગી ધોવાણ થઈ ગયું છે. ક્રેડિટ સ્વિસના શેરનો ભાવ આજે એક દિવસમાં જ 65  ટકાથી વધુ તૂટી જઈ ૦.૬૬ સ્વિસ ફ્રેન્ક અને યુબીએસના  શેરનો ભાવ 10 ટકા જેટલો ઘટીને 14.35 સ્વિસ ફ્રેન્કના તળીયે આવી ગયો હતો.

    અમેરિકા, યુરોપની બેંકોના ઉઠમણાંના શરૂ થયેલા ઘટનાક્રમમાં હવે ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી.ના યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ટેકઓવર નિર્ણય બાદ પણ સંકટ હળવું થવાના બદલે સતત વધતું રહી રોકાણકારોનો અમેરિકા અને યુરોપના દેશોની બેંકિંગ વ્યવસ્થા પરનો ભરોસો સતત ઉઠવા લાગ્યો છે. ક્રેડિટ સ્વિસના યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ટેકઓવર છતાં ક્રેડિટ સ્વિસના બોન્ડસધારકો એટલે કે રોકાણકારોના ૧૭ અબજ ડોલરના બોન્ડસનું મૂલ્ય હવે લગભગ શૂન્ય થઈ ગયું છે. એટલે કે રોકાણકારોએ નાહી નાખવું પડયું છે.

    અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી) સંકટમાં આવી ગયાના ૯,માર્ચ ૨૦૨૩થી શરૂ થયેલા ઘટનાક્રમ બાદ એક પછી એક અમેરિકી બેંકો ફર્સ્ટ રિપબ્લિક બેંક અને સિગ્નેચર બેંકના ભંગાણના સમાચારોએ વિશ્વના બેંકિગં-ફાઈનાન્શિયલ ક્ષેત્રેને હચમચાવી દીધા બાદ છેલ્લા એક સપ્તાહથી યુરોપના દેશોની ફાઈનાન્સ કંપનીઓ, બેંકોના સંકટે તરખાટ મચાવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડની સૌથી મોટી બેંકિંગ જાયન્ટ ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી. મુશ્કેલીમાં સપડાતાં યુરોપના દેશોના બજારોમાં ફાઈનાન્શિયલ, બેંકિંગ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડી રહ્યા છે. જેમાં ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજીનો શેર છેલ્લા ૧૦ દિવસમાં ૭૦ ટકાથી વધુ તૂટી ગયો છે.

    અમેરિકી બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં છેલ્લા ૧૦ દિવસમાં  ન્યુયોર્ક શેર બજારમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરનો ભાવ ૮૨.૭૮ ટકા તૂટીને ૧૮.૮૦ ડોલર, યુએસ બેનકોર્પ ૨૫.૩૭ ટકા તૂટીને ૩૩.૯૫ ડોલર, કેપિટલ વન ૧૩.૪૩ ટકા તૂટીને ૯૦.૮૫ ડોલર, બેંક ઓફ અમેરિકા કોર્પ ૧૩.૫૮ ટકા તૂટીને ૨૮.૧૪ ડોલર, વેલ્સ ફાર્ગો ૧૩.૬૫ ટકા ઘટીને ૩૭.૮૬ ડોલર, ગોલ્ડમેન સેશ ૧૧.૯૨ ટકા ઘટીને ૩૦.૭.૬૮ ડોલર, મોર્ગન સ્ટેનલી ૧૧ ટકા ઘટીને ૮૫.૫૦ ડોલર, સિટીગુ્રપ ૧૨ ટકા ઘટીને ૪૪.૬૫ ડોલર, જેપી મોર્ગન ચેઝ ૭.૪૫ ટકા ઘટીને ૧૨૭.૫૦ ડોલર આવી ગયા છે.

    યુરોપના દેશોમાં શેર બજારોમાં ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી.નો ભાવ આજે ૬૨ ટકાથી વધુ તૂટી જવા સાથે છેલ્લા ૧૦ દિવસમાં ૭૦ ટકા તૂટીને ૦.૮૫ સ્વિસ ફ્રેન્ક, યુબીએસ ૧૪ ટકા ઘટીને ૧૭.૨૫ સ્વિસ ફ્રેન્ક, ડોઈશ બેંક એજી ૨૦ ટકા તૂટીને ૯.૨૦ યુરો,  બીએનપી પારિબાસ ૧૭.૭૫ ટકા તૂટીને ૫૧.૫૨ યુરો, બાર્કલેઝ ૧૪.૨૫ ટકા ઘટીને ૬.૭૫, ક્રેડિટ એગ્રીકોલ ૧૨ ટકા ઘટીને ૯.૯૬, એચએસબીસી ૧૪ ટકા ઘટીને ૫૩૫ પાઉન્ડ, સોસાયટી જનરલ ૨૧.૫ ટકા તૂટીને ૨૧ યુરો, લોઈડ્સ બેંકિંગ ગુ્રપ ૧૧ ટકા ઘટીને ૪૬ પાઉન્ડના લેવલે આવી ગયા હતા. ભારતીય શેર બજારોમાં પણ બેંકિંગ, ફાઈનાન્સ શેરોની પાછળ થઈ રહેલી સતત વેચવાલીના પરિણામે રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ રોકાણકારોની સંપત્તિ માંથી થવા પામ્યું છે.

    સાઉદી નેશનલ બેંકે ક્રેડિટ સ્વિસના શેરોના રોકાણમાં એક અબજ ડોલર ગુમાવ્યા
    ક્રેડિટ સ્વિસ સંકટમાં આવી જતાં એને ઉગારવા યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ખરીદવાના નિર્ણય છતાં એક તરફ ક્રેડિટ સ્વિસના બોન્ડધારકોનું કુલ ૧૭ અબજ ડોલર એટલે કે રૂ.૧,૪૪,૦૦૦ કરોડનું રોકાણ શૂન્ય એટલે કે કાગળિયા થઈ ગયું છે, ત્યારે બીજી તરફ સાઉદી નેશનલ બેંકે પણ ક્રેડિટ સ્વિસમાં રોકાણ એક અબજ ડોલરથી  વધુ નુકશાની કરી હોવાનું જાણવા મળે છે.

    અનેક ઈન્વેસ્ટરોની મૂડી  ક્રેડિટ સુઇસમાં ધોવાઈ ગઈ
    રિયાધ સ્થિત સાઉદી નેશનલ બેંક દ્વારા ક્રેડિટ સ્વિસમાં નવેમ્બર ૨૦૨૨માં શેર દીઠ ૩.૮૨ સ્વિસ ફ્રેન્કના ભાવે ૧.૪ અબજ સ્વિસ ફ્રેન્કનું એટલે કે ૧.૫ અબજ અમરિકી ડોલરનું રોકાણ કરીને ૧૦ ટકા જેટલું હોલ્ડિંગ ધરાવતી સૌથી મોટી શેરધારક બની હતી. આ રોકાણના ૮૦ ટકા રોકાણ ધોવાઈ ગયું છે. યુબીએસ દ્વારા ક્રેડિટ સ્વિસને શેર દીઠ ૦.૭૬ સ્વિસ ફ્રેન્ક ભાવે ખરીદવાની ડીલ કરવામાં આવતાં અનેક ઈન્વેસ્ટરોની મૂડી  ક્રેડિટ સુઇસમાં ધોવાઈ ગઈ છે. સાઉદી નેશનલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે,તેનો વ્યાપક વ્યુહ પહેલાની જેમ જ રહેશે, તેના શેરનો  ભાવ આજે ૦.૫૮ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૨ મુજબ સાઉદી નેશનલ બેંકનું ક્રેડિટ સ્વિસમાં રોકાણ ક્રેડિટ સ્વિસની કુલ અસ્ક્યામતોના ૦.૫  ટકા અને તેના રોકાણ પોર્ટફોલિયોના ૧.૭ ટકા જેટલું છે. 

    ક્રેડિટ સુઇસના 17 અબજ ડોલરના બોન્ડ માંડવાળથી રોકાણકારો આફતમાં
    ક્રેડિટ સુઇસ એજીના યુબીએસ જુથ સાથે  ઉતાવળિયા મર્જરને પરિણામે બેન્કના જોખમી બોન્ડમાં જંગી ધોવાણ થશે. આ મર્જરને કારણે  બોન્ડધારકોના અંદાજે ૧૬ અબજ સ્વિસ ફ્રાન્કસ અથવા ૧૭.૩૦ અબજ ડોલરના કથિત વધારાના ટીઅર ૧ બોન્ડસને સંપૂર્ણ રીતે માંડી વળાશે, એમ સ્વિત્ઝરલેન્ડના નાણાંકીય નિયામક ફિનમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. રૂપિયામાં  આ આંક ૧,૪૨,૪૯૬ કરોડ જેટલો થવા જાય છે.  આ માંડવાળને કારણે યુરોપની ૨૭૫ અબજ ડોલરની એટી૧ બોન્ડ માર્કેટમાં ચિંતા વધી છે. આ સાથે વિશ્વના ઈક્વિટી-શેર બજારો બાદ હવે વૈશ્વિક બોન્ડસ માર્કેટોમાં મોટી ઉથલપાથલ શરૂ થઈ છે. સ્વિત્ઝરલેન્ડની સૌથી મોટી બેન્ક યુબીએસે જુથે ૩.૨૫ અબજ ડોલરમાં ક્રેડિટ સ્વિસને ટેક ઓવર કરવા જાહેર કર્યું છે.  ટેકઓવરને પગલે  એટી૧ (એડીશનલ ટીઅર ૧) બોન્ડસને માંડવાળ કરીને શૂન્ય કરી નંખાશે એમ નિયામક દ્વારા જણાવાયું હોવાનું ક્રેડિસ સ્વિઝે જણાવ્યું હતું. શેરબજારની ભાષામાં કહીએ તો  બોન્ડધારકોના આ ૧૭.૩૦ અબજ ડોલરના  બોન્ડસ હાલમાં કાગળિયા થઈ ગયા છે. ગયા સપ્તાહમાં જ એટી૧ માર્કેટમાં ગાબડાં પડયા હતા. ડયૂસ બેન્કના ૬ ટકાના ૧.૨૫ અબજ ડોલરના એટી૧ બોન્ડ ૧૦ ટકા ઘટીને ૭૯ સેન્ટસ પર આવી ગયો હતો જ્યારે યુબીએસના સાત ટકાના ૨.૫૦ અબજ ડોલરના બોન્ડસ પાંચ ટકા ઘટી ૯૫.૫૦ સેન્ટસ પર આવી ગયો હતો. 

    ડિફોલ્ટરોથી બેન્કોને એક વર્ષમાં 13 હજાર કરોડની ખોટ
    દેશની સરકારી અને ખાનગી બેન્કોની ડૂબી ગયેલી રકમ સતત વધી રહી છે. વિવિધ બેન્કો અને ટ્રાન્સ યુનિયન સિબિલના અહેવાલો અનુસાર છેલ્લા એક વર્ષમાં વિલફુલ ડિફોલ્ટર્સ એટલે કે જાણીને નાણાં પરત ન કરનારા લોકોએ રૂપિયા 13,141 કરોડની રકમ પચાવી પાડી હતી. આ સાથે વિલફુલ ડિફોલ્ટરો દ્વારા બેન્કોમાંથી લૂંટાયેલી રકમનો આંકડો વધીને હવે 88,435 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ડિસેમ્બર 2022માં નાણારાજ્ય મંત્રી ભગવત કરાડે ગૃહમાં જણાવ્યું હતું કે ડિફોલ્ટર્સની આ યાદીમાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ ટોચ પર છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!