• વિચારોની વનરાય : શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાનાં પૂરક છે
    આર્ટિકલ 22-9-2022 07:56 AM
    લેખક: યોગેશ જોશી
    સૌ પ્રથમ આપણે શિક્ષક એટલે કોણ, એ વિષે વાત કરીએ. જે વ્યક્તિ શિક્ષણનો સાચો આંક કાઢી, પોતાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે,  તે સાચો શિક્ષક છે. શિક્ષકની વ્યાખ્યા એકજ વાક્યમાં આપવી હોય તો, જે પોતાના વિદ્યાર્થીઓને સાચી શિક્ષા તથા દિક્ષા આપનાર વ્યક્તિ. શિક્ષકો જ પોતાના વિદ્યાર્થીઓના પથદર્શક અને માર્ગદર્શક બની શકે છે. બાળકોમાં માતા બાદ સંસ્કારનું કોઈ સિંચન કરતું હોય તો તે વ્યક્તિ શિક્ષક છે. 

    બાળકો કે વિદ્યાર્થીઓનાં જીવનમાં માતા પછી ગુરૂ કે શિક્ષકનું દ્વિતીય સ્થાન આવે છે.  શિક્ષક ખરા અર્થમાં વિદ્યાર્થીઓનો ગુરૂ છે. શિક્ષક જ એક એવો મહાનુભાવ છે જેના માધ્યમ થકી એના ભણાવેલાં વિદ્યાર્થીઓમાંથી કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ, કોઈ પાયલોટ કે કોઈ મોટો ઉદ્યોગપતિ બને છે. આ બધાં આગળ આવ્યા એ એમના ગુરૂ કે શિક્ષકની દેન છે.શિક્ષક વિદ્યાર્થીઓના અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. 

    બીજી બાજુ વિચારીએ તો વિદ્યાર્થી એટલે વિદ્યાનો સાચો અર્થ જાણનાર. જે વિદ્યાર્થી વિદ્યાનો કે શિક્ષણનો સાચો અર્થ કાઢી અને સમજી શકે છે એજ ખરો અને આદર્શ વિદ્યાર્થી છે.વિદ્યા હંમેશા વિનય વડે શોભે છે તે ન્યાયે, વિદ્યાર્થી નમ્ર, વિનયી, સુશીલ, ખંતીલો અને મૃદુભાષી હોવો જોઈએ. વિદ્યાર્થી પોતાના ગુરૂ કે શિક્ષકના આદેશ તથા આજ્ઞાનું પાલનકર્તા, સોહાર્દ, વિનમ્ર અને આજ્ઞાંકિત હોવો જોઈએ. જેટલાં પણ મોટા કે નામાંકિત વ્યક્તિઓનો ઈતિહાસ તપાસશો તો એમની વૃદ્ધિ અને સમૃદ્ધિની પાછળ કોઈને કોઈ સારા કે મહાન ગુરૂ કે શિક્ષકનો હાથ હશે જ.  શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાથી અલિપ્ત રહી શકે નહીં. આમ વિદ્યાર્થી તથા શિક્ષક એકમેક સાથે સેતૂ સમાન છે અને એકબીજાના પૂરક છે.

    જો કે આજના પરિવર્તિત અને બદલાયેલાં જમાનામાં શિક્ષકો શિક્ષણને બદલે શાળામાં મહિલા શિક્ષિકા કે નાની વિદ્યાર્થીનીઓ સાથે લંપટલીલા આદરે છે. શાળામાં નિયમિત આવતા નથી, પાન પડીકી કે દારૂના નશામાં ધૃત હોય છે, આવા શિક્ષકો વિદ્યાર્થીઓમાં સારા શિક્ષણનું સિંચન કઈ રીતે કરી શકશે? વિદ્યાર્થીઓને શિક્ષા (શિક્ષણ) આપવાને બદલે શિક્ષા (સજા કે દંડ) નો સહારો લ્યે છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ વિદ્યાનો અર્થ જાણવાને બદલે વિદ્યાની અર્થી (ઠાઠડી) કાઢે એવા હોય છે. શાળા કોલેજોમાં ભણવાને બદલે ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે મોજમસ્તી કરવી, પિરીયડો નિયમિત ભરવા નહીં, શિક્ષકોની ફિલ્મ ઉતારવી અને ભાંગફોડ કરવી એવાં નખરાં કરે છે, આ અલગ બાબત છે.

    આમ છતાં એક આદર્શ અને સાચો શિક્ષક પોતાના જ્ઞાન તથા અનુભવ થકી ગમે તેવા નાદાન, ઉદ્દંડ અને તોફાની વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે. માટે જે વ્યક્તિઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તે તમામે સમાજમાં આદર્શ અને ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!